મહિલાએ પૂછ્યું ‘મારા ઘરની બહાર ઉતારાનું લીંબુ કોણે મુક્યું’ પછી પાડોશી સાથે જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહતું.

0
469

ઘણા લોકો લીંબુના ટોટકા કરતા હોય છે. અને એવા જ એક લીંબુને લીધે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ જે મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ કિસ્સો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારનો છે. અહીં એક ફ્લેટમાં કાળી ચૌદસની રાત્રે બે પાડોશીઓ વચ્ચે ઘરની બહાર ઉતારેલું લીંબુ મુકવા બાબતે બોલાચાલી થઈ હતી. અને વિવાદ એટલો બધો વધી ગયો કે તેમની વચ્ચે મારામારી થઈ ગઈ હતી.

આ વાત પોલીસ સુધી પહોંચી ગઈ અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. અને આ રીતે ઘરની બહાર કોણે લીંબુ મૂક્યું એ બાબતે શરૂ થયેલો ઝઘડો સીધો પોલીસ પાસે પહોંચીને અટક્યો.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદના નરોડામાં હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટના A બ્લોકમાં પૂજાબેન ચૌહાણ અને તેમનો પરિવાર રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ અને તેમનો પરિવાર રહે છે. હાલમાં જ કાળી ચૌદશના રોજ પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. તે લીબું જોયા પછી પૂજાબેન ચૌહાણ આસપાસના ઘરોમાં તેના વિષે પૂછવા ગયા હતા.

એવામાં તેમણે પોતાના પાડોશી પૂજાબેન પટેલને લીબું બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે – મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર થતા તેમની વચ્ચે મારામારી પણ થઈ હતી.

આ દરમિયાન બંને મહિલાના પતિ પણ આવી ગયા હતા. બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. તેમણે બંને પરિવારને છોડાવ્યા હતા. પોલીસને આ બનાવ વિષે જાણ થતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને તે બંને પરિવારને લઈને પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસે બંને પરિવારની ફરિયાદ લઈને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).