લીલા વટાણાને આખું વર્ષ સ્ટોર કરવાની આ રીત જાણી લો, અને આખું વર્ષ લીલા વટાણા ખાવ.

0
1632

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમને લીલા વટાણાને લાંબો સમય સુધી સ્ટોર કરવાની એટલે કે પ્રિઝર્વ કરવાની રીત શીખવાડવાના છીએ. ઘણા બધા લોકો લીલા વટાણાને સ્ટોર કરીને રાખે છે, જેથી ઓફ સિઝનમાં પણ એમાંથી બનતી વાનગીઓ બનાવીને ખાઈ શકે.

અને જો તમે પણ વટાણાને લાંબો સમય કે આખું વર્ષ સ્ટોર કરવા માંગતા હોય, તો આજનો આ લેખ તમારા માટે ખાસ છે. આ રીતથી તમે વટાણાને લાંબો સમય કે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. લીલા વટાણાને સ્ટોર કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તે આજે અમે તમને જણાવવાના છીએ. આ રીત તમે છેલ્લે રહેલા વિડિઓ દ્વારા પણ જોઈ શકો છો.

જરૂરી સામગ્રી :

1 કિલો વટાણા,

2 લિટર પાણી,

1 નાની ચમચી સાકર,

1 નાની ચમચી મીઠું,

1/2 ચમચી ખાવાનો સોડા

રીત :

જણાવી દઈએ કે અત્યારે અમે તમને એક કિલો વટાણાને સ્ટોર કરવાની પ્રક્રિયા જણાવવાના છીએ. એ સીખી લીધા પછી તમે તમારી જરૂરિયાત મુજબ વસ્તુની માત્રામાં વધારો ઘટાડો કરી શકો છો. તેમજ આ વટાણા માંથી જે નાના દાણા હોય તેને કાઢી લેવાના છે. કારણ કે નાના દાણા હોય તે લાંબો સમય સુધી સ્ટોર થઇ શકતા નથી. વટાણાના નાના દાણામાં મોઈસ્ચર વધારે હોવાના કારણે તે લાંબા સમય સુધી સ્ટોર નથી થઇ શકતા. એટલે તેમાંથી નાના દાણા અલગ કાઢી લેવા.

હવે એક સ્ટીલની તપેલી લઈને એમાં 2 લીટર પાણી ભરી એને ગેસ ઉપર ઉકાળવા મૂકી દેવાનું છે. પાણી ઉકાળવા લાગે ત્યારે ગેસને ધીમો કરી નાખવો. પછી તેમાં સાકર, મીઠું અને ખાવાનો સોડા એડ કર્યા બાદ ગેસને ફૂલ કરી દેવાનો છે. અને ફરીથી પાણીને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે ત્યારે ગેસ ધીમે કરી તેમાં જે વટાણા આપણે તૈયાર કરીને મુકેલા છે તેને તેમાં એડ કરવાના છે. વટાણા એડ કરીયે એટલે પાણી ઠંડુ થઇ જાય એટલે પાછું ગેસને ફુલ કરી નાખો, અને તે 2 મિનિટમાં ઉકાળવા લાગશે.

હવે આ વટાણા ઉકળે ત્યાં સુધીમાં બરફનું ઠંડુ પાણી તૈયાર કરી લેવાનું છે. અને એક મોટા વાસણમાં કાણા વાળું વાસણ મૂકી દેવાનું છે. 2 થી 3 મિનિટમાં પાણી ઉકળ્યા બાદ વટાણા ઉપર આવી જશે, વટાણા ઉપર આવી ગયા બાદ ગેસ બંધ કરી દેવાનો છે, અને વટાણાને જે કાણા વાળું વાસણ છે તેમાં કાઢી લેવાના છે, જેથી જે ગરમ પાણી છે તે નીકળી જાય. અને વટાણાને તરતજ બરફના ઠંડા પાણીમાં એડ કરી લેવાના છે. જેથી તે ઝડપથી રૂમના ટેમ્પરેચર પર આવી જાય, વટાણાનું ટેમ્પરેચર તરત જ ચેન્જ થવું ખુબ જરૂરી છે.

આટલું કર્યા બાદ તેને એક કોટનના કપડાં પર ફેલાવી દેવાના છે અને તેને ફટાફટ બીજા કપડાથી લૂછી લેવાના છે. હવે તેને નાના ઝીપલોક પાઉચમાં ભરી લેવાના છે. જણાવી દઈએ કે તેને પેક કરતા સમયે સૌથી પહેલા તો પાઉચના એક સાઈડના ખૂણામાં એક સ્ટ્રો મૂકી દો. અને પાઉચમાં વટાણા ભરી બીજા ભાગ તરફથી તેને બંધ કરતા જાવ, બંધ કરતી સમયે તે સ્ટ્રો સુધી પહોંચે ત્યારે તેમાં રહેલી વધારાની હવાને બહાર ખેંચી લેવી. અને તરતજ એને બંધ કરી દેવું.

જે લોકો લીલા વટાણા સ્ટોર કરતા હોય એમાંથી ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, ઘરે આપણે જે વટાણા સ્ટોર કરીયે છીએ તે ઘણા બરફ જેવા થઇ જાય છે. પણ આ પ્રક્રિયાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે ,અથવા તો ઓછી થઇ જશે. એના માટે તમારે વટાણાને એકદમ સરસ લુછવા ખુબજ જરૂરી છે

તેમજ આપણે જે વટાણા માર્કેટ માંથી લાવીએ છીએ, તેને થોડા પણ ટેપ કરવાથી તે છુટા પડી જાય છે તેજ રીતે તમે ઘરે પણ આ રીતે પ્રકિયા કરી વટાણા સ્ટોર કરશો તો પાઉચને એક કે બે વાર ટેપ કરશો તો તરત જ વટાણા છુટા પાડવા લાગશે.

તો આ રીતે સ્ટોર કરેલા વટાણા આખું વર્ષ ઉપયોગ કરી શકો છો. અને વટાણાને આ રીતે નાના પાઉચમાં ભરીને સ્ટોર કરવા જેથી 3 થી 4 વાર તેનો ઉપયોગ કરી તે પૂર્ણ કરી શકાય. અને આ સ્ટ્રો વાળી આ પ્રોસેસ દર વખતે કરો તો સારું રહશે. નહિ થઇ શકે તો નાના પાઉચમાં સ્ટોર કરી લેવું અને તે ફ્રીઝરમાં જગ્યા પણ ઓછી રોકે છે અને વટાણાને લાંબો સમય સારા પણ રાખે છે.

જુઓ વીડિઓ :