આ અઠવાડિયે મકરસંક્રાંતિ છે, આ રાશિઓ પર પડશે તેની શુભ અસર, જાણો તમારી રાશિનું ભવિષ્યફળ

0
646

કુંભ :

પ્રોફેશનલ મોરચે વાત કરીએ તો સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતો તેમનું કૌશલ્ય બતાવી શકશે. આપના માર્ગમાં આવતા બધા જ અવસરોને આપ ઝડપી લેશો અને તે તક જરૂર આવશે, તેથી આપ યોજનાઓ બનાવી અને તેનો અમલ કરવા ખૂબ જ સક્રિય રહેશો. આપ આપના કાર્યો સંપન્ન થતા આનંદ પણ અનુભવશો. ભાગીદારીના કાર્યોમાં આગળ વધવા માટે પૂર્વાર્ધનો તબક્કો બહેતર છે.

આ સમયમાં તમે ઉત્સાહ સાથે આગળ વધો અને ખાસ કરીને રીઅલ એસ્ટેટ, બાંધકામ, મશીનરી, વાહન વગેરેના કાર્યોમાં સારી રીતે આગળ વધી શકશો. હંમેશની જેમ તે કાર્યોને સંપૂર્ણપણે અને ક્ષતિરહિત સ્‍વરૂપમાં પાર પાડશો. જોકે, ઉત્તરાર્ધમાં તમે કામકાજમાં થોડું ઓછુ ધ્યાન આપી શકો તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં કંઇપણ નવું કરવાના બદલે તમારી વર્તમાન સ્થિતિને જાળવી રાખવામાં વધુ મજા છે.

સાંસારિક અને ભૌતિક સફળતા મળતા આપના પ્રિયજનો તરફનો આપનો દૃષ્ટિકોણ બદલાય છે. પૂર્વાર્ધમાં પ્રિયજનના સાથે બહેતર સમય વિતાવાની તકો મળે. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં વિશેષ કાળજી સાથે આગળ વધવાની સલાહ છે. સ્વાસ્થ્ય મામલે છેલ્લા દિવસને બાદ કરતા મોટાભાગે ચડાવઉતારની સ્થિતિ રહેવાથી ધ્યાન આપવું જરૂરી છે.

ધનુ : સપ્તાહના પહેલા દિવસે તમારું મન થોડુ વ્યાકુળ રહેવાની શક્યતા છે. કામકાજમાં અપેક્ષા કરતા ઓછું ધ્યાન આપી શકો અને કામનું ફળ પણ ઓછું મળતું હોવાનો મનમાં અહેસાસ થાય. આવી સ્થિતિ શાંતિથી પસાર કરવાની સલાહ છે. પહેલા દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તે પછીના ચરણમાં આપ વ્યક્તિગત અને વ્યવસાયિક, બંને મોરચે શાંતિનો અહેસાસ થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય.

મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થશે. ખોરંભે પડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. તમારી આવકમાં વધારો થતા જીવનશૈલી ઉન્નત થશે અને મોજશોખ પૂરા કરવાની પણ આપને ઇચ્છા થશે તેથી થોડો ખર્ચ મોજમજા મનોરંજન પાછળ પણ કરશો. સપ્તાહના તમે પ્રોફેશનલ મોરચે ધ્યાન આપવાની સાથે સાથે પ્રિયપાત્ર અથવા જીવનસાથીને અનુરૂપ થવા પ્રયત્નો કરશો.

પરિવારમાં સંતાનો સારા અને લાભદાયક સમાચાર આપશે. જીવનસાથીની શોધમાં હશો તો યોગ્ય પાત્ર પસંદ કરવા માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલા દિવસને બાદ કરતા એકંદરે સારો સમય છે.

તુલા : આ સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ પ્રગતિની સાથે સાથે નાણાંકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. હિતશત્રુઓ અને ઉચ્‍ચ અધિકારીઓથી સાવચેત રહેવાની સલાહ છે. બિઝનેસમાં લાંબાગાળનું પ્રોજેક્ટનું આયોજન કરી શકો.

સપ્તાહના મધ્યમાં કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ છે. તમને કોઇને કોઇ પ્રકારે લાભ મળતો રહેવાથી મનની પ્રફુલ્લિતા સારી રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તન અને મનથી થાક મહેસૂસ કરો પરંતુ છેલ્લા દિવસે તમે ફરી ઉત્સાહ અને નવા જોમ સાથે આગળ વધશો. તા. 16 અને 17 સંબંધો મામલે સાચવી લેવા જેવી છે. આ બંને દિવસમાં તમે પ્રોફેશનલ મોરચે પણ અપેક્ષા કરતા ઓછુ ધ્યાન આપશો અને તેની સીધી અસર તમારી આવક પર પડશે.

સામા પક્ષે ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. વિદ્યાર્થી જાતકોને પૂર્વાર્ધનો તબક્કો સારો છે પરંતુ ઉત્તરાર્ધમાં અભ્યાસમાં મન ઓછુ લાગવાની ફરિયાદ રહે. ખાવા-પીવામાં બેદરકાર થશો તો આપના આરોગ્‍યમાં ગરબડ ઊભી થાય. દરેક ક્ષેત્રે સમાધાનકારી વલણ અપનાવવું.

સિંહ : આ સપ્તાહમાં શરૂઆતમાં આકસ્મિક ધન ખર્ચ થવાની શક્યતા છે. ખાસ કરીને સંતાનો પાછળ ખર્ચ થઈ શકે છે. ઉત્તરાર્ધમાં આપના પરિવારમાં આનંદપૂર્ણ વાતવારણ પ્રવર્તતું હોવાથી આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. નોકરિયાતોએ પોતાની હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર મેળવવા માટે પ્રયાસો વધારવા પડશે. આયાત-નિકાસ ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ થઈ શકે છે.

વેપાર-ધંધા અને નોકરીમાં સહકર્મીઓ કે આપની સાથે કામ કરતા કોઈપણ લોકોનો સહકાર મળશે. હરીફો આપની સામે ફાવી શકશે નહીં. ધીમે ધીમે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે પરંતુ શરૂઆતમાં મનની બેચેની તમને પરેશાન રાખશે. અત્યારે અભ્યાસ અંગે કોઈની સાથે ચર્ચામાં હઠાગ્રહ છોડી દેવાની સલાહ છે તેમજ અભ્યાસમાં વધારે એકાગ્રતા થી આગળ વધવું જોઇએ.

સપ્તાહના ઉત્તરાર્ધમાં આપની મીઠી વાણીનો પ્રભાવ પ્રિયપાત્ર કે સ્નેહી ને પ્રભાવિત કરવા માટે પૂરતો છે. પ્રેમસંબંધોમાં કંઈક નવું કરવાની ભાવના જાગશે પરંતુ કોઇપણ નિર્ણય ભ્રમણામાં રહીને લેશો તો પસ્તાવું પડશે. આરોગ્યમાં તબક્કાવાર સુધારો થશે. પહેલા દિવસને બાદ કરતા આપનું સ્‍વાસ્‍થ્‍ય એકંદરે સારૂં રહેશે.

મિથુન : આ સપ્તાહમાં કાર્યસ્થળે કોઇપણ સાથે બિનજરૂરી બોલાચાલી ના થાય તેની તકેદારી રાખવી. તમે ઉત્સાહ સાથે કામ કરશો અને તમારામાં આગળ વધવા માટે અલગ પ્રકારનો જુસ્સો જોવા મળે પરંતુ તેનો અર્થ એવો નથી કે બીજાને તમારા ગુસ્સા કે આવેશનો ભોગ બનાવો. કામકાજમાં શત્રુઓનો પરાજય થાય અને આપની આભાથી દરેક વ્યક્તિનું આપના પ્રત્યેનું વર્તન સૌમ્ય બનશે.

આર્થિક બાબતોમાં ઉન્નતિ માટે શરૂઆત સારી રહેવાથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. પરિવારની ખુશી માટે અથવા પરિવારને સુખદાયક જીવન આપવા માટે તમે કોઇપણ પ્રકારે ખર્ચ કરો તેવી સંભાવના છે. વિદ્યાર્થી જાતકો મોટાભાગના સમયમાં અભ્યાસમાં ધ્યાન આપી શકશે. તેમાં પણ છેલ્લા ચરણમાં અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકો. સપ્તાહની શરૂઆતમાં આપના પરિવાર તરફથી વધુ મજબુતી મળે અને સંતોષ પ્રાપ્ત થાય અને આપ વધુ લાગણીશીલ બનશો.

પરિવાજનોને અને ખાસ કરીને જીવનસાથીને વધુ સહકાર કરવા તત્પર બનો. આપના પ્રણય જીવનને લગતી દરેક બાબતોનુ સંચાલન કરવા માટે ચાર્તુય,કુનેહ અને ધીરજ મદદરૂપ થશે. તેનાથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવામા મદદ મળી રહે. સ્વાસ્થ્ય સુખાકારી આ સપ્તાહમાં જળવાઇ રહેશે. તમે માનસિક પ્રફુલ્લિતા માટે ક્યાંક ટૂંકો પ્રવાસ કરો તેવી સંભાવના પણ બનશે.

મેષ : આ સપ્તાહે પ્રોફેશનલ ક્ષેત્રે આપને સારુ ફળ મળે. દેશાવર કાર્યોમાં થોડો વિલંબ અને અનિશ્ચિતતા રહે પરંતુ સ્થાનિક કાર્યોમાં વાંધો નથી. પ્રોફેશનલ હેતુથી ખર્ચની શક્યતા પણ રહે. એકંદરે આપની આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી આપ વધુ સલામતીનો અનુભવ કરશો અને ખુશ રહેશો. લાંબા ગાળાના રોકાણથી ફળદાયી પરિણામ પ્રાપ્ત થશે.

સપ્તાહના અંતમાં તમારી રોજિંદી આવકમાં વધારો કરવા માટે તમે સક્રિય થશો અને તેમાં ફાયદો પણ થઇ શકે છે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે સારો અને નરસો બંને પ્રકારનો સમય છે. જો આયોજનપૂર્વક વાંચન કરો તો સિદ્ધિ મળે અન્યથા તમારી કારકિર્દીને મોટો ફટકો પડી શકે છે. સપ્તાહની શરૂઆતમાં પરીણીત જાતકોને સંતાનોની ચિંતા સતાવે. આપ અને સંતાનો વચ્ચે ઉગ્ર દલીલબાજી થાય.

પૂવાર્ધમાં આપે ધીરજ રાખવાની સલાહ છે. અવિવાહિતોને પ્રણયસંબંધોને લગ્નની ઓળખ મળતા હવે તે આ સંબંધો પરિપૂર્ણતા તરફ આગળ વધશે. જો આપ સંબંધો ના ધરાવતા હોય તો આ સમયમાં જીવનસાથીની શોધ કરી શકો છો. શરૂઆતમાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે પરંતુ છેલ્લા ચરણમાં માથામાં દુખાવો, ઘુંટણમાં દુખાવો અથવા આંખોમાં બળતરા થઇ શકે છે.

વૃષભ : સપ્તાહની શરૂઆતમાં સર્જનાત્મક કાર્ય, મુસાફરી અને ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળ તબક્કો છે. પ્રોફેશનલ મોરચે આપની સર્જનાત્મક્તા અને ગ્રહણશક્તિ ઉચ્ચ સ્તરે જોવા મળે. પ્રોફેશનલ મોરચે બીજા સાથે બોલવામાં તેમજ કમ્યુનિકેશનમાં વાણીમાં સ્પષ્ટતા રાખવી. ઉત્તરાર્ધ પછી ઉપરીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો વધુ સારા બને.

વિદ્યાર્થી જાતકો માટે આમ તો આ સપ્તાહ સારું જ રહે પરંતુ યાદશક્તિની સમસ્યા, એકાગ્રતાનો અભાવ વગેરે તકલીફો હતી તેનું ઉત્તરાર્ધ પછી નિરાકરણ આવતા તમે વધુ સારી રીતે આગળ વધી શકો. પારિવારિક બાબતોમાં આપનો અભિગમ વધુ શાંત રહેશે અને કામકાજમાં આત્મવિશ્વાસ રહે. મધ્ય પછીના તબકક્કામાં તમારા પ્રણયસંબંધોમાં નીકટતા વધશે. એકબીજા પ્રત્યે વધતી લાગણીના કારણે કેટલાક કાર્યો સાથે મળીને કરશો અને આ પ્રકારે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકશો.

જોકે, નજીવી બાબતે ઉગ્ર થવાનું ટાળજો અન્યથા ઝઘડો થવામાં પણ વાર નહીં લાગે. લગ્નોત્સુક જાતકોને ગ્રહોના બળને કારણે આપની પસંદગીની ઇચ્છિત પાત્ર પણ મળી થાય. જો આપ કોઇ બિમારીથી પીડાતા હોય તો એક વાર સમસ્યાનું કારણ જાણ્યા બાદ યોગ્ય દવા લઇને જલ્દી સાજા થઇ શકો છો. અતિ ભોજન ટાળવું તેમજ પેટની સમસ્યાઓમાં બહુ બેદરકારી રાખવી નહીં.

કર્ક : સપ્તાહના પહેલા દિવસે તમે પોતાની જાત પર વધુ ધ્યાન આપશો અને સંબંધો બાબતે તમારામાં લાગણીનું પ્રમાણ વધુ રહેવાની પણ શક્યતા છે. તમે પોતાના મોજશોખ પૂરા કરવા માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. બીજા અને ત્રીજા દિવસે તમારી આવકમાં વધારો થવાની શક્યતા વિશેષ રહેશે. કૌટુંબિક જીવન વધુ સૌહાર્દપૂર્ણ બનશે.

સપ્તાહની મધ્યમાં તમને વાયુવિકાર અથવા લીવરની કામગીરીમાં અનિયમિતતાની સમસ્યા થઈ શકે છે. તમે અતિ તણાવ અથવા છાતીમાં ચેપ જેવી સમસ્યાનો ભોગ પણ બની શકો છો અને તેના માટે તણાવ કદાચ મોટી ભૂમિકા ભજવશે.તમારી પ્રોફેશનલ વ્યસ્તતાની અસર કદાચ અંગત જીવન પર પડી શકે છે માટે વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તમારે પરિવાર માટે પણ થોડો સમય ફાળવવો પડશે જે ખરેખર તમારા માટે કસોટીપૂર્ણ બાબત છે.

સપ્તાહના અંતમાં આ સમયમાં આપના પદને કે પ્રતિષ્ઠાને કોઇ હાનિ ના થાય તેની ખાસ તકેદારી રાખવી. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ રહે પરંતુ અતિ ઉતાવળે આગળ વધવું નહીં અન્યથા અભ્યાસમાં તમે મહત્વના મુદ્દા ચુકી જશો.

કન્યા : સપ્તાહની શરૂઆતમાં ભાઇબહેનો સાથે સુમેળ રહેશે. આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યસ્ત રહેશો, તેમની પાછળ ધનખર્ચ પણ કરવો પડે. બીજા દિવસે બપોર પછી નિર્ણય શક્તિના અભાવના કારણે આપ સતત મુંઝવણમાં રહેશો જેથી કેટલાક કામ પણ રખડી પડશે.

આપના મિત્રો કરતા હિતશત્રુઓની સંખ્યા વધારે હોવાથી કોઈના જામીન ન બનતા અન્યથા તકલીફ ઊભી થશે. સપ્તાહના મધ્યમાં સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આપને સફળતા મળે. વડીલો કે પૂજનીય વ્‍યક્તિઓને મળવાનું થાય. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર મળે અથવા તેમને મળવાનું થાય. તેમ છતાં, મનના ઊંડાણમાં ક્યાંક બેચેની અનુભવાય. મનની શાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્‍ઠ ઉપાય રહેશે.

સપ્તાહના અંતમાં આપ નાણાં કમાવા પર પોતાની જાત પર વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. ઉઘરાણી વગેરેના કાર્યો ઉકેલવા માટે પણ તમે સક્રિય થશો. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં થોડા અવરોધોની શક્યતા છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે ચડાવઉતાર વાળું સપ્તાહ કહી શકાય.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં પ્રેમસંબંધોની વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથે મુલાકાતના યોગ છે. દૂર વસતા પ્રિયપાત્ર સાથે તમે કમ્યુનિકેશન દ્વારા સંપર્કમાં રહો તેવી પણ સંભાવના છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. પ્રોફેશનલ મોરચે કાર્ય સફળતાના કારણે નોકરિયાતોને પ્રગતિનો માર્ગ મોકળો થશે. સહકાર્યકરોનો સારો સાથ સહકાર મળી રહેશે.

હરીફો પર વિજય મેળવી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં વિજાતીય પાત્રો સાથે ડીનર લેશો. આપને સરકાર-વિરોધી પ્રવૃત્તિઓ કે કાયદાની ચુંગાલથી દૂર રહેવાની સલાહ છે અન્યથા તેમાં કોઇના દ્વારા છેતરપિંડી થઇ શકે છે. જોકે, છેલ્લા ચરણમાં તમારી આવી કોઇપણ સ્થિતિમાં સુધારો આવી શકે છે. છેલ્લા બે દિવસમાં ઉપરીઓ અથવા વગદાર લોકો અથવા સરકારી વિભાગો સાથેના સંબંધોમાં સુધારો આવી શકે છે.

છેલ્લા બે દિવસમાં તમારું મન થોડુ બેચેન રહેવાથી સ્નેહીજનો સાથે આપને મતભેદ ઊભા થાય. આપના ખર્ચમાં વધારો થાય. વિદ્યાર્થીઓને આખુ સપ્તાહ તો સારું છે પરંતુ છેલ્લા બે દિવસમાં અભ્યાસમાં વિઘ્નો આવી શકે છે. અંતિમ ચરણમાં શરીરમાં થોડો થાક વર્તાશે.

મકર : સપ્તાહના પહેલા દિવસે તમને શારીરિક તાજગીનો અનુભવ થશે. તમે પ્રિયપાત્ર સાથે ઉત્તમ સમય વિતાવીને મનોમન હર્ષિત રહેશો અને તેની સકારાત્મક અસર તમારા કામકાજમાં જોવા મળે. જોકે, તે પછીના બે દિવસમાં બેચેની આવી શકે છે. માનસિક હતાશા અને અસ્‍વસ્‍થતા રહેવાથી શારીરિક રીતે આપ બેચેની અનુભવશો. કામકાજમાં મન ઓછુ લાગશે.

આવી સ્થિતિમાં તમે ઉતવાળે કોઇ ખોટો નિર્ણય ના લો તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. સપ્તાહના અંતિમ ચરણમાં ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. ઘરમાં કોઈ સુખદ પ્રસંગ બની શકે છે. સામાજિક ક્ષેત્રે ઉત્તરાર્ધમાં માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. વિશેષ કરીને દેશાવર કાર્યો અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીના કાર્યોમાં સફળતાની શક્યતા છે.

જોકે, નોકરીમાં ઉપરીઓ પાસેથી બહુ મોટી આશા રાખવી નહીં. સપ્તાહના બીજા અને ત્રીજા દિવસે તમારે વિજાતીય સંબંધોમાં સાચવવા માટે વધુ પ્રયાસ કરવા પડશે. તમે આ બે દિવસમાં એકાંત પ્રિય બનશો. શરૂઆતનું ચરણ ગૂઢ અને આધ્યાત્મના અભ્યાસ માટે બહેતર છે.

મીન : કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ધિ સાથે આ સપ્તાહનો પ્રારંભ થશે. ભાઇભાંડુઓનું આપના પ્રત્યેનું વલણ આત્મીયતાભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રિયપાત્ર સાથે નાની પરંતુ યાદગાર મુસાફરી થાય. પ્રોફેશનલ મોરચે પણ તમારી સક્રિયતા સારી રહેશે. મહત્‍વના નિર્ણયો લેવામાં તમે ક્યાં પાછા નહીં પડો પરંતુ અત્યારે કામકાજમાં તમારા કેટલાક પરિવર્તનકારી વિચારોને અંકુશમાં રાખજો અન્યથા તેનાથી ભવિષ્યમાં નુકસાન થાય અથવા કોઇ ફાયદો ના થાય તેવા નિર્ણયો લેવાઇ શકે છે.

નોકરિયાત વર્ગને ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલવર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે. અત્યારે સર્જનાત્મકતાની જરૂર હોય તેવા કાર્યોમાં તમે થોડી પાછીપાની અનુભવશો. પરિવાર સાથેના સંબંધો સાચવવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. કોઇની સાથે ચર્ચા દરમિયાન પોતાની વાત સાચી ઠેરવવાનો વધુ પડતો આગ્રહ કરવો નહીં.

એજ્યુકેશનની બાબતમાં શરૂઆત સારી છે. ચિંતન, મનનમાં સમય ગાળવાથી આપ અભ્યાસમાં વધુ આત્મવિશ્વાસ કેળવી શકશો. ભોજનની અનિયમિતતાના કારણે સપ્તાહના પૂર્વાર્ધમાં આપના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે માટે સાચવજો. છેલ્લા દિવસે પણ આંશિક બેચેની રહેવાની શક્યતા નકારી શકાય નહીં.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.