Tigor EV ટાટાની પહેલી ઈલેક્ટ્રિક કાર થઈ લોન્ચ, એને ખરીદવા માટે 1.62 લાખ રૂપિયાની સબસિડી મળશે

0
1331

મિત્રો, એ તો તમે જાણો જ છો કે, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગની શરૂઆત થઈ ચૂકી છે. અને ઘણી બધી કંપનીઓ પોત પોતાની ઇલેક્ટ્રિક કરો માર્કેટમાં લઈને આવી છે. એન હવે આપણા દેશની કાર બનાવટી કંપની ટાટા મોટર્સ પણ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લઈને આવી છે. જી હાં, ટાટા મોટર્સે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. એમણે પોતાની એન્ટ્રી-લેવલની હેચબેક કાર ટાટા ટિગોરનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે, અને તે ઇલેક્ટ્રિક કાર છે. એનું નામ છે Tigor EV.આ કારની બેટરીની વાત કરીએ તો એમાં 16.2kWh ની બેટરી લાગેલી છે. કંપનીના જણાવ્યા અનુસાર ફુલ ચાર્જિંગ પર ટિગોર ઇવી 142 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

ટાટા મોટર્સ આ કાર પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, ટાટા ટિગોરના ઇલેક્ટ્રિક વર્ઝનની એક્સ શોરૂમની કિંમત 9.99 લાખથી શરૂ થાય છે. અને ટાટાએ આ ઇલેક્ટ્રિક કારનાં બે વેરિયન્ટ XM અને XT લોન્ચ કર્યાં છે. એમાં XM વેરિયન્ટ છે એની કિંમત 9.99 લાખ રૂપિયા અને XT વેરિયન્ટ છે એની કિંમત 10.90 લાખ રૂપિયા છે. મિત્રો આ કાર ખરીદવા માટે ફેમ-2 સ્કીમ હેઠળ 1.62 લાખ રૂપિયાની સબસિડી તેની કિંમતમાં સામેલ છે. જણાવી દઈએ કે, સબસિડી વગર આ કારની તેની કિંમત વેરિયન્ટ અનુસાર અનુક્રમે 11.61 લાખ અને 11.71 લાખ રૂપિયા રહેશે.

મિત્રો, મળેલી જાણકારી અનુસાર ટાટા ટિગોર ઇવી ફક્ત ફ્લીટ ઓપરેટર્સ, ટેક્સી બાયર્સ માટે જ ઉપલબ્ધ રહેશે. અને તેને પ્રાઇવેટ બાયર્સ નહીં ખરીદી શકે. આ કારના ફિચરની વાત કરીએ તો એના XT વેરિયન્ટમાં 14 ઈંચનાં એલોય વ્હીલ્સ અને વધારાના આઉટસાઇડ રીઅર વ્યૂ મિરર (ORVM) મળશે. તેમજ ક્લાયમેટ કન્ટ્રોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે હાર્મન ઓડિયો સિસ્ટમ, પાવર વિન્ડોઝ, એડજસ્ટેબલ ફ્રન્ટ હેડરેસ્ટ, હાઇટ એડજસ્ટેબલ ઓડિયો સૂટ વગેરે જેવાં ફીચર્સ આ કારના બંને વેરિયન્ટમાં સમાન હશે. હવે આ કારના પાવરની વાત કરીએ તો ટિગોર ઇવીમાં 72V,3 ફેઝવાળી એસી ઈન્ડક્શન મોટર મળશે. આ મોટર 4500 rpm પર 40 bhp અને 2500 rpm પર 105 Nm ટોર્ક જનરેટ કરશે.

આ કારમાં તમને સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. અને ટાટા મોટર્સનો એવો દાવો છે કે, આ કાર 12 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. અને આ કારની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. આ કારનું કુલ વજન 1516 કિલોગ્રામ છે. ટાટા કંપનીની આ પહેલી ઈલેક્ટ્રિક કારની મોટરને 16.2kWh ની બેટરી પાવર આપશે. એવું કહેવામાં આવે છે કે, એકવાર ફુલ ચાર્જ થવા પર તે 142 કિમીની રેન્જ આપશે. આ કારની બેટરી નોર્મલ ચાર્જ પર 360 મિનિટ એટલે કે 6 કલાકમાં 80% સુધી ચાર્જ થઈ જશે. તેમજ 15kWનાં ફાસ્ટ ચાર્જરથી તે માત્ર 90 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે.

આ કાર વ્હાઇટ, બ્લુ અને સિલ્વર કલરમાં મળશે. અને એના બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ (ABS), રીઅર પાર્કિંગ સેન્સર વગેરે ફીચર્સ પણ મળશે. આ કારમાં તમને 89 લિટરની બૂટ સ્પેસ મળશે. જોકે સ્ટાન્ડર્ડ ટિગોરમાં 419 લિટરની બૂટ સ્પેસ મળે છે. એટલું જ નહી આ કારમાં બોડી કલર બમ્પર્સ, બોડી કલર ડોર હેન્ડલ્સ અને એલઈડી ટેલલેમ્પ્સ પણ મળશે. અને ટાટા કંપની આ કાર પર બેટરી પેકની સાથે ત્રણ વર્ષ અથવા 1.25 લાખ કિમીની વોરંટી આપી રહી છે.