મહિલાઓ શા માટે કરે છે સામા પાંચમનું વ્રત? આ આર્ટિકલમાં જાણો તેની કથા અને વિધિ

0
1591

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા હિંદુ ધર્મમાં વ્રતનું પણ ઘણું મહત્વ રહેલું છે. અને લોકો અલગ અલગ વ્રત કરે પણ છે. હિંદુ ધર્મમાં આવતા વ્રતની યાદી પણ ઘણી લાંબી છે. અને એમાંથી એક વ્રત છે સામા પાંચમનું વ્રત. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, મોટે ભાગે મહિલાઓ રજોદર્શન દરમિયાન જાણે-અજાણે થતા દોષોને નિવારવા માટે આ ખાસ વ્રત કરે છે. અને આ વ્રતને ઋષિપંચમી કે ઋષિ પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત સાથે એક ખુબ જ જૂની કથા જોડાયેલી છે. આવો તમને એના વિષે જાણકારી આપીએ.

પહેલાના સમયમાં વિદર્ભ દેશમાં ઉતંક નામના એક બ્રાહ્મણ હતા. તે ત્યાં પોતાની પત્ની સંધ્યા એક પુત્ર અને એક પુત્રી સાથે રહેતા હતા. એમનો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર થઈ ગયો હતો. એમની પુત્રી સતમા પરણવા લાયક થતા એમને એના લગ્ન કરાવી દીધા. અને પછી તે બ્રાહ્મણ પોતાની પત્ની સાથે ચિંતા મુક્ત જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક વર્ષ જ થયું હશે ને તેની પુત્રી સતમા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. સમાચાર મળ્યા કે દીકરીના પતિનું ટૂંકી માંદગી પછી મૃત્યુ થયું.

બધા વિધિઓ પુરી કરીને સતમા દુ:ખી હાલતમાં પાછી પિયરમાં આવી ગઈ. ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ એના માતા-પિતા પણ દુ:ખી થઈ ગયા. પછી તેમણે પોતાની પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું. આ દુઃખદ બનાવ પછી બ્રાહ્મણ અને તેની પત્નીનું મન પણ સંસારમાંથી ઊઠી ગયું. આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા.

પણ ધર્મના કાર્ય કરવા છતા પણ સતમાનો આખો દિવસ કોઈ રીતે પૂરો થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી. એવામાં એક દિવસ જયારે તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું, અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈને સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીની આ હાલત જોઈને માતા પણ ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી.

ત્યારબાદ બ્રાહ્મણે પોતાની પુત્રીને આશ્વાસન આપ્યું અને ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આમ કરવાથી તેને થોડી રાહત થઈ. ત્યારબાદ પત્નીના આગ્રહ કરવાને કારણે એ બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પોતાની પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. એમને જાણવા મળ્યું કે, આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી, અને તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી.

નિયમ મુજબ દરેક રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ કરવાથી તથા બીજાના સ્પર્શથી દૂર રહેવું જોઇએ. પરંતુ સતમાએ પૂર્વ જન્મમાં એ ધર્મ પાળ્યો ન હતો, એટલે આ ભવમાં તેને પાપ નડ્યું. આ ઉપરાંત તેણે ઋષિપંચમીની નિંદા પણ કરી હતી, અને સામા પાંચમનું વ્રત કરનારી છોકરીઓની મશ્કરી પણ કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી અને આખા શરીરમાં કીડા પડ્યા.

પતિની આ વાતો સાંભળીને પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે એને આશ્વાસન આપતા કહ્યું કે, સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળીને બધા ખુશ થઇ ગયા અને એ વ્રત કેવી રીતે થાય એના વિષે બ્રાહ્મણને પૂછ્યું. પછી બ્રાહ્મણે એની વિધિ જણાવી. સતમા પિતાના જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી, અને થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નિકળતું બંધ થઈ ગયું. અને તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ.

આવો તમને પણ જણાવી દઈએ કે આ વ્રતમાં શું કરવામાં આવે છે? તો ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા. આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું અને તેમની પૂજા કરવી.

આ વ્રત દરમિયાન દરેક મહિલાએ ઉપવાસ કરવો અને ફળાહાર કરવો કે દૂધનો માવો ખાવો. આ દિવસે સામો ખાવો, પણ ભૂલથી પણ અનાજ ખાવું નહીં. અને સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું. ઉજવણું કરો ત્યારે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.