દિવાળીની સફાઈ કરતા સમયે ત્રણ લાખના ઘરેણાંવાળું પર્સ કચરાની વેનમાં નાખ્યું અને પછી….

0
309

છોકરાના લગ્ન થવાના હતા અને મહિલાએ ભૂલથી 3 લાખના દાગીનાવાળું પર્સ કચરાની ગાડીમાં નાખી દીધું, પછી…. પિંપરી ચિંચવાડમાં 45 વર્ષીય મહિલાએ દિવાળી પહેલા ઘરની સફાઈ કરતા સમયે જૂની વસ્તુઓની સાથે કિંમતી વસ્તુઓથી ભરેલું એક પર્સ પણ કચરામાં નાખી દીધું. પછી તે બધો કચરો ઘરે કચરો લેવા આવતી ગાડીમાં ફેંકી લીધો. તે ગાડીવાળો બધો કચરો ડમ્પ સ્ટેશનમાં ઠાલવી આવ્યો, જ્યાં ઘણા ટન કચરો જમા થાય છે.

તે મહિલાનો દીકરો પ્રાઇવેટ નોકરી કરે છે અને ટૂંક સમયમાં તેના લગ્ન થવાના છે. તે મહિલાને પછીથી યાદ આવ્યું કે, જે પર્સ તેણે કચરામાં ફેંકી દીધું તે પર્સમાં લગભગ 3 લાખ રૂપિયાના ઘરેણાં મુકેલા હતા. મહિલાએ એવું વિચારીને ઘરેણાં તે પર્સમાં મુક્યા હતા કે, જયારે વહુ આવશે ત્યારે તેને તે ઘરેણાં સોંપી દેશે. તે પર્સનો બીજો કોઈ ઉપયોગ થઈ રહ્યો ન હતો તો તેણે તેને નકામું સમજીને કચરામાં ફેંકી દીધું. પછી જયારે મહિલાને પર્સમાં મુકેલા ઘરેણાં યાદ આવ્યા તો તેના હોશ ઉડી ગયા.

પછી તે મહિલાએ પોતાના દીકરાને આ વાત જણાવી. પછી આ વાતની જાણકારી નગર નિગમના એક અધિકારીને આપવામાં આવી. પછી જાણકારી મેળવવામાં આવી કે તે ગાડીએ કયા સમયે ડેપોમાં જઈને કચરો ખાલી કર્યો. તે સફાઈકર્મીનો નંબર માંગવામાં આવ્યો જે તે સમયે ડેપો પર ડ્યુટી પર હાજર હતો.

અધિકારી પાસેથી મળેલા નંબર પર ફોન કરી મહિલાએ તે સફાઈ કર્મચારીને પર્સ વિષે જણાવ્યું. તે સફાઈ કર્મચારી હેમંત લખને મહિલાને ડેપોમાં આવવા માટે કહ્યું જ્યાં કચરાના ઢગલા હતા. હેમંતે મહિલાને પૂછ્યું કે તે કયા વિસ્તારમાં રહે છે અને કયા સમયે ત્યાં ગાડી આવી હતી. મહિલા જયારે ડેપો પર પહોંચી તો ત્યાં કચરાના પહાડ જોઈને ઘરેણાંવાળું પર્સ મળવાની તેમની આશા ખતમ થઈ ગઈ હતી. અહીં પર્સ શોધવું દરિયામાં સોઈ શોધવા સમાન હતું. કારણ કે અહીં આખા શહેરનો કચરો ડમ્પ થાય છે.

પણ સફાઈ કર્મચારી હેમંતે અંદાજો લગાવ્યો કે કયા એરિયાનો કચરો ક્યાં હોઈ શકે છે. તેણે તે હિસાબે કચરામાંથી પર્સ શોધવાનું શરુ કર્યું. હેમંતે એરિયાને ધ્યાનમાં રાખીને જ્યાં પર્સ શોધવાનું શરુ કર્યું ત્યાં લગભગ 18 ટન કચરો હતો. પણ 33 વર્ષના હેમંતે ઘણી મહેનત પછી છેવટે પર્સ શોધી કાઢ્યું અને મહિલાને સોંપી દીધું. હકીકતમાં 2013 માં પણ હેમંતે આવી ઘટના જોઈ હતી. ત્યારે એક યુવતીએ નવ તોલા સોનાનું મંગળસૂત્ર ભૂલથી આ રીતે કચરામાં નાખી દીધું હતું. ત્યારે પણ હેમંતે તે શોધી કાઢ્યું હતું.

હાલના કેસમાં મહિલાએ પર્સ મેળવ્યા પછી હેમંતને ઇનામ આપવાની વાત કરી, તો હેમંતે ઇનામ લેવાની ના પાડી દીધી. 18,000 રૂપિયા મહિને પગાર મેળવતા હેમંતનું કહેવું છે કે, તેને પોતાના કામ માટે નિગમમાંથી પગાર મળે છે, અને તેણે પોતાનું કામ જ કર્યું છે. હેમંત એક ભજન મંડળી સાથે જોડાયેલો છે અને તે નવરાશના સમયમાં ભજન ગાવા લાગે છે. તે 5 ભાષાઓ – હિંદી, મરાઠી, સિંધી, ગુજરાતી, કોંકણીમાં ભજન ગાઈ શકે છે. શહેરની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ હેમંત લખનની ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠાની ચર્ચા થઈ રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.