એક સત્ય ઘટના : ફૂટપાથ પર સેવા કરતા આ દિલદાર વ્યક્તિને અમારી ૨૧ તોપોની સલામ

0
3959

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે માણસાઈની એક સત્ય ઘટના લઈને આવ્યા છીએ. જે વાંચીને તમે પણ કહેશો કે માણસ હોય તો આવા.

વાત છે અમદાવાદના અંકિતાબહેનની, જેમના દીકરા રમ્યને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે. જયારે મુંબઈના ખ્યાતનામ ઓર્થોપેડિક ડોક્ટરે અંકિતાબહેનને એમના દીકરાના આ રોગ વિષે જણાવ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એમણે એનો તો ઈલાજ કરાવ્યો પણ એના બંને પગની અક્કડતા સુધારવા માટે આ ડોક્ટરે એમના દીકરા માટે એક ખાસ પ્રકારના બુટ બનાવવાની સલાહ આપી.

ડોકટરે એમને કહ્યું કે તમારે તમારા દીકરાના પગની કસરત શરુ રાખવાની રહેશે અને 6 મહિના પછી ચેકઅપ કરાવવા આવવું પડશે. અને એના ખાસ પ્રકારના બુટ તમારે અહીં મુંબઈમાં બનાવરાવવા પડશે. કારણ કે મને બીજા કોઈ બુટ બનાવનાર પર ભરોષો નથી.

અંકિતાબહેન જે ડોક્ટર પાસે પોતાના દીકરાના ઈલાજ માટે ગયા હતા તે ઘણા જ પ્રખ્યાત ડોક્ટર છે. એમનું નામ આખા દેશમાં પ્રખ્યાત છે. એમની એક વખતની ફી 3000 રૂપિયા છે અને તે એક દર્દી પાછળ ફક્ત 5 મિનિટ જેટલો સમય આપે છે. જો તમે પણ કદાચ મુંબઈ કોઈની સારવાર માટે ગયા હોવ તો તમને આ ડોક્ટરોની આટલી વધારે ફી ની માહિતી હશે. એની પાછળ ત્યાંનું જીવનધોરણ, મોંઘવારી અને ઊંચા દુકાન ભાડા રહેલા છે.

એ ડોક્ટરની ફી ચૂકતે કરીને અંકિતાબહેન તે બુટ બનાવનારની દુકાને ગયા. ત્યાં તેમણે પોતાના દીકરા માટે ખાસ પ્રકારના બુટ બનાવવા માટે માપ આપ્યું. માપ મેળવ્યા પછી બુટ બનાવનારે કહ્યું કે બે દિવસ પછી લઇ જજો. અંકિતાબહેને પૂછ્યું આનું કંઈ આપવાનું છે? દુકાનદારે કહ્યું 5000 રૂપિયા થશે, અને પેમેન્ટ પહેલા કરવું પડશે, પછી જ એના પર કામ શરુ થશે.

અંકિતાબહેન મધ્યમવર્ગના પરિવાર માંથી હતા, જે પૈસા એમના પર્સમાં હતા એ ડોક્ટરને આપી દીધા હતા. બુટની ચુકવણી માટે એમણે બચત કરીને ખાતામાં સાચવેલા પૈસા વાપરવાનો નિર્ણય કર્યો. એટીએમથી એમણે બુટના પૈસાની ચુકવણી કરી અને મુંબઈમાં રહેતી એમની બહેનપણીના ઘરે જતા રહ્યા. કારણ કે હોટલમાં રહેવું પોસાય એમ હતું નહિ. પોતાના ત્રણ વર્ષના દીકરા રમ્યને લઈને તે ઘણી ચિંતીતી હતી. એને સેરેબ્રલ પાલ્સીની બીમારી હતી. એના મગજમાં કે એની વિચારશક્તિમાં કોઈ નુકશાન ન હતું, પણ એના પગના સ્નાયુઓમાં અક્કડતા આવી ગઈ હતી.

જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંથી એક ડોક્ટર મુંબઈમાં પણ હતા. એનું નામ સાંભળીને જ અંકિતાબહેન એમની પાસે દીકરીના ઈલાજ માટે ગયા હતા. એના ઈલાજ માટે આ ડોક્ટરે રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું, અને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યયું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી તેના પગના સ્નાયુઓ શિથિલ બની જશે. પછી બાકીનું કામ ફિઝિયોથેરાપી અને પેલા ખાસ બનાવટ વાળા બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.

આ પ્રકારની સારવારનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે. આ સારવાર કરાવીને તે પેલા બુટ લઈને પાછા અમદાવાદ આવી ગયા. ત્યારબાદ તે પોતાના દીકરા માટે ફિઝિયોથેરાપીમાં રોજ દોઢથી બે કલાકનો સમય આપવા માંડ્યા. અંકિતાબહેનના પતિની આવક પણ મર્યાદિત હતી, અને સારવાર પાછળ ખર્ચ અમર્યાદિત હતો.

અંકિતાબહેનના અમદાવાદ આવ્યાને માંડ મહિના જેટલો જ સમય થયો હતો કે બીજી મુશ્કેલી આવીને ઉભી રહી ગઈ. તેમનો દીકરો આખો દિવસ આ બુટ પહેરતો હતો, જેથી એના તળિયા ઘસાઈ ગયા હતા. એના નિવારણ માટે એમના પતિએ મુંબઈ બુટ બનાવનારને ફોન કર્યો, તો એમણે કહ્યું કે એમાં નવા સોલ નાખવા પડશે. અને જો બૂટને વધારે નુકશાન થયું હોય તો ફરીથી નવા બુટ બનાવવા પડશે. એના માટે એમણે ફરીથી ખર્ચ કરવો પડશે.

એ સમય દરમ્યાન કોઈએ એમને માહિતી આપી કે અમદાવાદમાં એક મોચી છે, જે છે નાનો માણસ પણ કારીગર જબરો છે. એ ફૂટપાથ પર બેસીને બુટ ચપ્પલ સીવવા અને પોલિશ કરવાનું કામ કરે છે. મોટા મોચી પાસે જાવ એના કરતા એની પાસે જશો તો તમારું કામ ઓછા ખર્ચમાં પૂરું થઈ શકે છે.

એટલે અંકિતાબહેન એ બૂટ લઈને એમને મળેલા સરનામાં પર પહોંચી ગયા. ત્યાં એમણે જોયું કે 35 વર્ષનો એક લઘરવઘર માણસ ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને પગરખા રિપેર કરવાનો સરંજામ લઈને બેઠેલો હતો. કારીગર હોશિયાર હોવાથી એની આગળ ગ્રાહકોની લાઈન લાગી હતી. અંકિતાને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, આવો બહેન લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો તમે શું લઈને આવ્યાં છો? અંકિતાએ થેલીમાંથી બૂટ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, અને બોલ્યો દીકરો કે દીકરી? અંકિતાબહેન બોલ્યા દીકરો છે.

પછી બુટને હાથમાં લઈને એ કારીગર બોલ્યો કે તળિયાં ઘસાઈ ગયા છે ને? શું કરીએ આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરતા. આજે બૂટ મૂકતાં જાવ અને આવતી કાલે લઈ જજો. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને એની જગ્યાએ ચામડાના નવા સોલ લગાડી દઈશ. આ કામ ઘણું મહેનત માગી લે તેવું છે, એટલા માટે મેં એક દિવસનો સમય આપો. અને હા તમારા દીકરાને થઈ એવી બીમારીવાળા બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે. તમે ફિકર ન કરો.

એ મોચી પાસે સમય ઓછો હોવા છતાં પણ એને ઝડપથી બૂટને નવા જેવા કરી દીધા. અંકિતાબહેન બીજા દિવસે મોચીના જણાવેલા પહોંચી ગયા. ત્યાં પહોચતા પહેલા તેમના મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, કે આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ. એમણે એને બુટ રીપેર કરવાના ખર્ચ વિષે પૂછ્યું. અને જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું. ના બેન આ કામ માટેનો હું એક પણ પૈસો નથી લેતો. ત્યારે એમને ઝાટકો લાગ્યો.

મોચીએ કહ્યું કે આખા અમદાવાદમાં મારી આ જ મોનોપોલી છે. અને જો તમારો ખૂબ આગ્રહ હોય તો ફી પેટે આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા દીકરાને પણ લેતાં આવજો. કારણ કે મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું.

થોડા સમય પછી એક દિવસ અંકિતા ફરી વખત જ્યારે બૂટના સમારકામ માટે દિનેશભાઈ પાસે ગયા ત્યારે દિનેશભાઈ ત્યાં ન હતા. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠેલો હતો. અંકિતાનો ચહેરા જોઈને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. ત્યાં વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. જેના પર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી. પેલા યુવાને એમને કહ્યું કે એ મારા કાકા હતા. જે આજથી વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા છે. તે સાઇકલ પર ક્યાંક જઈ રહ્યા હતા અને પાછળથી બસ ધસી આવી, જેથી કાકા ચગદાઈ ગયા.

ત્યારબાદ એ અંકિતાબહેનને બોલ્યો તમે નિરાશ ન થશો બેન. તમારાં દીકરાના બૂટ હું રિપેર કરી આપીશ. દિનેશકાકા આ કામ મને શીખવતા ગયા છે. અંકિતાબહેનના ચહેરા પર એક અજીબ રેખા હતી, તે કશું બોલી ન શકી અને તેને થેલીમાંથી બૂટ કાઢીને યુવાનના હાથમાં મૂકી દીધાં. હવે જ્યારે તે બીજા દિવસે પાછી આવી તો બૂટ એક દમ નવાં બની ગયા હતા. અંકિતાબહેને પર્સ ખોલીને પૈસા કાઢતા એ યુવકને પૂછ્યું કે કેટલા રૂપિયા આપું?

આ સાંભળી યુવક બોલ્યો, એક પણ નહીં. દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. અમે જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો. એકવાર ફરી અંકિતાબહેનની આંખો ભીની બની ગઈ. અંકિતાને સમજાઈ ગયુ કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. આ ફૂટપાથ પર બેઠલો મોચી પણ મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે.