જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે કરી શકશો રિપ્રિન્ટ

0
897

મિત્રો, ભારતના નાગરિકો માટે આધારકાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયો છે. આજે આધારકાર્ડનો મોટાભાગે દરેક કામમાં ઉપયોગ થાય છે. તે ભારતીય નાગરિકનું ઓળખ પત્ર છે, અને એને બનાવવામાં વ્યક્તિના બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલના ભાગદોડ વાળા જીવનમાં ઘણી વાર એવું થાય છે કે, વ્યક્તિ પોતાની વસ્તુ ક્યાંક ભૂલી જાય છે, અથવા તો ખોવાઈ જાય છે. એવામાં જો કોઈનો આધારકાર્ડ ખોવાઈ જાય, તો એમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

થોડા સમય પહેલા જો કોઈનું આધાર કાર્ડ ખોવાઈ જતું તો ઈ-આધાર ડાઉનલોડ કરવા માટે આધારકાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડતી હતી. એના વગર આ કામ કરવું અશક્ય હતું. અને જો કોઈના આધારકાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો એ વ્યક્તિ હેરાન પરેશાન થઇ જતા હતા. પણ હવે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આધારકાર્ડ પુરા પાડતી સંસ્થા યુઆઈડીએઆઈ (UIDAI) એ નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે જેના વડે તમે તમારો આધારકાર્ડ રિપ્રિન્ટ કરાવી શકો છો. આવો તમને એના વિષે જણાવીએ.

તમને ઈ-આધાર ડાઉનલોડ કરવાની જૂની પ્રોસેસ જણાવી દઈએ. એના માટે તમારા આધારકાર્ડ સાથે રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરની મદદથી તમે આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. એના માટે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ડાઉનલોડ આધાર ઓપશનમાં જઈને જરૂરી વિગત ભરવાની રહે છે. ત્યારબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર OTP આવે છે. એ OTP નાખ્યા પછી તમે ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. આ પ્રોસેસ હજી પણ શરુ જ છે.

એ સિવાય તમે રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી mAadhaar મોબાઈલ એપ પર પણ આધારકાર્ડને સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. mAadhaar એપ પર આધારકાર્ડ મેળવવા માટે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે, અને સાથે જ ઈ-મેઈલ આઈડી પણ રજિસ્ટર હોવી જરૂરી છે.

આવો હવે તમને મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો શુ કરવું? એના વિષે જણાવીએ. સૌથી પહેલા એ જણાવી દઈએ કે, આ પ્રોસેસથી તમારો આધારકાર્ડ રિપ્રિન્ટ થઈને એટલે કે, ફરીથી છપાઈને તમારા આધારકાર્ડમાં રહેલા સરનામાં પર આવે છે. એમાં મોબાઈલ કે કમ્પ્યુટર પર એની ઈ-પ્રિન્ટ ડાઉનલોડ થતી નથી.

આ પ્રોસેસમાં જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે રજિસ્ટર નથી તો, તમે તમારા અન્ય નંબર વડે પણ આધારકાર્ડ મેળવી શકો છો. જણાવી દઈએ કે, UIDAI તરફથી આધારને ઓનલાઈન રિકવર કરવા માટે આ સુવિધા અપાઈ છે. અને આધારકાર્ડને ઓનલાઈન રિકવર કરતા સમયે ગ્રાહકોએ પોતાનો કરન્ટ મોબાઈલ નંબર આપવાનો રહેશે, કારણ કે તેમાં વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે.

એના માટે તમે સૌથાી પહેલાં આધારકાર્ડની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાવ. ત્યારબાદ ત્યાં રહેલા આધાર રિપ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં આધાર નંબર અને અન્ય માંગેલી માહિતી ભરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો, તમારો હાલનો મોબાઈલ નંબર નાખીને એનું વેરિફિકેશન કરો.

ત્યારબાદ તમારે આધારકાર્ડની નવી કોપી માટે ઓનલાઈન પેમેન્ટ ભરવું પડશે. પેમેન્ટ ભરતાં જ એક સિરિયલ નંબર તમને મળશે. ત્યારબાદ તમારી અરજી સબમિટ થઈ જશે અને તમારું આધાર કાર્ડ તમારા પર્મનન્ટ એડ્રેસ એટલે કે જે એડ્રેસ આધારકાર્ડમાં હોય એના પર ટપાલ મારફતે પહોંચી જશે. જણાવી દઈએ કે આ કામ માટે 50 રૂપિયા ચાર્જ લાગશે.