ટાઈટેનિક જેવી જ ગોઝારી દુર્ઘટના સોરઠના દરિયામાં પણ સર્જાઈ હતી, જેના પરથી લખાયું છે પ્રખ્યાત ગુજરાતી લોકગીત.

0
358

તમે બધાએ ટાઈટેનિક ફિલ્મ જોઈ હશે. તેમાં એક જહાજ મધદરિયે ડૂબી જાય છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકોના જીવ ગયા હતા. અને આવી જ એક ગોઝારી દરિયાઈ દુર્ઘટના સોરઠના દરિયામાં પણ સર્જાઈ હતી. તારીખ હતી 8 નવેમ્બર 1888. આ દિવસે માંગરોળ પાસેના દરિયામાં ‘વીજળી’ નામનું એક જહાજ ડૂબી ગયું હતું. આ દુઃખદ ઘટનાને 132 વર્ષ પુરા થઇ ગયા છે. અને આજે પણ લોકો જયારે આ દુર્ઘટનાને યાદ કરે છે, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠે છે.

132 વર્ષ પહેલા 8 નવેમ્બરે સોમનાથ અને પોરબંદરની વચ્ચે માંગરોળ પાસેના દરિયામાં વૈતરણા નામનું જહાજ પ્રવાસીઓ સાથે ડૂબી ગયું હતું. આ જહાજનું હુલામણું નામ ‘વીજળી’ હતું. આ જહાજને લોકો ગુજરાતનું ટાઈટેનિક કહીને યાદ કરે છે. મુંબઈની કંપની એ.જે. શેફર્ડ એન્ડ કું. ની માલિકીનું વૈતરણા નામનું આ જહાજ, એટલે કે વીજળી જહાજ 170 ફૂટ લાબું અને 26 ફૂટ પહોળું હતું. મળતી જાણકારી અનુસાર તેને બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ જહાજ વરાળથી ચાલતું હતું.

આ વીજળી જહાજ મુસાફરો તથા માલ સામાન લઈને માંડવી અને મુંબઈ વચ્ચે ચલાવવામાં આવતું હતું. 8 નવેમ્બરે તે માંડવીથી મુંબઈ જવા નિકળ્યું હતું. જહાજના કેપ્ટ્ન હતા હાજી કાસમ. તે દિવસે વીજળી જહાજ માંડવીથી નીકળીને દ્વારકા ગયું, પછી ત્યાંથી મુસાફરો લઈને પોરબંદર ગયું, અને ત્યાંથી પછી મુંબઈ જવા નિકળ્યું હતું.

રાત્રે લગભગ દોઢ એક વાગ્યાની આસપાસ માંગરોળ નજીકના દરિયામાં વાવાઝોડાને લીધે ઉંચા – ઉંચા મોજા ઉછળવા હતા. અને તેની થપાટ ખાઈને આ વીજળી જહાજ ડુબી ગયું. એવું કહેવામાં આવે છે કે, આ જહાજમાં રહેલા લગભગ 1300 મુસાફરો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ જહાજમાં મુસાફરોની સાથે 13 જાનના જાનૈયાઓ હતા, અને મુંબઈ યુનિવર્સીટીમાં મેટ્રકની પરીક્ષા આપવા જતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પણ હતાં. પણ કુદરતે ભયંકર સ્વરૂપ ધારણ કરતા તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ગુજરાતમાં આ દુઃખદ દરિયાઈ દુર્ઘટના ઉપરથી અનેક દરિયાઈ દંતકથાઓ અને લોકગીતો રચાયા છે. તેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલું ‘હાજી કાસમ, તારી વીજળી રે મદદરિયે વેરણ થઈ’ લોકગીત ઘણું પ્રખ્યાત છે. આ ગીત આજે પણ ગામડાના પાદરોમાં ગવાય છે. તેમજ લેખક ગુણવંતરાય આચાર્ય દ્વારા લખવામાં આવેલું ‘હાજી કાસમ તારી વીજળી’ નામનું પુસ્તક ઘણું પ્રખ્યાત છે. તો મિત્રો, આ હતી વીજળી જહાજની દુઃખદ ઘટના સાથે જોડાયેલી સ્ટોરી. આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.