કેરળની રાધામની માત્ર 5 રૂપિયા મહિનાની ફી લઈ ઘરે ઘરે પહોંચાડે છે પુસ્તકો, કારણ જાણીને ગર્વ થશે.

0
79

64 વર્ષની આ મહિલા છે હરતી ફરતી લાઇબ્રેરી, ઘરે ઘરે જઈને લોકોને આપે છે પુસ્તકો, જાણો તેની પાછળનું કારણ.

ઘરે ઘરે જઈને પુસ્તકો પુરા પાડવા વાળી 64 વર્ષની કેપી રાધામનીને વાયનાડ અને આસપાસના લોકો વોકિંગ લાયબ્રેરીયન એટલે કે હરતી ફરતી લાયબ્રેરીયનના નામથી ઓળખે છે. ઉંમરના આ ચરણમાં પણ રાધામનીની ઉર્જામાં કોઈ ઘટાડો થયો નથી. તે દરરોજ આ વિસ્તારોમાં મહિલાઓ અને વૃદ્ધોને પુસ્તકો પુરા પાડે છે, તે પણ માત્ર 5 રૂપિયા મહિનાના દરે. તે એવું એટલા માટે કરે છે જેથી ઘરની જવાબદારીઓમાં અટવાયેલી મહિલાઓ પણ ભણે અને આગળ વધે. મહામારીને લઈને આ સમયમાં તેમનું ઘરોમાં જવું ઓછું થઈ ગયું છે, છતાં પણ તે નિયમિત છે.

રાધામની 2012 થી રોજ એક બેગમાં પુસ્તકો મુકીને આ કામમાં લાગી જાય છે. રાધામનીએ આ જવાબદારી કેરળ રાજ્યના શિક્ષણ કાઉંસીલ દ્વારા શરુ કરવામાં આવેલા ‘વનિતા વયના પડડતી’ અભિયાન અંતર્ગત ઉપાડી છે, જેનો હેતુ મહિલાઓમાં ભણવાની ટેવ વિકસાવવાનો છે. મૂળ કોટ્ટયમના રહેવાસી રાધામની 1979 માં વાયનાડમાં આવી ગયા હતા.

રાધામની જણાવે છે કે, હું રોજ 20-25 મલયાલમ પુસ્તકો બેગમાં લઇને નીકળું છું. 25 રૂપિયા વાર્ષિક ફી અથવા 5 રૂપિયા મહિનાની ફી આપીને કોઈ પણ લાયબ્રેરીના સભ્ય બની શકે છે. પણ જે લોકો લાયબ્રેરી નથી જઈ શકતા, હું તેમના ઘરે જ પુસ્તકો પુરા પાડુ છું.

રાધા પોતે 10 માં ધોરણ સુધી ભણી છે. પણ પુસ્તકો વાંચવાનો શોખ તેમને પણ છે. લાયબ્રેરીયનનું કામ કરવા સિવાય તે પ્લાસ્ટિક રીસાયકીલિંગ પ્રોજેક્ટની પણ સક્રિય કાર્યકર્તા છે. તેમના પતિ પદ્મનાભન નામ્બીયાન કરીયાણાની નાની એવી દુકાન ચલાવે છે, જયારે તેમનો દીકરો ઓટો રિક્ષા ચલાવે છે.

રાધા જણાવે છે કે, જો મહિલાઓને ઘરે બેઠા પુસ્તક મળી જાય, તો તે પણ વાંચીને આગળ વધી શકે છે. મને આનંદ છે કે રોજ ઘરે ઘરે જઈને પુસ્તકો પહોંચાડવાની અસર હવે દેખાવા લાગી છે. મહિલાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો વધુ વાંચી રહી છે. ઘણી બાળકીઓ તો સફળ પણ થઇ છે. એજ મારું મહેનતાણું છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.