પિસ્તા આટલા મોંઘા કેમ હોય છે, જાણો તેના આકાશને આંબતા ભાવ પાછળનું વૈજ્ઞાનિક કારણ.

0
999

ડ્રાયફ્રૂટ્સ એટલે કે સુકા મેવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું રોજ સેવન કરવાથી શરીરને ઘણી મોટી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે, પરંતુ તે એટલા મોંઘા હોય છે કે તેને ખરીદવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું. કેટલાક લોકો રમુજમાં મગફળીને ગરીબોની બદામ કહે છે. સુકામેવા મોંધા મળતા હોવાને કારણે લોકો આવું કહે છે. આજે આપણે એવા જ એક ડ્રાયફ્રુટ વિશે વાત કરીશું, જે હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ મોંઘા પણ હોય છે. પણ તે આટલા મોંઘા કેમ હોય છે? તેની પાછળનું કારણ શું છે? ચાલો વિસ્તારથી જાણીએ.

પિસ્તાની ખેતી સરળ નથી : વિજ્ઞાન અનુસાર પિસ્તાની કિંમત પાછળનું કારણ તેની ખેતી સાથે જોડાયેલું છે. હકીકતમાં પિસ્તાની ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે. ઉપરાંત તેની સંભાળ રાખવી પણ સરળ નથી. જ્યારે પિસ્તાનો છોડ વાવવામાં આવે છે, તો તેને ઝાડ બનતા અને તેના પર ફળ આવવામાં ઓછામાં ઓછા 15 થી 20 વર્ષનો સમય લાગે છે. આ કારણે જે માત્રામાં તેની માંગ હોય છે તે જથ્થાને પહોંચી વળાતું નથી, તેથી પિસ્તા ખૂબ મોંઘા હોય છે.

જો કે, પુરવઠાને પહોંચી વળવા માટે હવે કેલિફોર્નિયા અને બ્રાઝિલ સહિત વિશ્વના ઘણા દેશોમાં પિસ્તાની મોટા પાયે ખેતી કરવામાં આવી રહી છે.

15 વર્ષ પછી પણ પૂરતા પિસ્તા નથી મળતા : સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CSIR)ના નિષ્ણાંત આશિષ કુમારના જણાવ્યા અનુસાર પિસ્તાના ઝાડને તૈયાર કરવામાં 15 થી 20 વર્ષનો સમય લાગે છે, છતાં પણ ખેડૂતને પૂરતા પ્રમાણમાં પિસ્તા મળતા નથી. જો ગણતરી કરીએ તો એક ઝાડમાંથી માત્ર 22 કિલો પિસ્તા મળે છે. આ કારણે પિસ્તાનું ઉત્પાદન તેના પુરવઠા કરતા હંમેશા ઓછું રહે છે. જો આ કિસ્સામાં જોવામાં આવે તો બ્રાઝિલમાં એક એવો દેશ છે, જ્યાં એક ઝાડમાંથી લગભગ 90 કિલો પિસ્તા ઉત્પન્ન થાય છે.

પિસ્તાની કિંમતમાં વધારો થવાનું કારણ આ જ છે : રિપોર્ટ અનુસાર, 15 થી 20 વર્ષ દરમિયાન પિસ્તાના ઝાડની સંભાળ રાખવામાં ઘણી મહેનત અને પૈસા લાગે છે. અને હજુ પણ દાવા સાથે કહી શકાય નહીં કે ખર્ચના હિસાબે પિસ્તાનું ઉત્પાદન થશે. અને જ્યારે પિસ્તાની ઉપજ ઓછી હોય છે, ત્યારે તેની કિંમત વસૂલવા માટે તેને મોંઘા ભાવે વેચવામાં આવે છે. તેને ઉગાડવા માટે વધુ પાણી, વધુ જમીન, વધુ પૈસા અને વધુ શ્રમ લાગે છે.

દર વર્ષે પિસ્તા થતા નથી : દર વર્ષે પિસ્તા ન મળતા હોવાને કારણે ખેડૂતોએ વધુ જમીન લેવી પડે છે અને તેમાં બે પાક રોપવા પડે છે, જેમાં એક-એક વર્ષ છોડીને પિસ્તાનો પાક થાય છે. આ જ કારણ છે કે પર્યાપ્ત વૃક્ષો હોવાને કારણે પણ પિસ્તાની માંગ પ્રમાણે તેનો પુરવઠો મળતો નથી.

એક-બે કે દસ નહીં, વધુ મજૂર વપરાય છે : તમારા સુધી પિસ્તા પહોંચાડવા માટે ઘણા મજુરોની મહેનત અને સુઝબુઝની જરૂર પડે છે. હકીકતમાં, જ્યારે પિસ્તાનો પાક લેવામાં આવે છે, ત્યારે મજુરો તેને ઝાડ પરથી એક એક કરીને તોડે છે, પછી તેને સાફ કરે છે અને નિકાસ માટે તેમાંથી સારા પિસ્તાને અલગ કરે છે. આ કારણે તેની લણણી અને વર્ગીકરણ માટે વધુ મજૂરની જરૂર પડે છે, અને તેનો ખર્ચ પણ વધારે હોય છે.

તમને જણાવી દઈએ કે, આટલી મહેનતથી બનતા પિસ્તામાં પ્રોટીન, પોટેશિયમ, વિટામિન-બી6 અને કોપર જેવા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર પિસ્તા વજન, શુગર અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સાથે જ આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.