અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાયો પહેલો પાટોત્સવ સમારોહ, ઉમિયા ફાઉન્ડેશન કરશે આ મહાન કાર્ય.

0
74

એ વાત તો તમે બધા જાણો છો કે અમદાવાદમાં જગત જનની માં ઉમિયાનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. એવામાં 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં હજારો ભકતો અને પાટીદારોએ ભાગ લીધો હતો.

જણાવી દઈએ કે, રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જગત જનની માં ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા, અને માં ઉમિયાની આરતીનો લ્હાવો લીધો હતો. જાણકારી માટે જણાવી દઈએ કે, ગયા વર્ષે 28-29 ફ્રેબુઆરીના રોજ માં ઉમિયાના 451 ફુટ ઉંચા મંદીરનો શિલાન્યાસ થયો હતો. અને આ વર્ષે તેની પાટોત્સવ વિધિ સંપન્ન થઈ છે.

આ સમારોહમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું કે, તે પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓના વિનામુલ્યે લગ્ન કરાવશે. તેમજ પાટીદાર સમાજની સુરક્ષા માટે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત પણ કરવામાં આવી. મિત્રો, જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓના લગ્ન કરાવીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક મહાન કાર્ય કરવા જઈ રહ્યું છે.

આ પાટોત્સવ સમારોહમાં સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે સમસ્ત પાટીદાર સમાજની સુરક્ષા માટે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં આવનાર સમયમાં 1 લાખ પાટીદાર પરિવારોને સુરક્ષિત કરાશે એવું જણાવવામાં આવ્યું છે.

મંદિરના પ્રથમ પાટોત્સવના દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી 10 થી વધારે પગપાળા સંઘ સરદારધામ ખાતે માં ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા હતા. આ સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિતે સાંજે 6:30 વાગ્યે 1008 દિવડાની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં માં ઉમિયાના હજારો ભક્તોએ માતાજીની આરતી કરીને સમગ્ર પરિષરને ભાવ વિભોર કરી દીધું હતું. એટલું જ નહીં પાટોત્સવની રાત્રે વિશ્વ ઉમિયા સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.