તમારામાંથી કેટલા જાણે છે આ છોડ અને તેના ઉપયોગ વિષે.

0
931

આજે અમે તમને એવા છોડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે શહેરના લોકો ઘણું ઓછું જાણતા હોય છે. તમે ફોટામાં જે છોડ જોઈ રહ્યા છો તેને ખાટી ભીંડી કહેવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે શહેરોમાં તે ભાગ્યે જ જોવા મળે છે. આવો તેના વિષે થોડું વિસ્તારથી જાણીએ.

જણાવી દઈએ કે, આ છોડ ઊષ્ણ કટિબંધમાં આવેલા લગભગ બધા દેશોમાં થાય છે. ભારતમાં તેની ઘણી બધી જાત નોંધાયેલી છે. જેમાંની મોટાભાગની જાતનો ઉપયોગ તેના છોડમાંથી શણ જેવા રેસા મેળવીને તેમાંથી દોરડા, જાડા કાપડ, કોથળા વગેરે બનાવવા માટે થાય છે. આ છોડ વધુ પ્રમાણમાં રેસા આપતી જાતોવાળા ફળ મેળવવા માટે ખાસ ઉપયોગી નથી થતો. પણ ખાટી ભીંડી તરીકે ઓળખાતા ફળ પર લાલ પાંખડી ધરાવતો આ છોડ ખોરાક અને વિવિધ બનાવટો માટે ઘણો ઉપયોગી છે.

વિશ્વના ઉષ્ણ કટિબંધવાળા દેશોમાં આ ખાટી ભીંડીના પાંદડા અને તેના ફળ (જીડવા/ડોડવા) પર આવરણ તરીકે રહેતી માવાદાર લાલ રગની પાંખડીનો ખોરાક અને દવા તરીકે મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. તે મૂત્ર વધારનાર અને રેચક ગણાય છે, અને તેની પાંખડીમા એંટી ઓક્સીડંટ કેમિકલ્સના સારા એવા પ્રમાણને કારણે તે કેન્સર, હદય રોગો અને ચેતાતંત્રના રોગોમાં ઉપયોગી ગણાય છે. પણ ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન તે લેવું હિતાવહ નથી. જણાવી દઈએ કે, આ અગેના સંશોધનોની કોઈ ખાસ માહિતિ ઉપલબ્ધ નથી, પણ ઉપરના રોગોમાં તેને ફાયદાકારક ગણવામાં આવે છે.

ખાટી ભીંડીનો સ્વાદ પોતાને મળેલા નામ અનુસાર ખટાશયુકત પણ મજેદાર હોય છે. અને તેની ખટાશનું મુખ્ય કારણ તેમા રહેલા ઓક્સાલિક, મલિક, સાઇટ્રિક, સ્ટીઅરિક, ટાર્ટિક અને હિબિસ્કિક એસિડ (હાઇડ્રોક્સિસિટ્રિક એસિડનો લેક્ટોન) હોય છે. તેના જીડવા/ડોડવા પર રહેલી લાલ માવાદાર પાંખડી ભેગી કરીને તેમાંથી જામ, જેલી અને સીરપ વગેરે બનાવી શકાય છે. તેમાંથી તૈયાર કરેલું શરબત ખૂબ જ લહેજતદાર અને ઠંડક તેમજ તાજગી આપનારું હોય છે. તેની પાંખડીઓને સૂકવીને તેનો સંગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ દાળ/શાક વગેરેમાં આમલી કે કોકમના વિકલ્પના રૂપમાં કરી શકાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, તેના પાન અને ફળની પાંખડીનો ઉપયોગ આફ્રિકાના દેશોમાં હર્બલ ટી બનાવવા માટે મોટા પાયે થાય છે, અને તેને તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી મનાય છે. આદિવાસી લોકો તેના છોડમાંથી રેસા કાઢીને મજબૂત દોરડા બનાવે છે જે તેમની રોજગારીનું સાધન છે.

તેમાંથી નીકળે તે બી શેકીને ધાણીની જેમ ખવાય છે. તેના દૂંડા પર લાલ પાન દેખાય છે તે ખાવ તો ખાટા મીઠાં લાગે છે. અને તેનાં દૂંડા પરથી પાન કાઢી નાખી કોઈને શરીર પર ઘસો તો ખંજવાળ આવે છે. જેમ તરબૂચના બીજ મીઠામાં પલાળીને શકીએ તેમ આના બીજ પણ શેકી શકાય છે. ખાટી ભીંડી પાચન શક્તિ માટે સારાં ગુણકારી છે. તેની ચટણી પણ સરસ લાગે છે. ઉતર ગુજરાતમાં ડુંગરાળ વિસ્તારમાં આજે પણ તેની ખેતી કરવામાં આવે છે.