સુરતી ખમણ ખાવાના શોખીન છો? તો જાણો વાટીદાળના ખમણ ધરે બનાવવાની રીત. રેસીપી માટે ક્લિક કરો.

0
2972

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે સુરતી ખમણ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જેથી તમે પણ પોતાના ઘરે જ ટેસ્ટી સુરતી ખમણ બનાવીને ખાઈ શકો. આ વાટીદાળના ખમણ બનાવવા માટે શું જોઈશે? અને એની પ્રોસેસ કઈ છે? આવો તમને જણાવીએ.

તો મિત્રો સૌથી પહેલા તો આપણે એક કપ ચણાની દાળ લીધી છે, અને પા કપ ચોખા લીધા છે. હવે આ બન્ને વસ્તુઓને સારી રીતે મિક્ષ કરીને પાણીથી બે થી ત્રણ વખત ધોઈ નાખવાની છે. જણાવી દઈએ કે ચોખા ઉપયોગમાં લેવાથી ખમણ એકદમ સોફ્ટ બને છે. હવે તેમાં બે કપ પાણી નાખી દઈએ, સામાન્ય પાણી જ ઉપયોગમાં લેવાનું છે.

હવે તેને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે એમજ રહેવા દઈશું. અને ત્રણ કલાક પછી દાળ બરોબર પલળી જશે. તમે આ દાળના દાણાને તોડીને ચેક કરશો તો ખબર પડશે કે દાળ બરોબર પલળી ગઈ છે કે નહિ. હવે પાણી કાઢી લેવાનું છે. ત્યારબાદ તેને ગ્રાઈન્ડ કરવાની છે. એમાં તમે મરચા પણ ઉમેરી જ દો. એના માટે જોઇશે ત્રણથી ચાર લીલા મરચા, અડધી ચમચી હળદર, અડધી ચમચી લીંબુના ફૂલ અને લીંબુ પણ લઇ શકાય છે.

તેને ગ્રાઈન્ડ કરવા માટે મીડીયમ સાઈઝનું જાર લઇ લઈશું. તેમાં સૌથી નીચે લીલા મરચા નાખી દેવાના છે, જે આપણે દાળનું પાણી કાઢીને રાખી છે, તેમાંથી અડધી દાળ અત્યારે આમાં ઉમેરી દઈએ. હવે જે લીંબુના ફૂલ લીધા છે તેમાંથી અડધા લીંબુના ફૂલ તેમાં ઉમેરી દઈશું. હળદર બધી આમાં જ ઉમેરી દઈએ. આ બધાને પહેલા પાણી વગર જ ગ્રાઈન્ડ કરવાના છે. ગ્રાઈન્ડ થાય એટલે ફરી વખત મિક્સ કરી લો, ફરીથી પાણી વગર જ ગ્રાઈન્ડ કરો.

હવે તેમાં સોજી જેવું ટેક્સચર આવે એટલે તેમાં એકથી બે ચમચી જેટલું પાણી નાખવાનું, અને ફરીથી તેને ગ્રાઈન્ડ કરી લેવાનું. હવે આ સારી રીતે ગ્રાઈન્ડ થઇ ગયું છે. હવે તેને સ્ટીલના વાસણમાં કાઢી લો. હવે બાકીની દાળ અને લીંબુના ફૂલને મિક્સ કરીને આપણે એને ગ્રાઈન્ડ કરી લઈશું. નીચે લીંબુના ફૂલ અને પછી દાળ ઉમેરી લઈશું, અને જે પહેલી દાળ ક્રશ કરી તે રીતે પહેલા પાણી વગર, અને સોજી જેવું બને એટલે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરી લેવાનું છે.

હવે આ ગ્રાઈન્ડ કરેલું મિશ્રણ તૈયાર છે. તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તેમાં ચોખાનો દાણો કે દાળ રહી ન જાય. હવે આને પહેલા ગ્રાઈન્ડ કારેલા મિશ્રણમાં ઉમેરી લેવાનું છે. મિક્સરમાં પાણી નાખીને ચોટેલું નથી લેવાનું, હાથથી જેટલું આવે એટલું લઇ લેવાનું છે. અને ઉપરથી પાણી નથી ઉમેરવાનું, હવે આ બન્ને વારા ફરતી મિક્સ કરેલી દાળને સારી રીતે મિક્ષ કરી લેવાની છે. આ ખીરું ઘટ્ટ રાખવાનું છે.

આ બધું થઈ ગયા પછી તેને કોઈ ગરમ જગ્યાએ મુકીશું. અને તેની ઉપર કોઈ વજન મુકીશું તો એ જલ્દી તૈયાર થઇ જશે. તેને એ જગ્યા પર પાંચ કલાક માટે રહેવા દો. પાંચ કલાક પછી આપણું ખીરું તૈયાર છે. આ ઈડલી ઢોંસા જેવું ખીરું ન હોવું જોઈએ. તેને અડો તો થોડું હળવું જેવું લાગે છે. હવે આ ખીરામાં મીઠું ઉમેરી દો અને ઢોકળીયામાં પાણી ઉકળે એટલે આ ખીરામાં સોડા ઉમેરી દો.

એક્વાતનું ધ્યાન રાખવું કે, કોઈપણ ખીરું હોય તેને એક જ તરફ હલાવવું. સોડા ઉમેર્યા પછી ખીરું થોડું પાતળું કરવાની જરૂર લાગે તો જ પાણી ઉમેરવું. જો તમારું ખીરું થોડું જાડું હોય તો જ પાણી ઉમેરજો. આવા પ્રકારનું ખીરું આપણે સુરતી ખમણ માટે જોઈએ. ખાવાનો સોડા સારી રીતે મિક્ષ થઇ જવો જોઈએ. હવે તેને તૈયાર કરેલા તાસમાં નાખી લઈશું. હવે તેને હલાવીને થોડું સરખું કરી લો, અને ત્યારબાદ તેનું ઉપરનું લેવલ ચમચીથી પણ સરખું કરી લેવું.

હવે તેને ઢોકળીયામાં બાફવા માટે મૂકી દઈશું. ગેસ ધીમો રાખીને તેને તેની અંદર મૂકી દઈશું. હવે ગેસ ફૂલ કરીને તેને ૧૫ મિનીટ માટે રહેવા દેવાનું છે. ૧૫ મિનીટ એને ચેક કરી લેવું. એને ચપ્પુ નાખીને ચેક કરવાનું છે. જો ચપ્પુ ઉપર થોડો લોટ ચોટેલો આવે તો બેથી ત્રણ મિનીટ તેને રહેવા દેવું. હવે ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દેવાનું છે. આ થોડું ઠંડુ થાય એટલે તેની કિનારીએથી અલગ કરી દેવાનું છે.

આ મિશ્રણ કિનારીએથી અલગ થાય એટલે એને એક થાળી કે પ્લેટમાં કાઢી લેવાનું છે. એને પાછળની સાઈડથી પણ ચેક કરી લો. આ મિશ્રણ થોડું ગરમ હશે એટલે તેને ઠંડુ થવા દો. પછી એને ચેક કરો અને જો આ બરોબર ઠંડુ થાય તો પછી તેના પીસ કરો. જણાવી દઈએ કે જો તે ગરમ હોય ત્યારે એના પીસ કરશો તો, તેનો ભૂકો જલ્દી થઇ જાય છે. એટલે એ ઠંડુ થાય પછી તેના ટુકડા કરી લેવા.

હવે તમે એના ટુકડા કરી લીધા છે. એટલે એને વઘારનો સમય આવી ગયો છે. એના માટે જોઇશે લીમડો, કોથમીર, લાંબા કાપેલા લીલા મરચા, રાઈ (રાઈ જે નાની સાઈઝની આવે છે તે જ ખમણમાં ઉપયોગમાં લેવાની છે.) જીરું, તલ, હળદર, અને તેનો વઘાર કરવા માટે તેલ.

વઘાર કરવા માટે સૌથી પહેલા તો તેલ ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરીને તેમાં રાઈ નાખવી છે. અને રાય થઇ જાય એટલે તેમાં જીરું નાખવાનું છે. હવે જે મરચા સમારીને રાખ્યા છે તે તેમાં નાખવાના છે. અને મરચા તળાઈ જાય એટલે તેમાં લીમડો અને તલ ઉમેરીશું. અને આ બધાને એક વખત મિક્ષ કરી લો. આ મિક્સ થઇ જાય એટલે તેમાં હળદર નાખવાની છે. આ રીતે હળદર ઉમેરવાથી ખમણનો કલર એકદમ પીળો થઇ જાય છે.

ત્યારબાદ હળદર મિક્સ થઇ જાય એટલે એમાં ખમણ ઉમરી તેને મિક્સ કરી લો. મિક્સ થઇ જાય એટલે તેની ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરીશું, અને તેને મિક્ષ કરી લઈશું. હવે ગેસ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણા સુરતી ખમણ સર્વ માટે તૈયાર છે. આ ખમણ હંમેશા ચટણી સાથે એટલે જેને કઢી કહે છે તેની સાથે સર્વ કરવા.