અધૂરા પ્રેમ અને ટ્રેનની સફરની આ સ્ટોરી વાંચીને કેટલાયના દિલ રડી પડશે, છેલ્લે સુધી વાંચજો.

0
363

ટ્રેન ઉપડવાની જ હતી કે અચાનક કોઈ જાણીતો ચહેરો જનરલ ડબ્બામાં આવી ગયો. હું એકલી પ્રવાસ કરી રહી હતી. બધા અજાણ્યા ચહેરા હતા. સ્લીપરની ટીકીટ ન મળી તો જનરલ ડબ્બામાં જ બેસવું પડ્યું. પણ અહિયાં એવી પરિસ્થિતિમાં તે વ્યક્તિને મળવું જીવન માટે એક સંજીવની સમાન હતું. જીવન પણ દુર્ભાગ્યવશ ક્યારેક ક્યારેક એવી સ્થિતિ ઉભી કરી દે છે, એવી પરિસ્થિતિ સામે સામનો કરાવી દે છે જેની કલ્પના તો શું વિચાર પણ નથી કરી શકતા.

તે આવ્યો અને મારી નજીક ખાલી જગ્યા ઉપર બેસી ગયો. ન મારી તરફ જોયું, ન ઓળખવાનો પ્રયત્ન કર્યો, થોડા ઇંચનું અંતર રાખીને ચુપ ચાપ પાસે આવીને બેસી ગયો. બહાર રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ હતો. તે કારણે તે થોડો પલળી ગયો હતો. મેં ત્રાંસી નજરથી તેને જોયો. ઉંમરના આ પડાવ ઉપર પણ એવોને એવો હતો. હા થોડો જાડો થઇ ગયો હતો. પણ એટલો વધુ પણ નહિ. પછી તેણે ખિસ્સા માંથી ચશ્મા કાઢ્યા અને મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો.

ચશ્મા જોઈને મને થોડું આશ્ચર્ય થયું. ઉંમરનું તે એક જ નિશાન તેની ઉપર જોવા મળ્યું હતું કે આંખો ઉપર ચશ્મા આવી ગયા હતા. ચહેરા ઉપર અને માથા ઉપર મેં સફેદ વાળ શોધવાનો પ્રયત્ન કર્યો પણ મને ન દેખાયા.

મેં ઝડપથી માથા ઉપર સાડીનો છેડો નાખી દીધો. મારા વાળને ડાઈ કર્યાના ઘણા દિવસો થઇ ગયા હતા. મારા માથા ઉપર સફેદ વાળ વધુ તો ન હતા. પણ એટલા જરૂર હતા કે ધ્યાનથી જુવો નજરે ચડી જાય.

હું ઉઠીને બાથરૂમ ગઈ. હેન્ડ બેગમાંથી ફેસવોશ કાઢી તેનાથી ચહેરાને સારી રીતે ધોયો પછી અરીસામાં ચહેરો ધ્યાનથી જોયો. ગમ્યો તો નહિ પણ વિચિત્ર એવું મોઢું બનાવીને મેં અરીસો પાછો બેગમાં મુક્યો અને પાછી મારી જગ્યા ઉપર આવી ગઈ. પણ તે સાહેબ તો બારી તરફથી મારી બેગ હટાવીને પોતે બારી પાસે બેસી ગયા હતા.

મને સારી રીતે જોઈ પણ નહિ. બસ જોયા વગર જ કહ્યું, સોરી દોડીને ચડ્યો તો પરસેવો આવી ગયો હતો. થોડો સુકાઈ જાય પછી ફરી મારી જગ્યા ઉપર બેસી જઈશ. પછી તે તેના મોબાઈલમાં લાગી ગયો. મારી ઈચ્છા જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. તેની એ વાત હંમેશા મને ખરાબ લાગતી હતી. છતાં પણ ન જાણે તેનામાં એવું શું હતું કે આજ સુધી હું તેને નથી ભૂલી. અને એક એ હતો કે થોડા વર્ષમાં જ મને ભૂલી ગયો. મેં વિચાર્યું કદાચ અત્યાર સુધી ધ્યાન ન આપ્યું. ઓળખી લેશે. હું થોડી જાડી થઇ ગઈ છું કદાચ એટલા માટે ન ઓળખી હોય. હું ઉદાસ થઇ ગઈ.

જે વ્યક્તિને જીવનમાં હું ક્યારેય ભૂલી નથી શકી તેને મારો ચહેરો જ યાદ નથી. સ્ત્રીઓ અને છોકરીઓને જોયા કરવાની તેની ટેવ નથી પણ તે પરિચિતને ઓળખે પણ નહિ એવું કેમ બને. તે પરણિત છે. હું પણ પરણિત છું. અને જાણતી હતી તેની સાથે રહેવું મુશ્કેલ છે, પણ તેનો અર્થ એ તો નથી કે મારા સપનાને જીવવાનું છોડી દઉં.

એક ઈચ્છા હતી કે થોડી ક્ષણ ખુલીને તેની સાથે પસાર કરું. આજે તે વ્યક્તિ મારી પાસે બેઠો હતો જેને સ્કુલના સમયથી મેં મનમાં સમાવી લીધો હતો. સોશિયલ મીડિયા ઉપર તેના બધા એકાઉન્ટ ચોરી છુપીથી જોયા કરતી હતી. તેની દરેક કવિતા, દરેક શાયરીમાં હું મારી જાતને શોધતી રહેતી હતી. તે તો આજે ઓળખતો પણ નથી. જાણે કે અમારા લોકોમાં ક્યારેક પ્રેમના કુંપળ જ નથી ફૂટ્યા. ન ક્યારેય અહેસાસ થયો. હા તે હંમેશા મારી કેયર કરતો હતો, અને હું તેની કેયર કરતી હતી.

કોલેજ પછી તો મારા લગ્ન થઇ ગયા અને તે આર્મીમાં જતો રહ્યો. પછી તેના લગ્ન થયા. જયારે પણ ગામ ગઈ ત્યારે તેના સંપૂર્ણ સમાચાર લેતી આવતી હતી. બસ એમ જ જીવન પસાર થઇ ગયું.

અડધા કલાકથી ઉપર થઇ ગયો. તે આરામથી બારી પાસે બેસીને મોબાઈલમાં લાગી ગયો હતો. જોવાનું તો દુર ચહેરો ઉપર પણ નહોતો કરતો. હું ક્યારેક મારા મોબાઈલમાં જોતી ક્યારેક તેની તરફ. સોશિયલ મીડિયા ઉપર તેના એકાઉન્ટ ખોલીને જોયા. ફોટો મળ્યો. તે હતો. પાકું તે જ હતો. કોઈ શંકા ન હતી. આમ પણ અમે મહિલાઓ ઓળખવામાં ક્યારેય છેતરાતી નથી. 20 વર્ષ પછી પણ માત્ર આંખોથી ઓળખી લઈએ.

પછી થોડો વધુ સમય પસાર થયો. વાતાવરણ એવુને એવું હતું. પછી અચાનક ટીટી આવી ગયા. બધા પાસે ટીકીટ માંગી રહ્યા હતા. મેં મારી ટીકીટ દેખાડી દીધી. ટીટીએ તેને પૂછ્યું તો તેણે કહ્યું મારી પાસે ટીકીટ નથી.

ટીટી બોલ્યા, ફાઈન લાગશે.

તે બોલ્યો લગાવી દો.

ટીટીએ પૂછ્યું ક્યાંની ટીકીટ બનાવું?

તેણે તરત જવાબ ન આપ્યો. મારી તરફ જોવા લાગ્યો. હું કાંઈ સમજી નહિ. તેણે મારા હાથમાં રહેલી ટીકીટને ધ્યાનથી જોઈ અને પછી ટીટીને કહ્યું, કાનપુર.

ટીટીએ કાનપુરની ટીકીટ બનાવી દીધી અને પૈસા લઈને જતા રહ્યા.

તે ફરીથી મોબાઈલમાં તલ્લીન થઇ ગયો. છેવટે મારાથી ન રહેવાયું. મેં પૂછી જ લીધું, કાનપુરમાં ક્યાં રહો છો?

તે મોબાઈલમાં નજર રાખીને જ બોલ્યો, ક્યાય નહિ.

તે ચૂપ થઇ ગયો તો હું ફરી બોલી, કોઈ કામથી જઈ રહ્યા છો.

તે બોલ્યો, હા.

હવે હું ચુપ થઇ ગઈ. તે અજાણ્યાની જેમ વાત કરી રહ્યો હતો અને અજાણ્યાને કેવી રીતે પૂછી લઉં શું કામે જઈ રહ્યા છો?

થોડી વાર ચુપ રહ્યા પછી ફરી મેં પૂછી જ લીધું, ત્યાં કદાચ તમે નોકરી કરતા હશો?

તેણે કહ્યું, નહિ.

મેં ફરી હિંમત કરીને પૂછ્યું, તો કોઈને મળવા જઈ રહ્યા છો?

તેણે ફરી ટૂંકો જવાબ આપ્યો, નહિ.

છેવટે જવાબ સાંભળીને મારી હિંમત ન થઇ કે બીજું પણ કાંઈ પૂછું. વિચિત્ર માણસ હતો. કામ વગર પ્રવાસ કરી રહ્યો હતો. હું મોઢું ફેરવીને મારા મોબાઈલમાં લાગી ગઈ.

થોડી વાર પછી પોતે જ બોલ્યો, એ પણ પૂછી લો કેમ જઈ રહ્યો છું કાનપુર?

મારા મોઢામાંથી તરત નીકળ્યું, જણાવો કેમ જઈ રહ્યા છો? પછી મારી ઉતાવળ ઉપર મને શરમ આવી ગઈ.

તેણે થોડા હાસ્ય સાથે કહ્યું, એક જૂની દોસ્ત મળી ગઈ. જે આજે એકલી પ્રવાસ ઉપર જઈ રહી હતી. ફોજી માણસ છું. રક્ષણ કરવું મારું કર્તવ્ય છે. એકલી કેમ જવા દઉં. એટલા માટે તેને કાનપુર સુધી છોડવા જઈ રહ્યો છું. એટલું સાંભળીને મારું દિલ જોરથી ધબક્યુ. હું નોર્મલ ન રહી શકી. પણ મનની લાગણીઓને દબાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરીને મેં હિંમત કરીને ફરી પૂછ્યું, ક્યાં છે તે દોસ્ત?

તે ફરીથી હસીને બોલ્યો, તે મારી પાસે બેઠી છે ને.

એટલું સાંભળીને મને બધું સમજાઈ ગયું કે કેમ તેણે ટીકીટ ન લીધી. કેમ કે તેને ખબર તો હતી જ નહિ કે હું ક્યાં જઈ રહી છું. માત્ર અને માત્ર મારા માટે દિલ્હીથી કાનપુરની મુસાફરી કરી રહ્યો છે. જાણીને એટલી ખુશી મળી કે આંખોમાં આંસુ આવી ગયા.

મનમાં એક ગોળો બન્યો અને ફાટી ગયો. છેલ્લે આંખો તો ભીની થવાની જ હતી.
તે બોલ્યો – રડી કેમ રહી છે?

હું બસ એટલું જ કહી શકી – તમે પુરુષ છો, નહિ સમજી શકો.

તે બોલ્યો કેમ કે, થોડું ઘણું લખી લઉં છું એટલા માટે એક કવિ અને લેખક પણ છું. બધું સમજી શકું છું.

મેં મારી જાતને સંભાળીને કહ્યું, આભાર મને ઓળખવા માટે. અને મારા માટે આટલો સમય કાઢવા માટે.

તે બોલ્યો પ્લેટફોર્મ ઉપર એકલી ફરી રહી હતી. કોઈ સાથ આપતું જોવા મળતું ન હતું. કાલે જ રક્ષાબંધન હતી. એટલા માટે ભીડ છે. તારે આમ એકલા પ્રવાસ ન કરવો જોઈએ.

શું કરું તેમને રજા નથી મળતી. અને મારા ભાઈ અહિયાં દિલ્હીમાં આવીને વસી ગયા. રાખડી બાંધવા તો આવવાનું જ હતું. મેં મજબુરી દર્શાવી.

એવા ભાઈઓને રાખડી બાંધવા આવી છું જેને એ પણ ચિંતા નથી કે બહેન આટલી લાંબી મુસાફરી એકલી કેવી રીતે કરશે?

મારા ભાઈ લગ્ન પછી પહેલા વાળા ભાઈ રહ્યા જ નથી. ભાભીના થઇ ગયા. મમ્મી પપ્પા નથી રહ્યા. આટલું કહી કહી હું ઉદાસ થઇ ગઈ.

પછી તે બોલ્યો, તો પતિએ તો સમજવું જોઈએ ને.

તેનું ખુબ વ્યસ્ત જીવન છે, હું વધુ ડીસ્ટર્બ નથી કરતી. અને આજકાલ એટલું જોખમ પણ નથી રહ્યું. હું એકલી જ મુસાફરી કરી લઉં છું. તું તારા વિષે જણાવ કેમ છો?

સારો છું. જીવન પસાર થઇ રહ્યું છે.

મારી યાદ આવતી હતી? મેં હિંમત કરીને પૂછ્યું.

તે ચુપ થઇ ગયો.

કાંઈ ન બોલ્યો તો હું ફરી બોલી, સોરી એમ જ પૂછી લીધું. હવે તો મોટા થઇ ગયા છીએ, કરી શકીએ છીએ એવી વાતો.

તેણે શર્ટની બાયના બટન ખોલીને હાથમાં પહેરેલુ તે તાંબાનું કડું દેખાડ્યું જે મેં તેને ફ્રેંડશીપ ડે ઉપર તેને આપ્યું હતું. કહ્યું યાદ તો નથી આવતી પણ આ તારી યાદ અપાવતું રહે છે.

કડું જોઈને મનને ઘણી શાંતિ મળી. મેં કહ્યું ક્યારેય સંપર્ક કેમ ન કર્યો?

તે બોલ્યો, ડીસ્ટર્બ કરવા માંગતો ન હતો. તારું પોતાનું જીવન છે અને મારું પોતાનું જીવન છે.

મેં ડરતા ડરતા પુછુયું તમને સ્પર્શી લઉં.

તે બોલ્યો પાપ નહિ લાગે?

મેં કહ્યું નહિ સ્પર્શ કરવાથી નથી લાગતું. અને પછી હું કાનપુર સુધી તેનો હાથ પકડીને બેસી રહી. ઘણી બધી વાતો થઇ.

જીવનનો એક એવો યાદગાર દિવસ જેને છેલ્લા શ્વાસ સુધી નહિ ભૂલી શકું. તે મને સુરક્ષિત ઘરે મૂકી ગયો. રોકાયો નહિ. બહારથી જ જતો રહ્યો. જમ્મુમાં તેની ડ્યુટી એટલે તરત જ જતો રહ્યો. ત્યાર પછી તેની સાથે ક્યારેય વાત ન શકી. કેમ કે અમે બંનેએ એક બીજાના ફોન નંબર લીધા ન હતા.

આમ તો અમારા વચ્ચે ક્યારે પણ અનૈતિક કાંઈ પણ બન્યું નથી. એક પવિત્ર એવો સંબંધ હતો. પણ સંબંધોની ગરિમા જાળવી રાખવી જરૂરી હતી. પછી બરોબર એક મહિના પછી મેં છાપામાં વાંચ્યું કે તે દેશ માટે શહીદ થઇ ગયો. શું વીત્યું હશે મારી ઉપર તેનું વર્ણન નથી કરી શકતી. તેના પરિવાર ઉપર શું વીત્યું હશે તેની કલ્પના પણ ના કરી શકાય.

લોક લાજના ડરથી હું તેના અંતિમ દર્શન પણ ન કરી શકી.

આજે તેને મળ્યાને એક વર્ષ થઇ ગયું છે. આજે પણ રક્ષાબંધનનો બીજો દિવસ છે. આજે પણ પ્રવાસ કરી રહી છું. દિલ્હીથી કાનપુર જઈ રહી છું. જાણી જોઈને મેં જનરલ ડબ્બાની ટીકીટ લીધી છે. એકલી છું. ન જાણે મન કેમ આશા લગાવીને બેઠું છે કે આજે તે ફરી આવશે અને પરસેવો સૂકવવા માટે તે બારી પાસે બેસશે.

એક પ્રવાસ એ હતો જેમાં કોઈ હમસફર હતો. અને એક સફર આજે છે જેમાં તેની યાદો હમસફર છે. બાકી જીવનનો પ્રવાસ ચાલુ છે. જોઈએ કોણ મળે છે અને કોણ સાથ છોડે છે.