વરસાદે તો ભારે કરી, ઉત્તર ગુજરાતમાં બધે પાણી જ પાણી, નક્ષત્રોની ચાલને આધારે જાણો વરસાદ કેવો રહેશે.

0
147

મિત્રો હાલના દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા પોતાની શક્તિ દેખાડી રહ્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારો છેલ્લા થોડા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપ ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એટલું જ નહિ લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો.

મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાવાદમાં નોંધાયો જેનો આંકડો 5 ઈંચ છે. તેમજ પાટણના સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો અને બનાસકાંઠાના પાલનપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો. એટલું જ નહિ કાલાવાડ, ખેડા, માતરમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો. રાજ્યના 35 તાલુકામાં 1 થી 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ચારેબાજુ નદીઓ વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે બ્રાહ્મણવાસ, મફતપુરા અને હરિપુરામાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા જેથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. રવિવાના રોજ મોડી રાતથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દેતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કેટલીય સોસાયટીઓમાં પાણી ભરાયા અને લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા.

પાટણ જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 22 મિમી વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો અને લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતા. વરસાદની વાત થઈ રહી છે તો જણાવી દઈએ કે, હિંદુ ધર્મમાં સૂર્યદેવના રાશિ અને નક્ષત્ર ભ્રમણના આધારે સારા-નરસા યોગની ધારણા કરવામાં આવે છે. અને સૂર્યદેવના નક્ષત્ર ભ્રમણ દ્વારા સારા, મધ્યમ અને ઓછા વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવે છે.

પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ડો. હરીશ જોશીના જણાવ્યા અનુસાર, 22 જૂનના મંગળવારની વહેલી સવારે 5:40 વાગ્યે સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેને વર્ષાઋતુની શરૂઆત ગણી શકાય. આ વર્ષે સૂર્ય 22 જૂનથી 05 જુલાઇ સુધી આદ્રા નક્ષત્રમાં રહેશે, આથી વાદળો બંધાશે અને પવન સાથે વરસાદ પડે.

6 જુલાઇથી 19 જુલાઇ દરમિયાન સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ દરમિયાન પવન સાથે વરસાદનો યોગ છે. તેમજ 20 જુલાઇથી 02 ઓગસ્ટ સુધી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં રહેશે. આથી છૂટોછવાયો વરસાદ પડશે. તો 3 થી 16 ઓગસ્ટ દરમિયાન સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહેશે જેથી સાર્વત્રિક વરસાદ પડશે. નદી-નાળા પણ છલકાશે.

સૂર્ય 17 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં રહેશે. એવામાં ક્યાંક તોફાની અને ભારે વરસાદ પડશે. અને 30 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બરની વાત કરીએ તો આ દરમિયાન સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. આથી મધ્યમ, સારો, ભારે વરસાદ પડશે એવી આશા છે. ત્યારબાદ 13 થી 26 સપ્ટેમ્બર સુધી સૂર્ય ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. આ દરમિયાન તોફાની પવન સાથે સારો વરસાદ પડશે.

ત્યારબાદ 7 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન સૂર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે અને સામાન્ય વરસાદ પડશે. પછી 10 થી 23 ઓક્ટોબર દરમિયાન સૂર્ય ચિત્રા નક્ષત્રમાં રહેશે અને ક્યાંક નહીંવત વરસાદ જોવા મળશે. અંતમાં 24 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સૂર્ય સ્વાતી નક્ષત્રમાં રહેશે અને છૂટાછવાયા વરસાદ સાથે ચોમાસુ વિદાય લેશે.