ખાવામાં કયું તેલ વાપરવું સારું? આ ટોપિક પર વિગતવાર માહિતી જાણવા ક્લિક કરો

0
3524

ફેસબુકના એક હેલ્થ ગ્રુપમાં એક મહિલાનો પ્રશ્ન હતો કે, “સ્વસ્થ્ય રહેવા માટે સફોલા તેલ સારુ એવું જાહેરાતોમાં રોજ કહેવામાં આવતું હોય છે. એ સિવાય રાઇસ બ્રાન, રાઇનું તેલ, સોયા તેલ, તલનું તેલ, અળસીનું તેલ વગેરેના ગુણો પણ સાંભળવા મળે છે. આ ગ્રૂપના તબીબો એ વિશે કોઇ માર્ગદર્શન આપશે કે, ખરેખર જુદા જુદા તેલ વાપરવા જોઇએ કે ફક્ત ઓછામાં ઓછું તેલ વપરાય એ સ્વસ્થ રહેવા માટે જરુરી છે?

આ પ્રશ્નના ઉત્તરમાં ઘણા બધા લોકોએ ઉત્તર આપ્યા હતા અને પોતપોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ એમાં કેટલાક નિષ્ણાંતો અને ડોક્ટરોએ પણ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો. આવો તમને એના વિષે જણાવીએ.

અના ગાલા(Anna Gala) નામની એક મહિલાએ કહ્યું હતું કે, “અમારે નેચરોપથીમાં ભણવામાં આવતું કે, (૧) જે તેલીબીયાને આપણે ડાયરેક્ટ ખાઇ શકતા હોઇએ અને ઘાણીમાં પીલીને એમાંથી તેલ નીકળે એવા તેલીબીયાનુ તેલ ખાવામાં વાપરવું. (૨) તમે જે જગ્યાએ રહેતા હોવ, એ જમીનમાં ઊગતા પાક તમારા શરીરને અનુરુપ હોય છે. એટલે એ જમીનમાં ઊગેલા તેલીબીયા આપણા માટે અનુરુપ ગણાય છે. (ઓલીવ કે નારિયેળ કે રાઇનું તેલ ગુજરાતમાં રહેનાર માટે નકામા છે.)”

તેઓ આગળ જણાવે છે કે, હવે વિચારવાનું રહ્યું કે તમે કયા તેલીબીયા ડાયરેક્ટ ખાઇ શકો છો? તમારા પ્રદેશમાં કયો પાક ઊગે છે? મારા ખ્યાલથી સફોલા કે ચોખાની ખુસ્કી કે સુરજમુખીના બીયા આપણે તો સીધા નથી ખાતા. અને હું તો મારા દાદી-પરદાદી જે તેલ વાપરતા એને જ વળગી રહી છું. ઘાણીમાં પીલેલુ ફીલ્ડર્ડ(ગાળેલું) સીંગતેલ. રીફાઇન્ડ નહી.

એ લોકોની એક વાતને વળગી નથી રહી એ મારે કબુલાવું રહ્યું. એ લોકો તળેલું નહીવત્ કે વઘાર ઓછા કરતા. એના બદલે સીધું કાચું તેલ કે ઘી વાપરતા. જેમકે રોટલી, દાળભાત, કોઇ પણ કઠોળ, શાક, ખીચડી, ખીચુ, મુઠીયા, લાપશી, દાળઢોકળી, ઊંધિયુ. હાલ તો આટલી યાદ આવે છે. ઘણી વાનગીઓમાં ઊપરથી તેલ કે ઘી લેતા.

કાંતિલાલ ભૂત નામના એક વ્યક્તિનું કહેવું છે કે, સીંગતેલમા સરકારે પામ તેલ ભેળવવાની છુટ આપી છે. પણ માપ જળવાતુ નથી. બજારૂ બધા તેલ ભેળસેળ વાળા હોય છે. સૌરાષ્ટ માટે સીંગતેલ, તલનું તેલ ઘાણીમાં કાઢેલ હોય તે સારૂ રહે.

તો યોગેશ યુવરાજ વ્યાસનું કહેવું છે કે, તેલ બધા દેશ/રાજ્યોમાં અલગ અલગ આબોહવા મુજબ લેવાથી શરીરને અનુકુળ આવે તે વાત ખરી. ઓલીવ ઓઇલનું બહુ ચાલ્યું છે. પણ તલનું તેલ શ્રેષ્ઠ ગણાય છે. તે યોગવાહી છે. શીંગતેલ અને ઓલીવ ઓઇલની ગુણવત્તામાં શીંગતેલ બહેતર છે. મારા માટે તેલ કરતા દેશી ઘી બેસ્ટ છે.

રીફાઇન્ડ થાય એટલે તેલ તેલ જ બની જાય છે, Car Oil અને કુકીંગ ઓઇલ વચ્ચે ફરક નથી રહેતો. તમાકુ, સીગરેટ, દારુ, ડ્રગ અને જંક ફુડ છોડો. અને ખાઓ દેશી ઘી. લાલી આવી જશે ચહેરા પર. થાક અને એનીમીયા ભાગશે. હું રીફાઇન્ડ ઓઇલ નથી વાપરતો.

જયેશ રાદડિયા જણાવે છે કે, હું તેલ વિશે આમ તો ઘણી વાર લખી ચુક્યો છું. પણ તેલ ખાવુ જ હોય તો કાચી ઘાણીનું મગફળીનું, તલનું અથવા તો સરસવનું જ ખાવુ જોઇએ. કાચી ઘાણી ના મળે તો ડબલ ફીલ્ટર્ડ આ બધા તેલ ખાવા જોઇએ. રાઇસ બ્રાન, કોર્ન ઓઇલ, સફોલા, કપાસીયા, સોયા જેવા બીજા બધા જ તેલ રીફાઇન્ડ તેલ હોય છે. રીફાઇન્ડ તેલ એટલે તેલના કદડાને ૧૧૦૦ ડીગ્રીએ ગરમ કરી એસીડ નાખી તેમાંથી સોપ ફેટ અલગ તારવે છે, અને પછી તેને કલરલેસ અને સુગંધ રહિત કરવા માટે બ્લીચ કરે છે.

ખાસ વાત એ કે તેલને વઘાર કરતી વખતે ખુબ ઓછી માત્રામાં વાપરવું જોઇએ. જમવા બેસતી વખતે એકથી દોઢ ચમચી કાચુ તેલ શાક કે દાળમાં ઉમેરવું જેથી તેલમાં રહેલા બધા માઇક્રોન્યુટ્રીયેન્ટનો લાભ લઇ શકાય. શાણા લોકો આટલામાં સમજી જશે. એમણે આગળ જાણકારી આપતા કહ્યું કે, આ બધા તેલને જો બ્લેન્ડીંગ કરીને ખવાય તો વધુ સારુ.

અને ખાસ વાત એ કે તેલનો દુશ્મન ઓક્સિજન અને ભેજ છે, માટે તેલને ક્યારેય ભેજ લાગે તેવી જગ્યાએ ના રાખવુ. બને તો નાની બોટલોમાં પેક કરી લેવુ ફુલ ભરીને જેથી ઓક્સિજન રહી ના જાય. ખોરુ થઇ ગયેલ તેલ ક્યારેય ના ખાવુ, તે લીવરને ગંભીર નુકશાન પહોંચાડશે અને સ્કીન ડીસીઝની ભેટ મળશે.

જયેશ રાદડિયા આગળ જણાવે છે કે, કાચી ઘાણી સીંગતેલ કે તલનું તેલ ડબ્બો ખોલ્યા પછી અમુક સમય જતા ખોરુ થઇ જતુ હોય છે, અને આ ખોરુ તેલ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. તેલને ખોરુ થતુ અટકાવવાનો ખુબ સરસ ગુણ આ તેલમાં રહેલો છે. એક કપ તેલ લઇને તેમાં બે ત્રણ બાદીયાનને ઉકાળીને તમારા રોજ બરોજના ઉપયોગમાં લેવાતા તેલના ડબ્બામાં ઉમેરી દો. સરસ માઇલ્ડ સુંગધ તો આવશે જ સાથે સાથે આ બાદીયાન ઓઇલ એક પ્રીઝર્વેટીવ તરીકે કામ કરશે.

અશોક પટેલ નામના વ્યક્તિ એ મહિલા જેમણે તેલને લઈને પ્રશ્ન પૂછ્યો હતો એમને જણાવે છે કે, સફોલા તે બ્રાન્ડ નામ છે. પહેલા કરડીનું રીફાઇન્ડ તેલ સફોલા બ્રાન્ડનું આવતું. હું તબીબ નથી પણ તેલનો વિષય તે મારી ગળથુથીમાં છે. અહીં વિવિદ્ધ ટૂંકી માહિતી આપી છે.

અશોક પટેલ જણાવે છે કે, દરેક ખાદ્ય તેલમાં સેચુયુરેટેડ અને અનસેચ્યુરેટેડનું પ્રમાણ અલગ અલગ હોય. શરીર સ્વાસ્થ્ય માટે વિવિધ ઈસેન્સિયલ ફેટી એસિડની જરૂર હોય છે. એવું કહેવામાં આવે છે કે, ઓમેગા 3 અને ઓમેગા 6 નું પ્રમાણ ખાદ્ય તેલમાં 1:3 થી લઇને 1:6 સુધીનું હોવું જોઈએ.

ઓમેગા 3 વાળા તેલમાં મુખ્ય લિનસીડ કે ફ્લેક્સ ઓઇલમાં 57% ઓમેગા 3 છે. બીજા ઓમેગા 3 વાળા તેલમાં કૅનોલા (રેપસીડ ઓઇલ) જેમાં 11 % ઓમેગા 3 છે, અને સોયાબીન રિફાઇન્ડ તેલ જેમાં ઓમોગા 3 ની માત્રા 8% છે. બાકીના દરેક તેલમાં ઓમેગા 3 નહિવત કે નથી. સીંગતેલની સાથે રેપસીડ કે સોયાબીન તેલ બ્લેન્ડ કરી શકાય ઓમેગા 3 માટે.

સૌથી વધુ ઓમેગા 3 લિનસીડ કે ફ્લેક્સસીડી તેલમાં છે છતા, રસોઈમાં ફ્લેક્સસિડ કે લિનસીડ તેલના વપરાય. તે ફક્ત બીયા કે તેના પાવડર તરીકે વાપરવું. કારણકે તેનું તેલ ઝડપથી ખોરું થાય છે. (જુના જમાનાનું બેલ તેલ એટલે આ લિનસીડ ઓઇલ). કોઈ પણ વનસ્પતિ જન્ય ખાદ્ય તેલમાં 0% કોલેસ્ટેરોલ હોય છે. શરીરમાં ગયા પછી અમુક તેલ વધુ કોલેસ્ટેરોલ બનાવે છે. અમુક પ્રકારના કોલેસ્ટેરોલ પણ શરીરની પ્રક્રિયાઓમાં કામનું કેમિકેલ છે.

ગુજરાતમાં સીંગતેલ સાથે રેપસીડ કે સોયાબીનનું તેલ બ્લેન્ડ કરીને વાપરી શકાય. ટૂંકમાં વિવિદ્ધ પ્રકારના એસેન્સિયલ ફેટી એસિડ મળી શકે જે શરીર માટે સારા. તેલને તળવામાં જે વાનગીના કટકા(કણ) તેલ સાથે ભળતા હોય તે તેલને ખરાબ કરતા હોય છે. એટલે તેલમાં ફ્રી રેડીકાલ પેદા થાય છે, અને આવું તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવું તેલ પહેલાના વખતમાં રોટલી/ભાખરીમાં મોણ તરીખે વપરાતું જે નુકસાનકારક છે.

ડોક્ટર ભાવેશ મોઢ આ ટોપિક પર પોતાનું મંતવ્ય આપતા જણાવે છે કે, સફોલા કુકીંગ ઓઇલ અમેરીકન્સ દ્વારા સૌપ્રથમ માર્કેટમાં લવાયું હતું. હાર્ટની હેલ્થ સચાવણીના દાવા અથવા લોભામણી જાહેરાત હેઠળ 70 ના દશકના “કુમાર” સામાયિકના કોઇ એક અંકમાં, વૈજ્ઞાનિક આધાર પુરાવા સહીત સુરતના શ્રી બાપાલાલ ગ. વૈદ્યએ આ વિષયક એક લેખ લખેલ છે.

“કસુંબી” હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ… વાળું કસુંબી જેને સુરતથી મુંબઈ મહારાષ્ટ્રના ભૂ ભાગમાં “કરડી” નામથી ઓળખવામાં આવે છે. આજકાલ એના પુષ્પ અમેરીકન કેસરથી પ્રચારમાં છે. જેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius આયુર્વેદના ગ્રંથોમાં એને સંસ્કૃતમાં कुसुम्भः નામ આપેલ છે.

આ વનસ્પતિ છોડના બીજની મુખ્ય બે પ્રજાતી વિકસાવવામાં આવે છે. એકમાં mono-un-saturated fatty acid (oleic acid) તથા બીજી પ્રજાતિમાં poly-un-saturated fatty acid (linoleic acid) અન્ય તૈલબીયા બીજોની સાપેક્ષે ઊચાં પ્રમાણમાં હોય છે. અને વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે, આવા દ્રવ્યો વાળું તેલ ખાદ્યમાં કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝ / હૃદયરોગના પ્રિવેન્શન માટે વાપરવું જોઇએ.

કસુંબીનું અંગ્રેજી ભાષામાં નામ Safflower છે, આથી એના બીજમાંથી નીકળેલ તેલને Saffola Oil કહેવામાં આવે છે. આયુર્વેદમાં કસુંબીના તેલને ખાવામાં અધમ કહ્યું છે, એમાં લખવામાં આવ્યું છે, “कटुः विपाके कटुकः कफघ्नो विदाहिभावादहितः कुसुम्भः।” इति सुश्रुते सूत्रस्थाने ४६ अध्याये। વર્તમાનમાં વિદેશી વિજ્ઞાનીએ સાબિત કર્યુ કે, કોલેસ્ટેરોલ હૃદયને કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝથી રક્ષવા જરૂરી છે. આ પરથી કસુંબી બાબતે કફઘ્ન શબ્દ પર ચિંતન કરવું. હવે સુરજમુખીના બીજનું તેલ સફોલા ઓઇલમાં આવે છે.

આયુર્વેદના મૂળગ્રંથોમાં રસોઇ માટે પણ અલગ અધ્યાયોમાં સુંદર અને ઊંડાણ પૂર્વકની ચર્ચા કરેલ છે. વિવિધ વાનગીઓની રેસેપી પણ બતાવેલ છે, તળવા કે વઘાર કરવાની બાબતે. તેલને બદલે ઘી એ પણ વલોણાંનું ઘી એટલે કે દહીં જમાવી માખણ કાઢીને તાવેલ ઘી રોજીંદી રસોઇ બનાવવા વપરાતું હતું. તેલનો બાહ્ય ઉપયોગ જ કરાતો અથવા ઔષધીય ઉપયોગ છે. આભ્યંતર રોજીંદા ખાદ્યમાં स्नेह/ ફેટ તરીકે ઘી ને જ વખાણેલ છે.

માર્કેટમાં મળતું ઘી દૂધને સેપરેટ કરી મળતાં ફુલ ક્રિમ માંથી બનાવાય છે. આથી ડેરી કે કંપનીનું ઘી LDL કોલેસ્ટેરોલ વધારે છે. જયારે વલોણાંનું ઘી HDL કોલેસ્ટેરોલ વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન આધારીત આ માહીતી છે.

વૈદ્ય જીતુભાઇ પટેલ આ વિષય પર જણાવે છે કે, આયુર્વેદના મતે તલનું તેલ સૌથી ઉત્તમ. પછી આવે પીળા સરસવનું પણ તે સ્વાભાવે અત્યંત ઉષ્ણ હોય છે. પછી આવે રાયડો, એનું તેલ તે પણ ઉષ્ણ. પછી સીંગતેલ જે પીત્ત ને વાત દોષ ઉશ્કેરે, પણ સારું.

જીતુભાઇ આગળ જણાવે છે કે, પ્રદેશ વાર તેલમાં થોડોક ફેરફાર થાય. પંજાબ-ઉત્તરપ્રદેશ ઠંડા ઇલાકા જેવું વધારે રહે તો ત્યાં સરસવ સારું. દક્ષિણ ઉષ્ણ ને વળી નારિયેળ પુષ્કળ તો ઠંડુ એવું કોપરેલ બેસ્ટ. પણ આપણી પાસે ઘણા ઓપશન છે. બીજું મગફળીનું જે કાચી ઘાણીને કોલ્ડ પ્રોસેસની વાત જોર જોરથી ચાલે છે. તેમાં જે મોટો ભયસ્થાન છે તે છૂટી જાય છે. આ મોટું ભયસ્થાન તે અફલાટોક્સિન ફૂગ છે. તેનો મોટો ભય છે. પણ આપણે તેના વિશે કંઈજ જાણતાં ના હોવાથી તે તરફ ધ્યાન નથી. ખરેખર કાચું તેલ ખાવા વાળો વર્ગ આ બાબતે જરૂર વિચારે.