નવું TV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા આ આર્ટિકલ જરૂર વાંચો, TV વિષે A ટુ Z માહિતી મેળવો

0
5494

ટીવી આજકાલ દરેક ઘરમાં જોવા મળતી સામાન્ય વસ્તુમાંથી એક છે. અને ટેક્નોલોજીના વિકાસની સાથે ટીવીમાં પણ ઘણા મોટા મોટા ફેરફાર થયા છે. અને માર્કેટમાં એટલા બધા ટીવી મળે છે કે સમજાતું નથી કે કયું ટીવી લેવું જોઈએ? અને જો તમે પણ નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજનો આ લેખ તમને મદદરૂપ થઇ શકે છે.

ટીવી લેવાનું હોય તો પહેલા તો એ વિચાર આવે કે, LCD, LED કે OLED કયું ટીવી લેવાય? અને તમે શો રૂમમાં જાવ તો તેઓ તમને પૂછે કે તમારે કેટલું મોટું ટીવી જોઈએ? ૩૨ ઈંચ, ૫૫ ઇંચ કે ૬૪ ઇંચ? અને કેવું ટીવી લેવાનું પસંદ કરશો? સ્માર્ટ ટીવી કે નોર્મલ ટીવી? પણ અમારો પ્રશ્ન એ છે કે, શું તમને આ બધા પ્રશ્નોના જવાબ વિષે જાણકારી છે? જો ના તો ચાલો જાણીએ કેવું ટીવી લેવાય.

શું આપણે ટીવીને મોનીટરના રૂપમાં આપણા કમ્પ્યુટર સાથે જોડી શકીએ છીએ?

મિત્રો, જો તમે ૩૨ ઇંચનું મોનીટર લેવા જાવ તો મોટી કંપનીનું એ મોનિટર લગભગ 15 થી 20 હજારનું આવશે. એટલે લોકો વિચારે કે, એના કરતાં ૩૨ ઇંચનું ટીવી જ લઇ લઈએ અને એને મોનીટર બનાવીને લેપટોપ કે કોમ્પ્યુટર સાથે HDMI ના પોર્ટમાં જોડીને વારવામાં આવે તો એક મોનિટરથી બે કામ કરી શકાય છે. પણ અહીંયા લોકો બહુ મોટી ભૂલ કરે છે. કારણ કે કોમ્પ્યુટરનું રિફ્રેશ રેટ વધારે હોય છે. અને ટીવી એટલા માટે બનાવવામાં આવ્યું હોય છે કે, તેને તમે દૂર બેસીને આરામથી જોઈ શકો.

જો તમે ટીવીને મોનીટર બનાવો છો, અને કામ કરવા નજીકથી બેસો છો તો બધી વસ્તુ થોડી ઝાંખી દેખાશે. એટલે હંમેશા યાદ રાખવું કે મોનીટરની જરૂર છે તો મોનીટર જ ખરીદો, અને ટીવીની જરૂર છે તો ટીવી જ ખરીદો. બંનેને એક કામ માટે ભેગાં ના કરો.

હવે લોકોને મૂંઝવણ એ હોય છે કે ટીવી કેટકું મોટુ લેવું જોઉએ? એના માટે તમે પહેલા એ નક્કી કરો કે, તમારે ટીવી ક્યાં લગાવવું છે? તમારી પાસે જેટલી જગ્યા હોય એટલી સાઈઝનું ટીવી લેવું જોઈએ. અને તમે જેટલી સાઈઝનું ટીવી લેશો એનાથી દોઢ ઘણા અંતરે બેસીને ટીવી જોવું જોઈએ. એટલે રૂમની સાઈઝ પણ ટીવીની સાઈઝ પર અસર કરે છે.

બીજી વાત એ કે એનું રીઝોલ્યુસન કેવું છે? એમાં કેટલા પિક્સલ્સ છે? આ બંને વસ્તુ સમજતા પહેલા એ જાણી લો કે ટીવી આપણને વિડિઓ કેવી રીતે બતાવે છે. કોઈ પણ વિડીયોને આપણે સમક્ષ રજુ કરવા માટે એક સેકન્ડમાં ઘણી બધા ફોટાને પસાર કરવામાં આવે છે. એટલે આપણને એમ લાગે કે વિડિઓ દેખાય છે.

એટલે કે ટીવીમાં આપણે જે ફિલ્મ જોઈએ છીએ એ હકીકતમાં ફિલ્મ નથી પરંતુ ઘણા બધા ઇમેજિસ છે. અને જો કોઈ ઇમેજને મોટી કરવામાં આવે, તો તમને ખબર પડશે કે એ ઘણા બધા નાના નાના પિક્સલ્સની બનેલી છે. આ પીક્સલ્સને જ રીઝોલ્યુસન કહેવામાં આવે છે.

લો બજેટ જેટલા પણ ટીવી આવે છે તેને hd રેડી રીઝોલ્યુસન વાળું કહેવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે, એમાં આડી લંબાઈ મુજબ ૧૨૮૦ પિક્સલ્સ છે અને ઉભી લંબાઈ મુજબ ૭૨૦ પિક્સલ્સ છે. જો hd રેડી રીઝોલ્યુસન વાળું ટીવી તમે લઈ રહ્યા છો, તો એને દૂરથી કે નજીકથી સરખી રીતે તમે જોઈ શકશો નહીં. આથી જો તમે hd રેડી રીઝોલ્યુસન વાળું ટીવી લઈ રહ્યા છો તો બહુ મોટી ભુલ કરી રહ્યા છો.

720p પછી આવે છે full hd :

hd રેડી પછી આવે છે full hd ટીવી. આવા ટીવીમાં પિક્સલ્સ વધારે આવે છે. જેમાં આડી લંબાઈ મુજબ ૧૯૨૦ પિક્સેલ્સ અને ઉભી લંબાઈ મુજબ ૧૦૮૦ પિક્સેલ્સ આવે છે. એટલે કે તમે ૩૨ ઇંચનું full hd ટીવી લેશો, તો એની કલેરિટી સારી જોવા મળશે. જયારે 720p ના ટીવીમાં પિક્સલ્સ ઓછા છે, આથી કલેરિટી ઓછી જોવા મળશે અને પિકચર ફાટતું હોય એવું દેખાશે.

પછી આવે છે 4K hd ટીવી. એને તમે એકદમ નજીકથી જોશો તો પિક્ચર ફાટતું હોય એમ તમને નહિ લાગે. જો તમને hd રેડી ટીવી કોઈ મફતમાં આપતું હોય તો પણ લેશો નહીં. કેમકે એનાથી તમારી આંખો બગડશે. પિક્ચર ફાટેલું દેખાશે. જો તમારી પાસે વધારે પૈસાની સગવડ હોય તો 4K full hd ટીવી જ ખરીદો. એ ના ખરીદી શકો તો full hd ટીવી ખરીદો પણ hd રેડી લેશો નઈ.

ટીવીનો રિફ્રેશ રેટ એટલે શું?

જણાવી દઈએ કે, ટીવી કેટલી ઝડપી કેટલા વધારે ફોટા બતાવી શકે છે, એને રિફ્રેશ રેટ કહે છે. તમારે ઓછામાં ઓછા 60hz રિફ્રેશ રેટનું ટીવી લેવું જ જોઈએ. 60 થી ઓછા રિફ્રેશ રેટ વાળું ટીવી ભૂલથી પણ લેવું નહીં.

ટીવીના અલગ અલગ પ્રકાર વિશે જાણો :

તમે માર્કેટમાં ટીવી જોવા જશો તો તમને LCD, LED,OLED વગેરે પ્રકારના ટીવી જોવા મળશે. પણ ખરેખર જોઈએ તો દુનિયામાં 2 જ પ્રકારના ટીવી હોય છે. એક LCD બીજું OLED બધા જ ટીવી આ 2 પ્રકારમાં જ આવે છે.

LCD શું છે?

LCD નું આખું નામ લિકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે. એમાં લિકવિડના નાના નાના ક્રિસ્ટલ બને છે અને તે કલર બનાવે છે અને એને પાછળથી પ્રકાશિત કરવામાં આવે એટલે તમારી સ્ક્રીન પર પિક્સલની મદદથી એક ઇમેજ બને છે. LCD માં CCFL લાઈટ એટલે કે ફ્લોરોસન્ટ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા ઘરમાં સફેદ રંગનો બલ્બ વાપરીએ છીએ એની મદદથી પ્રકાશ એના ક્રિસ્ટલ પર નાખવામાં આવે છે. અને ક્રિસ્ટલના રંગ મુજબ એની જાતે જ એક ઇમેજ બની આપણી આંખોમાં દેખાશે.

અને જે LED હોય છે એ પણ LCD જ હોય છે. એની અંદર પણ LCD જેવી જ ડિસ્પ્લે હોય છે. પણ જે પ્રકાશ CCFL ફ્લોરોસન્ટ લાઈટના બદલે LED ના પેનલની મદદથી આપવામાં આવે છે. આનાથી ફાયદો એ થશે કે પાવર ઓછો વપરાશે. તો આ રીતે LCD એ LED જ છે. માત્ર પ્રકાશ આપવાની રીત અલગ છે.

આના પછી SAMSUNG નવી સિસ્ટમ લાવ્યું જેને QLED કહેવાય છે, જેને કવોટનમ ડોટસ કહેવાય. એમણે બનાવટમાં થોડો ફેરફાર કર્યો, તેઓ જે LED લગાવે છે એમાં થોડા વધારે કલર્સ આવે છે, તે વધારે પ્રકાશિત અને વ્યવસ્થિત દેખાય એવા ફેરફાર કર્યા છે. આમ ગમે તેમ ફેરવીએ તો LCD માં બધું જ આવી ગયું. LED, LCD, QLED વગેરે.

હવે આવે છે OLED. જણાવી દઈએ કે એનું આખું નામ ઓર્ગનીક લાઈટ એમીટિંગ ડાયોડ છે. એમાં કોઈ ક્રિસ્ટલ વપરાતા નથી. આમાં દરેક પિક્સેલ પર એક એક LED લગાવવામાં આવે છે. હવે વિચારો આટલી બધી LED લગાવવામાં આવે તો એનો ખર્ચો ખૂબ જ વધી જાય. પણ હા એની કલેરિટી ખૂબ જ સારી આવે છે. બજારમાં જે પણ ઓછા બજેટ વાળા ટીવી આવે છે એ LCD કે LED જ હોય છે, પણ જો તમે મોંઘા ટીવી જોશો તો એ OLED પ્રકારના હશે.

ટીવી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

નવું ટીવી ખરીદતા સમયે એના સ્પેશિફિકેસન ખાસ જોવા. જેમ કે એ ટીવીનો કોન્ટ્રાસ રેસીઓ શું છે? એટલે કે જે સફેદ છે એ કાળા રંગ મુજબ કેટલુ સફેદ છે અને કાળુ છે એ સફેદ રંગ મુજબ કેટલુ કાળુ છે. ટૂંકમાં એનો અર્થ છે કે કાળુ કેટલું કાળુ છે અને સફેદ કેટલું સફેદ છે. આ રેસીઓ બધી કંપની તેના મુજબ અલગ અલગ આપે છે. પણ તમારે જોઈને લેવું કે કાળો રંગ કેટલો કાળો બતાવે છે અને સફેદ રંગ કેટલો સફેદ બતાવે છે. જેટલું વધારે કાળુ હશે એટલી વધારે સારી વસ્તુ તમને દેખાશે.

પછી તમારે એ જોવું કે ટીવીમાં કેટલા ઇનપુટ પોર્ટ છે. તમારે ઓછામાં ઓછા 2 HDMI પોર્ટ હોય એવું ટીવી જ લેવું જોઈએ. કેમકે એકમાં તમે સેટઅપ બોક્સનું પોર્ટ લગાવશો. અને બીજું કોઈ બીજા ઉપયોગમાં કામ આવશે. જો એકજ પોર્ટ હશે તો તકલીફ પડશે. આમ જોવું કે 2 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ હોવા જ જોઈએ. આ સિવાય જેટલુ વધારે હશે એ તમારા ફાયદા માટે જ હશે.

કેવું ટીવી લેવું? Flat ટીવી કે curve ટીવી?

જયારે નવું નવું curve ટીવી આવ્યું ત્યારે બધા એ ટીવી લેતા હતા, કારણ કે એમાં વ્યૂઇંગ એન્ગલ સારો હોય છે. એને થોડું આમ તેમ ખસીને જોવા પર નેચરલ ફીલ આવે છે. પણ એના જમાના જતા રહ્યા. હવે તો flat ટીવી જ ચાલે છે. Flat શા માટે? તો એને દીવાલ પર લગાવી શકાય છે. જ્યારે curve ટીવીને તમારે એની પૂરતી જગ્યામાં મૂકવું જ પડે, અને એમાં બંને બાજુએ બેઠેલ વ્યક્તિને જોવામાં તકલીફ પડશે કેમ કે ટીવી curved છે.

અન્ય મૂંઝવણ એ ઉભી થાય છે કે, 3D ટીવી લેવું કે non 3D ટીવી?

મિત્રો, ટીવી બનાવનાર કંપનીઓ લોકોને આકર્ષવા માટે 3D લાવ્યા, અને એવું માન્યું કે એમાં 3D દેખાશે એમ સમજી લોકો એને ખરીદશે. પણ હવે 3D ટીવી કોઈ વધારે ખરીદતુ નથી. કારણકે લોકો ટીવીને ટીવીની રીતે જ જોવા માંગે છે. 3D ની જેમ નહિ. કેમકે એમાં એના અલગ ચશ્મા પહેરવા પડે છે અને ટીવી પરના મોટા ભાગના પ્રોગ્રામ 2D માં જ આવે છે.

સ્માર્ટ ટીવી લેવું કે સાદું?

હવે 2 રીતના ટીવી આવે છે, એક સ્માર્ટ ટીવી અને બીજા નોન સ્માર્ટ ટીવી. ઉપર બતાવેલ બધી જ વાત બંને ટીવીમાં હશે જ. પણ સ્માર્ટ ટીવીમાં થોડા ફિચર્સ વધારે હશે, અને ઓનલાઇન વાળી બધી જ એપ્લિકેસન સ્માર્ટ ટીવીમાં ચાલશે. ટીવીમાં જે દેખાય છે એ તમારે નથી જોવું તો તમે તમારી જાતે સર્ચ કરી કરીને જે જોવુ છે એ જોઈ શકો છો. સ્માર્ટ ટીવીમાં wifi આવે છે. એટલે ઈન્ટરનેટથી એમાં જે જોવું હોય એ દેખાય છે.

મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રહે કે માર્કેટમાં સેમી સ્માર્ટ ટીવી પણ આવે છે, એનાથી તમે બચીને રહેજો, કેમ કે એમાં wifi આવતું નથી. એમાં કેબલથી નેટ કનેક્ટ કરવું પડે છે. જો સરખા ફંકશન ધરાવતા 2 ટીવી છે એક સ્માર્ટ ટીવી અને બીજું નોન સ્માર્ટ ટીવી અને બંને વચ્ચે ભાવમાં 5 થી 10 હજારનો ફરક પડે છે, તો અમે સલાહ આપશુ કે નોન સ્માર્ટ ટીવી જ ખરીદો.

કેમ કે હવે એમેઝોનની ફાયર સ્ટિક આવવા લાગી છે, ક્રોમ કાસ્ટ આવવા લાગ્યું છે. આ એવી વસ્તુ છે જે તમારા નોન સ્માર્ટ ટીવીને સ્માર્ટ ટીવી બનાવી દેશે. દસ હજાર વધારે ખર્ચવા કરતા 2 થી 3 હજારની આ વસ્તુઓથી તમે ટીવીને સ્માર્ટ બનાવી શકો છો.

એ વાત પણ જાણી લો કે, સ્માર્ટ ટીવી કે નોન સ્માર્ટ ટીવીમાં બધું ચલાવવા માટે 4 mbps સ્પીડનું ઈન્ટરનેટ જોઈએ જ છે. એ વગર કાઈ ચલાવી શકશો નહિ. અને હા સ્માર્ટ ટીવીમાં બધી એપ્લિકેસનના અલગ પૈસા આપવાના, ઈન્ટરનેટના અલગ પૈસા, ટીવી ખરીદવામાં અલગ પૈસા આપવાના એના કરતાં તો સેટઅપ બોક્સમાં 300-400 રૂપિયા ભરો અને જે એ લોકો બતાવે છે એ ચૂપ ચાપ જોઈ લો. પણ આ બધી વસ્તુ એ વાત પર આધાર રાખે છે કે તને ટીવીમાં શું જોવા માંગો છો? અને કઈ કઈ વસ્તુ કરવા માંગો છો?

કઈ બ્રાન્ડનું ટીવી લેવું?

જો તમારું બજેટ ૩૦ થી ૩૫ હજારથી ઓછું છે, તો ઘણી સારી સારી બ્રાન્ડના ટીવી છે. જેમકે vu ના ટીવી, MI ના, TCL ના ટીવી સારા છે. યાદ રાખીએ કે આ બજેટ ટીવી છે આમાં કલેરિટી સારી નહિ મળે. હવે જો તમારું બજેટ ૪૦ થી ૬૦ હજારનું છે તો બ્રાન્ડેડ ટીવી ખરીદો. કેમકે એમાં સારા સર્વિસ સેન્ટર પણ મળે છે, જે ટીવી બગડે તો રિપર કરી આપે.

ઓનલાઈન માર્કેટમાં બધું સસ્તું મળે છે એમ વિચારીને ટીવી ખરીદી ના લેતા, એમાં છેતરાવાનું થઈ શકે છે. પહેલા લોકલ માર્કેટમાં જઈને બધું જાણી લો, જો એ જ કંપનીના ટીવી ઓનલાઈન સસ્તા પડતા હોય તો જ ઓનલાઈન મંગાવો. નહિ તો માર્કેટમાંથી ખરીદો, અને જે પણ ટીવી ખરીદો એમાં એક્સટેન્ડેડ વોરંટી જરૂરથી લેવી જ. કેમકે થોડા વધારે પૈસા આપશો તો તમારી વોરંટી વધી જશે.

હવે આપણે કપડાં તો નથી ખરીદતા કે, એક વર્ષમાં બદલી શકાય. ટીવી લઈએ છીએ તો ૪-૫ વર્ષ ચાલે એવું જ લેવાય. જો વોરંટી વધારી દેશો તો બહુ મોટા ખર્ચાથી બચી શકશો. કેમકે ટીવી બગડે ત્યારે ટીવીની ખરીદ કિંમત કરતા એને રીપેર કરવાનો ખર્ચો વધી જાય છે. આથી પછી ખર્ચો ના થાય એ માટે પેહલાથી વોરંટી એક્સટેન્ડટ કરાવી દેવી હિતાવહ છે.