ગુજરાતનું વઢવાણી મરચાનું અથાણું આખી દુનિયામાં વખણાય છે, ક્લિક કરી જાણી લો બનાવવાની રીત.

0
1559

આજે અમે તમારા માટે વઢવાણી મરચાનું અથાણું બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આમ તો વઢવાણી મરચા શિયાળામાં બહુજ સારી ક્વોલોટીના મળતા હોય છે, અને એનું અથાણું ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગતું હોય છે. અને આ વઢવાણી મરચાનું અથાણું બનાવવું પણ સરળ છે. તો ચાલો આજે જોઇએ કે વઢવાણી મરચાનું અથાણું કેવી રીતે બનાવાય છે. સૌથી નીચે તમે વિડીયોમાં પણ એ જોઈ શકો છો.

જરૂરી સામગ્રી : 250 ગ્રામ વઢવાણી મરચા (મરચા તાજા લેવાના), 4 લીંબુ, 1.5 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, 2 ટેબલ સ્પૂન હળદળ, 1/5 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન મીઠું. બનાવવાની રીત : આ અથાણું બનાવવા માટે સૌથી પહેલા તાજા મરચા લઈને એને પાણીમાં ધોઈ દેવાના છે. ત્યારબાદ તેને કોટનના કપડાં વડે સાફ કરી દેવાના છે. ત્યારબાદ તેને સાઈડમાંથી કાપી નાખવાના છે. મરચા એવી રીતે કાપવા કે જેથી આપણે એમાં હળદળ અને મીઠું ભરી શકીયે. ત્યારબાદ એક વાટકીમાં 1 ટેબલ સ્પૂન મીઠું લઈને તેમાં 1/5 ટેબલ સ્પૂન હળદળ મિક્ષ કરી લો. ત્યારબાદ કાપેલા મરચામાં આ મિક્ષ કરેલ હળદળ-મીઠું ભરી દો.

ધ્યાન રહે કે તેમાં થોડા પ્રમાણમાં જ હળદળ મીઠું ભરવાનું છે. એને વધુ દબાવીને નથી ભરવાનું. જો તમે એને વધારે ભરશો, તો જયારે તમે આ અથાણું ખાશો ત્યારે એ ખારું લાગશે. મરચા કોરા હોવાના કારણે જો મરચામાં વધારે પ્રમાણમાં ભરાય જાય ત્યારે તમે તેને ખંખેરીને તેને કાઢી પણ શકો છો. આ રીતે બધા મરચામાં હળદળ-મીઠું ભરી દેવાનું છે. ત્યારબાદ આ મરચાને કોઈ સ્ટીલની તપેલી અથવા કોઈ વાસણ લઈને હલાવીને મિક્ષ કરી લો. ત્યારબાદ તેના ઉપર કંઈક ઢાંકીને 5 થી 6 કલાક અથવા આખી રાત મૂકી રાખો.

સમય પૂર્ણ થયા બાદ તેને પાછું એક વાર હલાવી દો. જે હળદળ અને મીઠું નાખેલ હતું તેનું પાણી થઇ જશે અને મરચા પણ થોડા સોફ્ટ થઇ ગયા હશે. ત્યાર બાદ એક કોટનનું કપડું લઈને તેના નીચે પેપર જેવું મૂકી દો જેથી નીચેની સપાટી ખરાબ ન થાય. પછી તે કોટનના કપડાં ઉપર મરચા પાથરી દેવાના છે. હળદળ અને મીઠામાં મરચા નાખ્યા પછી, તેમાં અમુક મરચા જ્યાંથી કાપવામાં આવેલ હોય ત્યાં કોફી કલર જેવું દેખાય, તેવા મરચાને સાઈડમાં મૂકી દો. કારણ કે તે મરચા જલ્દીથી ચીકણાં થઇ જતા હોય છે, તેથી તેને ઉપયોગમાં ન લેવા. મરચાને પાથરી દીધા બાદ જે કોફી કલરના જે મરચા સાઈડમાં મુકેલા છે તે ફેંકવા કરતા ખાવામાં ઉપયોગમાં લઇ શકો છો. તે ખાવામાં સારા લાગતા હોય છે. તેમજ પાથરેલા મરચાને એક કલાક સુકાવા દેવાના છે. પણ તેને પંખાની નીચે નથી રાખવાના, એ એની જાતે જ સુકાઈ જશે. હવે 1.5 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવું. અને એક વાસણમાં 1 ટેબલ સ્પૂન રાઈના કુરિયા લઈ લેવા તેમાં 1/5 ટેબલ સ્પૂન હળદળ અને 1/5 ટેબલ સ્પૂન હિંગ મિક્ષ કરો.

ત્યારબાદ જે તેલ ગરમ કરવા મુકેલું છે, તેમાં એક રાઈનો દાણો નાખી ચેક કરી લો કે, તે રાઈનો દાણો ધીરે ધીરે ઉપર આવે છે કે નહિ. આ અથાણાં માટે રાઈનો દાણો ધીમે ધીમે ઉપર આવે તેવું તેલ જોઈશે, અને આ કામ માટે તેલને વધારે ગરમ નથી કરવાનું. તેલને તમે ગેસ પરથી ઉતારી લો. પછી તેને ચેક કરવા માટે તેની થોડી ઉપર હાથ રાખશો, તો તેની વરાળનો અનુભવ થશે. એ વરાળ ઓછી થયા બાદ જ તેને કુરિયામાં નાખવાનું છે.

જો તમે વધારે ગરમ તેલ આમાં ઉપયોગ કરશો, તો પણ અથાણું ચીકણું થઇ જશે. તેલ નાખ્યા બાદ તેને એકવાર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં મરચા નાખવા છે અને તેને મિક્ષ કરી લેવાના છે. મિક્ષ કર્યા બાદ તેમાં લીંબુ નાખવાના છે. તેમાં એક લીંબુના 8 ટુકડા કરીને તેમાં નાખવાના છે, અને બાકીના 3 લીંબુનો રસ તેમાં નાખવાનો છે. અને ફરી તેને મિક્ષ કરવાનું છે.

આટલું કર્યા બાદ તેને ઢાંકીને એક દિવસ રહેવા દઇશું. એક દિવસ રાખ્યા બાદ કુરિયા ફૂલી ગયેલા હશે, અને તેલ પણ સોસાઈ ગયું હશે. હવે આપણું વઢવાણી મરચાનું અથાણું ઉપયોગ કરવા પાત્ર થઇ ગયું છે. રાઈના કુરિયને ચડતા વાર ન લાગે તેથી તમે એને એક થી બે દિવસમાં ખાવામાં ઉપયોગમાં લઇ શકો છો, અને તમે એને એરટાઈટ ડબ્બામાં અથવા કાચની બોટલમાં ભરીને ફ્રિઝમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી ઉપયોગમાં લઇ શકો છો. ત્યારબાદ તે બગડી શકે છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ

જુઓ વિડિઓ :