આ વેકેશનમાં જાવ માઉન્ટઆબુ પરની આ 7 ફરવા લાયક જગ્યાઓ પર, પ્રવાસમાં જલસો પડી જશે બાપુ

0
2757

પ્રવાસે જવાનું કોને ન ગમે. બધા રજાઓ પડતા પહેલા જ ફરવા જવાનું મન બનાવી લે છે. મિત્રો અને ફેમેલી સાથે ફરવાની મજા જ કઈંક અલગ હોય છે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા ફરવા લાયક સ્થળો છે કે ત્યાં જઈને દિલ ઝૂમી ઊઠે છે. આજે અમે તમને પ્રવાસ માટે ફરવા લાયક સ્થળ વિષે થોડી માહિતી આપીશું જેથી તમે તમારો પ્રવાસ યાદગાર બનાવી શકો.

તમારે ગુજરાતની બહાર ફરવા જવું છે અને વધારે દૂર પણ નથી જવું, તો તમે રાજસ્થાનમાં આવેલ એક પર્વતીય સ્થળ માઉન્ટ આબુ જઈ શકો છો. તે ગુજરાતથી વધારે દૂર નથી. મિત્રો માઉન્ટ આબુ ભારતની અરવલ્લી ગિરી માળાઓમાં આવેલું છે, અને ત્યાંનો સૌથી મોટો પર્વત માઉન્ટ આબુ છે. માઉન્ટ આબુ ઘણું જ સુંદર હિલ સ્ટેશન છે. ઐતિહાસીક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું હતું. જો તમે પણ ક્યારેક આ જગ્યા પર ફરવા માટે જાવ તો અહીં આવેલી આ ૭ જગ્યા પર જવાનું ભૂલતા નહીં.

૧. દિલવાડા જૈન દેરાસર :

નામ પરથી જ તમે જાણી ગયા હશો કે અહીં જૈન લોકોનો ખાસ વસવાટ હશે. અને અહીંના દેરાસરમાં 11 મી અને 13 મી સદીની કલાકૃતિઓ છે. જે ખુબ સુંદર છે. અહીંયા 5 સંગેમરમરના દેરાસર છે અને અદ્દભુત કલા-કૃતિઓ છે. દેરાસરોની કલાકૃતિઓ અને સુંદરતા જોવા માટે પર્યટકો અહીંયા મોટી સંખ્યામાં આવે છે.

૨. ગુરુ શિખર :

માઉન્ટ આબુનો સૌથી ઊંચો ભાગ છે આ ગૂરુ શીખર. માઉન્ટ આબુથી 15 કિલોમીટર દૂર અરવલ્લી પર્વતમાળામાં જ આ સૌથી ઊંચો પોઇન્ટ છે. અહીં એક મંદિર છે. અહીં તમને સંપૂર્ણ શાંતિનો અનુભવ કરશો. અહીં ગુરુ દત્તાત્રેયનું સૌથી પ્રાચીન મંદિર છે. મંદિરમાં રહેલી દિવ્ય મૂર્તિ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે. આ પર્વત પર અન્ય મંદિર જેવા કે શિવ મંદિર, મીરા મંદિર અને ચામુંડી મંદિર પણ છે.

૩. નક્કી લેક :

નક્કી લેક એક રમણીય સ્થળ છે. એના વિષે એવી માહિતી મળે છે કે પ્રાચીન કાળમાં રસિયા બાલમ નામના વ્યક્તિએ આ લેકનું પોતાના નખ વડે નિર્માણ કર્યુ હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસિયા બાલમ પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયા હતા, ત્યારે તેમને ત્યાંની રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો હતો.

એવામાં તે રાજકન્યાના પિતાએ એમની સમક્ષ એ શરત રાખી કે, જો તે પોતાના નખોથી એક જ રાતમાં તળાવનું નિર્માણ કરી શકશે તો એના લગ્ન તે પોતાની દીકરી સાથે કરાવશે. અહીંનું નક્કી લેક એક જોવા અને ફરવા લાયક સુંદર સ્થળ છે. અહીં લોકો બોટિંગ કરવા માટે આવે છે. ગરમીની ઋતમાં અહીં લોકો વધારે સંખ્યામાં ફરવા આવે છે.

૪. ટોડ રોક :

નક્કી લેકની સામે તમને એક દેડકાના આકારનો વિશાળ પત્થર જોવા મળશે. એ પથ્થરને જોતા તમને એવું લાગશે કે હમણાં જ આ પથ્થરનો દેડકો ડ્રાંઉ ડ્રાંઉ કરતો તળાવમાં કુદી પડશે. અહીં નજીકમાં જ એક બીજો એવો પથ્થર છે જેને નન રોકના નામથી ઓળખવામાં આવે છે. આ પથ્થર કોઈ ક્રિસ્ટિયન નન પ્રાર્થના કરતી હોય એવો દેખાય છે. ટોડ રોક એક સેલ્ફી પોઇન્ટ બની ગયો છે.

૫. મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી :

માઉન્ટ આબુમાં આવેલું મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી ઇતિહાસ વિષે જાણવા માંગતા લોકો માટે સારી જગ્યા છે. માઉન્ટ આબુ ફરવાનો પ્લાન બનાવો તો આ મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીને જોવાનું ચુકતા નહિ. અહીં રાજભવનમાં અલગ અલગ પ્રકારની આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ પણ છે.

૬. સનસેટ પોઇન્ટ (Sun Set Point) :

સન સેટ પોઇન્ટનો નજારો અત્યંત રમણીય હોય છે. તમે જયારે પણ આબુના પ્રવાસે જાવ તો અહીંનું મન લોભાવનારું દ્રશ્ય જોવાનું ભુલતા નહીં. આબુમાં પ્રવાસીઓ સવારે અને સાંજના સમયે તે જોવા લાયક કુદરતી સૌંદર્ય છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદયને જોવા માટે આવે છે. તમારા પ્રવાસના સ્થળની યાદીમાં આ નામ પણ ઉમેરી દો.

૭. અચલગઢ :

તમે માઉન્ટ આબુના પ્રવાસે જાવ છો તો ત્યાંથી ઉત્તર દિશા તરફ અચલગઢના પહાડો આવેલા છે. અહીં શંભુ ભોળા બિરાજમાન છે. આ એક માત્ર એવું હિલ સ્ટેશન છે જ્યાં શંકરના ઘણા પ્રાચીન મંદિર છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર વારાણસી શિવની નગરી છે અને માઉન્ટ આબુ ભગવાન શંકરની ઉપનગરી છે.

અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલું છે. અહીં ભગવાન શિવના પગના અંગુઠાનું નિશાન છે, જેની પૂજા કરવામાં આવે છે. તેમજ અહીં પિત્તળ માંથી બનેલ વિશાળ નંદી છે.