આ સ્ટુડન્ટે બનાવ્યો દુનિયાનો સૌથી વધુ ચમકતો પદાર્થ, 2 વોટનો બલ્બ આપશે 20 વોટ જેવો પ્રકાશ.

0
2751

વધતું જતું લાઈટ બીલ આજે પણ ઘણા લોકો માટે એક મોટી સમસ્યા છે. અને તે વધારવામાં ઘરમાં સળગી રહેલા બલ્બની જ સૌથી મોટી ભૂમિકા હોય છે. આપણને બધાને સારી રીતે કામ કરવા માટે વધુમાં વધુ પ્રકાશની જરૂર પડે છે. એટલા માટે ઘરમાં ઘણા બધા બલ્બ વાપરવાની જરૂર રહે છે, અને તે પણ હાઈ વોટના લગાવવા પડે છે, જેથી વધુ પ્રકાશ મેળવી શકાય.

પરંતુ જેમ જેમ વોટની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ લાઈટનું બીલ પણ વધતું જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રહેતી એક વિદ્યાર્થીનીએ એવી શોધ કરી લીધી છે, જેનો લાભ આખું વિશ્વ ઉઠાવો શકે છે. ખાસ કરીને આ વિદ્યાર્થીનીએ દુનિયાનો સૌથી ચમકતો પદાર્થ બનાવીને રસાયણ શાસ્ત્રમાં ડંકો વગાડી દીધો છે. તો આવો વિસ્તારથી જાણીએ કે, વિદ્યાર્થીનીની નવી શોધથી આપણને શું લાભ થઇ શકે છે?

દુનિયાનો સૌથી ચમકદાર પદાર્થ બનાવનારી આ વિદ્યાર્થીનીનું નામ ઇફ્ફ્ત અમીન છે. ઇફ્ફ્ત અમીન ગોરખપુરના દીનદયાળ ઉપાધ્યાય વિદ્યાલયમાં કેમેસ્ટ્રી(રસાયણ શાસ્ત્ર) ની વિદ્યાર્થીની છે. તે છેલ્લા પાંચ વર્ષથી એક વિશેષ શોધ કરી રહી હતી. તે શોધ પાછળનો તેનો હેતુ એક એવો પદાર્થ બનાવવાનો હતો, જે વિશ્વનો સૌથી ચમકતો પદાર્થ હોય. હાલમાં જ તેણે પોતાની આ શોધમાં સફળતા મેળવીને એવો પદાર્થ બનાવી લીધો છે.

એટલું જ નહિ તેના દ્વારા બનાવવામાં આવેલ પદાર્થનું પરીક્ષણ આઈઆઈટી ચેન્નઈ અને જાપાનના ક્યુશું ઇન્સ્ટીટયુટમાં પણ કરવામાં આવ્યું, જ્યાં તે ચકાસણીના તમામ માપદંડો પર ખરું ઉતર્યું છે. અત્યાર સુધી આપણી પાસે ૮૦ ટકા ક્ષમતા વાળા ચમકતા પદાર્થ રહેલા હતા. આમ તો ઇફ્ફ્ત દ્વારા બનાવવામાં આવેલા પદાર્થની ચમકવાની ક્ષમતા ૯૧.૯ ટકા આંકવામાં આવી છે. એવી રીતે તે હાલમાં દુનિયામાં સૌથી વધુ ચમકવા વાળો પદાર્થ બની ગયો છે.

ઇફ્ફ્તે જણાવ્યું કે, તેના માટે આ કામ કરી બતાવવું સરળ પણ ન હતું. શરુઆતના બે વર્ષ તો તેને દુર્લભ તત્વોને એકઠા કરવા અને સંશ્લેષણ કરી પ્રયોગને સમજવામાં જ લાગ્યા. એ દુર્લભ તત્વોમાં લેથેનાઈડ સીરીયમ જેવા ઘણા મિશ્રણ રહેલા છે. તેના પ્રયોગથી ઇફ્ફ્તે કુલ ૪૮ કોમ્પ્લેક્ષ બનાવ્યા છે. તે બનાવ્યા પછી જ અલગ અલગ લ્યુમીનીસેંસ ચમકની ક્ષમતા માપવામાં આવી. ત્યારે જઈને તેને સફળતા હાથ લાગી. તેની આ સિદ્ધી માટે તેને ‘ગુરુ ગોરક્ષનાથ શોધ મેડલ’ થી પણ સમ્માનિત કરવામાં આવી છે. એટલું જ નહિ તેમને શોધના શોધપત્રને ઇન્ટરનેશનલ લેવલના જર્નલ્સમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

સામાન્ય લોકોને મળશે આ લાભ :

ઇફ્ફ્તની આ સફળ શોધને કારણે તેમના દ્વારા બનાવવામાં આવેલા ચમકતા પદાર્થનો ઉપયોગ એલઈડી બલ્બ બનાવવામાં કરી શકાય છે. આ બલ્બની ખાસિયત એ હશે કે, તે ૧ કે ૨ વોટ હોવા છતાં પણ ૨૦ વોટના બલ્બ જેટલો પ્રકાશ આપી શકશે. એટલે કે તેનાથી પ્રકાશ તો વધુ મળશે જ પરંતુ વીજળીનો વપરાશ ઘણો ઓછો થશે. તે ઉપરાંત આ ચમકતા પદાર્થને કારણે જ એમઆરઆઈમાં સારા પરિણામ જોવા મળી શકે છે. તે દવાઓ, બાયોલોજીકલ સીસ્ટમના ટેસ્ટ અને લેવલીંગમાં પણ કામ આવશે. સાથે જ રડાર ઉર્જા ખર્ચ પણ ઓછો થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.