વડોદરાનો જવાન કશ્મીરમાં થયો શહીદ, દેશની રક્ષા માટે ન્યોછાવર કર્યા પ્રાણ, જાણો વધુ વિગત

0
1239

આપણા દેશના જવાનો દેશ માટે જીવ આપવા હંમેશા તૈયાર રહેતા હોય છે. અને એમના લીધે જ આપણે નિશ્ચિન્ત રહીને જીવી શકીએ છીએ. મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવીએ છીએ કે, સોમવારે કશ્મીરમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં વડોદરાના વતની અને દેશના એક બહાદુર જવાન શહીદ થયા છે. એમનું નામ આરીફ છે. એમને નાનપણથી જ દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હતી. અને તે દેશની સેવા માટે સેનામાં જોડાયા હતા.

એમના મિત્રો જણાવે છે કે, 4 વર્ષ પહેલાં આરીફે ક્રિકેટ રમતા સમયે તેના મિત્રની બોલીંગમાં બે સિક્સર મારી હતી, એ સમયે મિત્ર નાસીપાસ થઈ જતાં આરીફે કહ્યું હતું કે, ‘અત્યારે ના રડ, હું જ્યારે દેશ માટે મરી જાઉં ત્યારે તું રડજે.’ તેમજ પોતાની માતા સાથે પણ થોડા સમય પહેલા જ તેણે ફોન પર વાત કરી હતી, ત્યારે તેણે હું મસ્ત છું, હવે ડ્યૂટી પર જાઉં છું તેમ કહીને ફોન કટ કર્યો હતો.

શહીદ જવાનની માતાની આંખમાં આજે આંસુ જરૂર છલક્યાં હતા પરંતુ આ વીર જવાનની માતાએ જણાવ્યું હતું કે, દેશ ખાતર મારો બીજો દીકરો પણ શહીદ થાય તો મને કોઈ ગમ નથી. સોમવારે જ એ શહીદ પરિવારના ઘરે મેયર સહિતના હોદ્દેદારો ગયા હતા, અને તેમણે પરિવારને સાંત્વના આપી હતી.

દેશના શહીદ જવાન આરીફના મિત્ર મિરુત બોડાલા સાથે વાતચીત કરતા સમયે એમણે જણાવ્યું હતું કે, હું અને આરીફ પઠાણ અને અન્ય મિત્રો 4 વર્ષ પહેલાં નવા યાર્ડ ડી કેબિન પાસેના મેદાનમાં રોજ સવાર-સાંજ ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમતી વખતે એક વાર હું બોલિંગ કરતો હતો ત્યારે આરીફે મારી બોલિંગમાં 2 સિકસર મારી હતી. તે વખતે હું નાસીપાસ થઇ ગયો હતો.

ત્યારે આરીફે મને કહ્યું હતું કે, અત્યારે ના રડ, હું જ્યારે દેશ માટે મરી જાઉં ત્યારે તું રડજે. એ સિવાય એક વાર ક્રિકેટ રમતી વખતે જયારે હું રન આઉટ થયો ત્યારે આરીફે મને કહ્યું હતું કે, તું પહેલાં રન માટે દોડ પછી તારે દેશ માટે આર્મીમાં જવાનું છે. આજે મને આ સમાચાર મળ્યા છે. મને બહુ આઘાત લાગ્યો છે. જો કે ચાર વર્ષથી અમે મળ્યા ન હતા તેનો મને અફસોસ છે.

માતાએ હિંમત ન હારી :

આરીફની માતા હબીબનબાનુને દીકરાના શહીદ થવાના સમાચાર મલ્યા ત્યારે તેમની આંખમાં વ્હાલાસોયા જુવાનજોધ પુત્રને ગુમાવ્યાનો શોક આંસુ બનીને રેલાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘આરીફે ફોન પર મારી તબિયત વિશે પૂછ્યું. લોન ચાલે છે એટલે તેની વાત પણ કરી અને મેં જ્યારે પૂછ્યું ‘તું કેમ છે?’ તો હસતાં હસતાં કહ્યું ‘હું મસ્ત છું, હવે હું ડ્યુટિ પર જાઉં છું.’ એમ કહીને ફોન કટ કર્યો હતો.’

આરીફની માતાની પણ દેશભક્તિ અતૂટ છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘આરીફ શહીદ થયો છે, એણે દેશ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. જો બીજો દીકરો પણ શહીદ થાય તો પણ ગમ નથી.’ મિત્રો, આવી માતાઓ જ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવાની શક્તિ પુત્રને આપી શકે છે.

શહીદ જવાન આરીફના પરિવારની વાત કરીએ તો એમના દાદા રશીદખાન પઠાણ આર્મીમાં હતા. પછી તેમણે રેલવેમાં નોકરી સ્વીકારી હતી. તેના કાકાનો દીકરો હાલમાં કારગીલમાં જવાન છે. પિતા શફી આલમ અને તેના મામા નિસારખાન ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. પરિવાર સાથે વાતચીત દરમ્યાન આરીફના નાના ભાઈ આસિફે જણાવ્યું કે, ‘હાલમાં અમે જે મકાન બનાવ્યું તેના હપ્તા પણ આરીફ જ ભરતો હતો. ભાઈ જેને મદદ કરતો તેની છેક સુધી કાળજી રાખતો હતો.’ પોતાના ઘરના વડીલોને પણ આ મુદ્દે પોતાની માતાને સમજાવે એવું કહેતો હતો.

મહંમદ આરીફની લગ્નની ઉંમર થવાને કારણે પરિવારના સભ્યો લગ્ન કરવા માટે કહેતા હતા. પણ તે માતાને કહેતો કે ‘હમણાં જે જગ્યાએ મારી ફરજ છે તે ખૂબ જ સંવેદનશીલ છે. એટલે મારે હમણાં લગ્ન નથી કરવા.’ મહંમદ આરીફના મામાનો બીજો પુત્ર મોહસિન પઠાણ પણ આર્મીમાં કારગીલ સેક્ટર પર ફરજ બજાવે છે. તેને જોઇને આરીફને પણ આર્મી જોઇન કરવાની ઇચ્છા થઇ હતી, અને તે મોહસિનના માર્ગદર્શનમાં જ તૈયાર થયો હતો.

આરીફને નિવૃત અધિકારીએ આપી શ્રદ્ધાંજલિ :

એક નિવૃત અધિકારીએ જણાવ્યું કે, મને જ્યારે વડોદરાનો જવાન ઉધમપુરમાં શહીદ થયો તેની જાણ થઇ ત્યારે મેં તુરત જ ઉધમપુર સેકટરના આર્મી અધિકારી સાથે વાત કરી હતી. એમણે જણાવ્યું કે, આવતીકાલે સાંજ સુધી વીર જવાનનો મૃતદેહ વડોદરા લવાશે તેવી શક્યતા છે.

જ્યાં આ ઘટના બની છે તે સ્થળે આર્મી દ્વારા સઘન તપાસ કરાશે અને પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કર્યા બાદ શહીદનો પાર્થિવ દેહ ખાસ એરક્રાફ્ટમાં દિલ્હી લવાશે. દિલ્હીથી એરઇન્ડિયાની ફ્લાઇટમાં શહીદનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ પૂરા માનસન્માન અને ઓનર સાથે અંતિમ વિધિ થશે.

એમણે આગળ જણાવ્યું કે એ શહીદના ઘેર પણ હું જવાનો છું. આતંકવાદીઓ સાથેની લડાઇમાં આપણો જવાન શહીદ થયો તે ઘટનાથી મને ખૂબ દુ:ખ થયું છે. કાશ્મીરના મોરચે એવી સ્થિતિ છે કે દુશ્મનને મારવામાં આપણે સફળ થઇએ તો જ આપણે બચી શકીએ છીએ. આપણા દેશ માટે ફરજ બજાવતો અને જાન ન્યોછાવર કરી દેનારો વીર કોઇનો ભાઇ તો કોઇનો પુત્ર તો કોઇનો પતિ કે પિતા હોય છે. એટલે બીજા નાગરિકોની ફરજ બને છે કે, શહીદને માત્ર શ્રદ્ધાંજલિ આપવા સુધી સીમિત ના રહે પણ હવે તેના પરિવારને કોઇ તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.

શહેરનો ત્રીજો જવાન કાશ્મીરના મોરચે શહીદ થયો છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, નવાયાર્ડ ડી કેબિન રોડનો આરીફ પઠાણ છેલ્લાં 4 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં અખનુર ખાતે ફરજ બજાવતો હતો. અને સોમવારે વહેલી સવારે કેરી બટ્ટલ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં તે જવાન શહીદ થયો હતો. તે અગાઉ 2009માં દિવાકર ફલ્ટનકર પણ જમ્મુ કશ્મીરમાં શહીદ થયા હતા.

આ ઉપરાંત 2011 માં સલાટવાડા વિસ્તારના દિપક પવાર પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. શહીદ દીપકનો ભાઈ વિજય પવાર જણાવે છે કે, મારો ભાઇ દીપક પવાર જમ્મુ કાશ્મીરમાં 2011 માં મચ્છલ સેકટર ખાતે 15 ફૂટ બરફમાં માઇનસ 25 ડિગ્રીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે આંતકીઓના ફાયરિંગમાં તે શહીદ થયો હતો.

ઘણી દુઃખદ વાત છે કે, શહીદોના પરિવારને પાછળથી કોઇ પૂછતું નથી :

શહીદ દિવાકરની માતા રમાબેન ફલ્ટનકર જણાવે છે કે, મારો પુત્ર દિવાકર ફલ્ટનકર 25 વર્ષની વયે બારામુલ્લાના જંગલોમાં આંતકવાદી સાથેની લડાઇમાં શહીદ થયો હતો. સરકાર શહીદ થાય ત્યારે જ પરિવારને યાદ કરે છે, પાછળથી કોઇ યાદ કરતું નથી.