ગુજરાતના દરેક ઘરમાં લાગશે પાણીના મીટર, જાણો કેવી ને કેટલી જેલ ની સજા વગેરે ની વિગત

0
1331

પાણી આપણા માટે ઘણું જરૂરી છે. દેશના ઘણા વિસ્તારોમાં એનો બેફામ બગાડ થઇ રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં પૂરતું પાણી જ નથી મળતું. તમને જાણીને આશ્રર્ય થશે કે, આપણા ગુજરાતમાં જ્યાં અમુક વિસ્તારોમાં લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, તો ઘણી જગ્યાએ લોકો પાણી વેડફી રહ્યા છે. અમુક જગ્યાએ તો પાણીની ચોરી પણ થઇ રહી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ વિધેયકને ગુજરાત વિધાનસભામાં બહુમતિ મળતા ઘરે-ઘરે પાણીના મીટરનું બિલ પસાર કરવામાં આવ્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક તેમજ ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) બિલ એમ બે બિલ રજૂ કર્યા હતા. એમાં ગુજરાત ઘર વપરાશ વિધેયકમાં પાણી પુરવઠાની સિસ્ટમને નુકસાન કરનાર લોકો માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. એ અનુસાર જો કોઈ વ્યક્તિ પાણીના વિતરણની સિસ્ટમે નુકસાન પહોંચાડે છે, તો એને 2 વર્ષની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

મિત્રો, મળેલી જાણકારી અનુસાર ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સરંક્ષણ વિધેયક 2019 માં, ઘરવપરાશ કે ઔદ્યોગિક એકમોના વપરાશના પાણી પુરવઠાની સિસ્ટમને જરાય છેડછાડ કરનારે કડક સજા થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, પાણી વિતરણ સિસ્ટમને નુકસાન પહોંચાડનારને 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ થશે.

તેમજ જે લોકો પાણી પુરવઠા વ્યવસ્થાના સંચાલનમાં અવરોધ પેદા કરે, એમને 3 મહિના જેલ અને 20 હજાર સુધીનો દંડ થશે. અને પાણી વિતરણ વ્યવસ્થામાં ચેંડા કરવા, પ્રવાહ બદલવા માટે વાલ્વમાં ગરબડ કરવા અને માપણીના સાધનો સાથે ચેડા કરવા વગેરે ખોટા કામ કરનારને 6 મહિનાની જેલ અને 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

એટલું જ નહિ સિંચાઇના બિલમાં એવું જણાવાયું છે કે, પાણીની નહેરમાંથી પાણી ચોરવા બદલ ગુનેગારને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાંથી પાણીની ચોરી કરનારને ત્રણ મહિના સુધીની કેદ અથવા 1 લાખ રૂપિયાથી વધારે દંડની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ બંને બિલ પર નવ કલાકની ચર્ચા પછી વિપક્ષના વિરોધ વચ્ચે રાજય સરકારે બહુમતીથી બિલ પસાર કર્યા હતા.

રાજ્ય મંત્રી સૌરભ પટેલે સિંચાઇનું બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, લોકો કેનાલ તોડીને પાણી લઇ લેતા હોવાથી આગળ વસતા લોકો અને ખેડૂતો સુધી પાણી પહોંચતુ નથી. આથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે આ બિલ ઘણું જરૂરી છે.

મંત્રી કુંવરજી બાવળિયાએ એવું કહ્યું હતું કે, પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવું જરૂરી છે, અને દરેક ઘરે પૂરા ફોર્સથી અને પુરતું પાણી મળી રહે તેટલા માટે પાણીની લાઇનમાં વચ્ચેથી ગેરકાયદે પાણીને ચોરી લેતા લોકોને અટકાવવા માટે આ બિલમાં કડકાઇ દાખવવામાં આવી છે. મિત્રો, જો તમારે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું હોય તો એને કરકસર પૂર્વક ઉપયોગ કરજો, પોતે પાણીનો બગાડ ન કરી બીજાને પણ એના માટે જાગૃત કરજો.