હવેથી જન્મ લેનારી છોકરીઓને મળશે ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ, જાણો વધુ વિગત

0
2826

ગુજરાત સરકાર બે દાયકાથી બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત ઘણા જનજાગરણ કાર્યક્રમો કરીને લોકોમાં જાગૃકતા લાવવાનું કામ કરી રહી છે. આ કામ માટે સરકારે ઘણી પબ્લિસિટી પણ કરી છે. જોકે મહિલા જન્મદર વધારવા માટે એમના લક્ષ્યાંક અનુસાર પરીણામ મળ્યુ નથી. આ કારણે સરકારે હવે વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરીવારોમાં દિકરી જન્મદરને વધારવા માટે ‘વ્હાલી દિકરી’ યોજના અમલમાં મુકી છે.

આજે અમે તમને એ યોજનાના લાભ વિષે જણાવીશું અને સાથે સાથે એની વિવાદાસ્પદ જોગવાઈ પણ જણાવીશું. તો મિત્રો આ યોજના અમલમાં મુકવાનો હેતુ દીકરીઓનો જન્મદર વધારવાનો, તેમજ દીકરીઓના ઉચ્ચ અભ્યાસના રેટમાં વધારો કરવાનો, બાળ લગ્ન અટકાવવાનો અને સ્ત્રી સશક્તિકરણ કરવાનો છે.

જણાવી દઈએ કે, 2 ઓગસ્ટ 2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત આવતા પરિવારની દીકરીના પહેલા ધોરણમાં એડમિશન વખતે 4000 રૂપિયા, અને નવમાં ધોરણમાં પ્રવેશ વેળાએ 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને જ્યારે દિકરી ૧૮ વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય રૂપે તેને 1,00,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે કુલ મળીને 1,10,000 રૂપિયા દીકરીઓને સહાયના રૂપમાં મળશે.

પણ ગુજરાત સરકારે ‘વ્હાલી દિકરી’ યોજનામાં દંપતીને બે બાળકો પછી સંતતિ નિયમનનું ઓપરેશન ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે. જે વિવાદસ્પદ જણાઈ રહી છે. આ યોજનાના અમલ માટે બુધવારે સાંજે ઠરાવ સાથે પ્રસિધ્ધ થયેલા અરજીપત્રકમાં આ યોજના અંગેની તમામ શરતો અને નિયમો જણાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આ યોજનાના ફોર્મ વિનામૂલ્યે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીઓમાંથી મળશે. આવો તમને આ યોજનામાં કોને લાભ મળશે એના વિષે જણાવી દઈએ.

જાણકારી માટે જણાવી દઈએ કે વ્હાલી દીકરી યોજના અંતર્ગત આવતા દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે.

દંપતીની પહેલી અને બીજી દીકરીને આ યોજનાનો લાભ મળશે, પણ ત્રીજી દીકરી પછી એ દંપત્તિને સંતતિ નિયમનનું ઓપરેશન કરાવ્યાના પુરાવા રજુ કરવાના રહેશે.

જો કોઈ દંપતીને પહેલો દીકરો થયો છે અને બીજી દિકરી થઇ છે, તો બીજી દીકરીને સહાય મળશે પણ તેમાંય બે બાળકો પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવી પુરાવા રજુ કરવા પડશે.

જો કોઈ દંપતીને પહેલો દીકરો છે અને બીજી બંને દીકરી જોડિયા થઇ છે તો બંને દીકરીને આ યોજનાનો લાભ મળશે. આમ પણ દંપતીએ દીકરીના જન્મ પછી સંતતિ નિયમન ઓપેરશન કરાવ્યાનો પુરાવો રજૂ કરવો પડશે.

તેમજ દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો જ એ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

એ ઉપરાંત દંપતી એટલે કે માતા અને પિતાની કુલ વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. જે વર્ષે દીકરીનો જન્મ થયો હોય એ દિવસે દંપતિની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હશે તો એ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

દીકરીના જન્મના 1 વર્ષની અંદર એના જન્મ તારીખના પુરાવા સાથે તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. ફોર્મ જન સેવા કેન્દ્ર અને સેવા સેતુમાં પણ જમા કરાવી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોમાં દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતાના જન્મનું પ્રમાણ પત્ર, માતા પિતાનો આધાર કાર્ડ, આવકનો પુરાવો, કુટુંબના જન્મેલા અને હયાત બાળકોના જન્મનું પ્રમાણ પત્રનો સમાવેશ થાય છે. જો આ તમારી બીજી દીકરી છે તો તમે સંતતિ નિયમન ઓપરેશનનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. અને સાથે જ એફિડેવિટ પણ જમા કરાવવું પડશે.

આ યોજના માટે અરજીથી લઈને સહાય ચુકવણી માટે ઓનલાઈન સોફ્ટવેર બનાવાશે. અને ૧૫ દિવસની સમય મર્યાદામાં મહિલા અને બાળ અધિકારીને અરજી મંજૂર કે નામંજૂર કરવાના અધિકારો સોંપાયા છે. વહિવટી પ્રશ્ન ઉપસ્થિત થાય તો કમિશનર દ્વારા નિર્ણય લેવાશે. એવું સંયુક્ત સચિવ, મહિલા અને બાળ કલ્યાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.