કારતકી પૂનમે શા માટે કેમ ઉજવવામાં આવે છે દેવ-દિવાળી? જાણો તેનું મહત્વ.

0
348

જાણો દેવ-દિવાળીનું પર્વ શા માટે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે? વાંચો તેની વ્રત કથા. દિવાળીના તહેવારના 15 દિવસ પછી કારતક પુનમના દિવસે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેવ દિવાળીનો આ તહેવાર દેશના ઘણા રાજ્યોમાં ઘણી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ તેનો સૌથી વધુ ઉત્સાહ બનારસમાં જોવા મળે છે. આ દિવસે માં ગંગાની પૂજા કરવાનો પણ રીવાજ છે. દિવાળીના દિવસે ગંગા કિનારાનું દ્રશ્ય જોવા લાયક હોય છે. દેવ દિવાળીના આ પર્વ ઉપર ગંગા નદીના કાંઠા ઉપર દીવા પ્રગટાવીને તેને પ્રકાશથી ભરી દેવામાં આવે છે.

દેવ દિવાળીના શુભ મુહુર્ત : કારતક માસની પુનમની તિથીની શરુઆત 29 નવેમ્બરના રોજ બપોરે 12 વાગીને 47 મિનીટે થઇ રહી છે, જે 30 નવેમ્બરના રોજ 2 વાગીને 59 મિનિટ સુધી રહેશે. ગુજરાતમાં દેવ દિવાળી સોમવારના રોજ ઉજવવામાં આવશે.

કેમ ઉજવવામાં આવે છે દેવ દિવાળીનો તહેવાર? માન્યતાઓ મુજબ કહેવામાં આવે છે કે, આ એ દિવસ છે જે દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તે વાતની ખુશીમાં દેવતાઓએ સ્વર્ગ લોકમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો હતો. ત્યાર પછી દર વર્ષે આ દિવસને દેવ દિવાળીના રૂપમાં ઉજવવાની પરંપરાની શરુઆત થઇ ગઈ. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

દેવ દિવાળી વિષે એક ઘણી પ્રચલિત માન્યતા એ પણ છે કે, તે દિવસે દેવો પૃથ્વી ઉપર આવે છે. આ મહિનામાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગીરા અને આદિત્ય વગેરેએ મહા પુનીત પર્વોને પ્રમાણિત કર્યા છે. જેના લીધે જ કારતક પુનમના આખા મહિનાને ઘણો પવિત્ર અને લાભદાયક માનવામાં આવે છે.

દેવ દિવાળીમાં આ વાતોનું રાખો વિશેષ ધ્યાન :

આ દિવસે ગંગા સ્નાનનું ઘણું મહત્વ ગણવામાં આવે છે.

આ દિવસે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો પણ શુભ હોય છે.

દેવ દિવાળીના દિવસે દીવાનું દાન ઘણું જ શુભ માનવામાં આવે છે.

જે લોકો આ દિવસે પૂર્વ દિશા તરફ મોઢું કરીને દીવાનું દાન કરે છે, તેમને હંમેશા ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ એ લોકોને ભગવાન લાંબા આયુષ્યનું વરદાન પણ આપે છે. તે ઉપરાંત તેમના ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

દેવ દિવાળીનું મહત્વ : દેવ દિવાળીનો દિવસ એ દિવસ છે જે દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુર રાક્ષસ વિષે કહેવામાં આવે છે કે, તેને ભગવાન બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત હતું કે તેને કોઈ પણ દેવતા, સ્ત્રી, પુરુષ, જીવ-જંતુ, પક્ષી કે કોઈ પણ નિશાચર નહી મારી શકે. એટલા માટે તેનો ત્રાસ હદ કરતા ઘણો વધી ગયો હતો.

પછી દેવતાઓને ત્રિપુરાસુરના ત્રાસથી બચાવવા માટે શિવજીએ અર્ધનારીશ્વરનું રૂપ લીધું અને તે રૂપમાં તેમણે ત્રિપુરાસુરનો વધ કર્યો. કહેવામાં આવે છે કે તે ખુશીમાં દેવતાઓએ કારતક પુનમના દિવસે શિવની નગરી કહેવાતી કાશીમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી હતી અને ત્યાં તેમણે દીવાનું દાન પણ કર્યું હતું. ત્યારથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવાની માન્યતાની શરુઆત થઇ.

દેવ દિવાળી – ધાર્મિક મહત્વ : આ દિવસ વિષે કહેવામાં આવે છે કે, કાશીમાં દેવ દિવાળી પર તમામ દેવી દેવતાઓનું આગમન થાય છે. તે ઉપરાંત તે દિવસે દીવાનું દાન કરવાથી આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. તે કારણ છે કે, કારતક પુનમના દિવસે પિતૃઓ માટે દાન પુણ્ય અને તર્પણ કરવાનું પણ વિધાન છે.

કારતક પુનમના દિવસે સ્નાન વગેરે કરી સાચા મનથી પૂજા અર્ચના કરવાથી ભગવાન વિષ્ણુ મનુષ્યને તેના તમામ પાપોમાંથી મુક્ત કરીને તેના જીવનની શુદ્ધિ કરી દે છે. દેવ દિવાળીના દિવસે ઘરે ઘી ના દીવા કે તલના તેલના દીવા પ્રગટાવવાની માન્યતા છે. માનવામાં આવે છે કે એવું કરવું ઘણું જ લાભદાયક રહે છે. પ્રદોષ કાળના સમયે પૂજાની થાળીમાં દીવો પ્રગટાવીને તે દિવસે દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

દેવ દિવાળીના દિવસે શિવલિંગની સામે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, કેમ કે એમ કરવાથી માણસને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને તેનું જીવન દુઃખ મુક્ત થઇ જાય છે. દેવ દિવાળીના દિવસે જે માણસ છ મુખી દીવો પ્રગટાવે છે તેને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. એમ કરવાવાળા માણસના સંતાન સંસ્કારી અને આજ્ઞાકારી હોય છે. અને જો કોઈના ઘર પર કોઈ ખરાબ દ્રષ્ટિ છે તો તે દિવસે તેને ત્રણ મુખી દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે.

દેવ દિવાળી વ્રત કથા : પૌરાણીક માન્યતાઓ મુજબ તારકાસુર નામના રાક્ષસને ૩ પુત્ર હતા. તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દ્યુન્માલી(ત્રિપુરા). જયારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કરી દીધો, તો તેનો બદલો લેવા માટે તેના ત્રણે પુત્રોએ દિવસ રાત તપ કરવાનું શરુ કરી દીધું. તે ત્રણેની તપસ્યાથી પ્રસન્ન થઈને જયારે બ્રહ્માજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું, તો તેમણે બ્રહ્માજી પાસે અમર થવાનું વરદાન માંગી લીધું. આમ તો બ્રહ્માજીને ખબર હતી કે, જો તેમણે રાક્ષસોને આ વરદાન આપ્યું તો મુશ્કેલી થઈ શકે છે. તેથી તેમણે તેને એ વરદાન આપવાની ના કહી દીધી.

બ્રહ્માજીએ ત્યારે તે ત્રણેને કહ્યું કે તમે તેના બદલે બીજું વરદાન માંગી લો. ત્યારે ત્રણે પુત્રોએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના નામનું એક નગર બનાવવામાં આવે, અને જે કોઈ પણ અમારો વધ કરવા માંગે તે માત્ર એક જ તીરથી અમારો નાશ કરી શજે, એવું વરદાન અમને આપો. બ્રહ્માજીએ તેમને તથાસ્તુ કહીને તેમનું મનપસંદ વરદાન આપી દીધું.

વરદાન મળ્યા પછી તારકાસુરના ત્રણે પુત્રોએ ત્રણે લોક ઉપર કબજો જમાવી લીધો. તેમનો અત્યાચાર વધવા લાગ્યો. છેવટે બધા દેવતા તેમના અત્યાચારથી દુઃખી થઇને ભગવાન શિવ પાસે ગયા અને તેમણે આ ત્રણેય રક્ષસોનો વધ કરવા માટે ભગવાન શિવ સમક્ષ પ્રાથના કરી.

ત્યારે ભગવાન ભોલેનાથે વિશ્વકર્માજી પાસે એક રથ બનાવરાવ્યો અને એ રથ ઉપર સવાર થઈને રાક્ષસોનો વધ કરવા માટે નીકળી પડ્યા. દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું અને જયારે યુદ્ધ દરમિયાન ત્રણેય રક્ષસ તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દયુન્માલી (ત્રિપુરા) એક લાઈનમાં આવ્યા ત્યારે ભગવાન શંકરે એક તીરથી ત્રણેનો વધ કરી દીધો. કહેવામાં આવે છે કે, ત્યાર પછી જ ભોલેનાથને ત્રિપુરારી કહેવામાં આવ્યા અને દેવતાઓએ વિજયની ખુશીમાં દેવ દિવાળીનું મહાપર્વ ઉજવવાનું શરુ કર્યું.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.