આગામી 5 દિવસ છે ગુજરાત માટે ભારે, આજે 6 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું.

0
163

ગુજરાતના આ ભાગોમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયું, વાંચો હવામાન વિભાગે કરેલી મોટી આગાહી.

વર્તમાન સમયમાં મેઘરાજા ગુજરાત પર સતત વરસાદ વરસાવતા દેખાઈ રહ્યા છે. અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય એવી શક્યતા છે. જી હા, હવામાન વિભાગે ગુજરાતના લોકોને વરસાદને લઈને એલર્ટ કર્યા છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે સુરેન્દ્રનગર, પાટણ, અમરેલી, રાજકોટ, મોરબી, મહેસાણામાં આજે અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં કરાયું છે.

તેમજ દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગીર- સોમનાથ, અમદાવાદ, પોરબંદર, કચ્છ, જામનગર, બોટાદ, સાબરકાંઠા, દાહોદ, સુરત, આણંદ, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર, નવસારીમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન ખાતાએ આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને આવતી કાલે એટલે કે બુધવારે સૌરાષ્ટ્રના રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હજુ આવનારા થોડા દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

કરવામાં આવેલી આગાહી અનુસાર બુધવારે દમણ, દાદરા અને નગર-હવેલી, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો સુરત, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, ભરૂચ, તાપી, દાહોદ, વડોદરા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુરુવારના રોજ રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. અને એજ દિવસે દમણ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે, આ સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિના આંકડા જોઈએ તો, ઉત્તર ગુજરાતમાં 19.92 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 47.83 ઈંચ, મધ્ય ગુજરાતમાં 24.4 ઈંચ, કચ્છમાં 16.22 ઈંચ, સૌરાષ્ટ્રમાં 26.85 ઈંચ વરસાદ પડ્યો છે.

થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયેલા સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓ કરેલા વરસાદની પેટર્ન પરના રિસર્ચ મુજબ, લો પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફાર દેખાયો છે. આ વખતે સપ્ટેમ્બરમાં લો પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી જેને કારણે સારો વરસાદ થયો છે.

આજે વહેલી સવારે અમદાવાદમાં 6 વાગ્યાથી ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં 0.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં અંદાજે 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, તેમાં સૌથી વધુ વડોદરા, તારાપુર, આંકલાવ, ડાંગ, સોજિત્રા અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાત રાજ્યમાં આ સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે. પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજી પણ કોરા છે.