રાજ્યમાં આ વર્ષે રોજગારી વધવાની આશા, રાજ્ય સરકાર 35 હજાર કરતા વધુ જગ્યાઓ માટે કરશે ભરતી, જાણો વધુ વિગત.

0
264

વર્તમાન સમયમાં બેરોજગારી દેશની અને દેશના નાગરિકોની મોટી સમસ્યામાંથી એક છે. ન જાણે કેટલાય શિક્ષિત લોકો બેરોજગાર બેઠા છે અને નોકરી માટે તરસી રહ્યા છે. એવામાં નવા વર્ષમાં ગુજરાતના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. તે સારા સમાચાર એ છે કે, ગુજરાત સરકાર આ વર્ષમાં નાની મોટી તમામ મળીને કુલ 35 થી 37 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે.

મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકાર આ નવા વર્ષમાં નોકરી માટે ભરતી કરશે જેમાં 35 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેના અંતર્ગત GPSC માં 1212 જગ્યા માટે 1 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે. તેમજ પોલીસમાં 11,000 જગ્યાઓ માટે ભરતી, ઊર્જા વિભાગમાં 2000 જગ્યાઓ માટે ભરતી અને શિક્ષકની 6000 જગ્યાઓની પણ ભરતી થશે. એટલું જ નહિ અગાઉની 900 જગ્યા માટેની ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા અંદાજે 35,000 જેટલી નોકરીઓ અંદાજપત્રીય જોગવાઈમાં રખાઈ હતી, જેમાં 11 હજારથી વધુ વિવિધ પોલીસ સેવાઓ, 6000 કે તેથી વધુ શિક્ષકો અને 2000 જેટલાં ઊર્જા વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી હાલ મંજૂર થયેલી 2200 જેટલી જગ્યાઓ પર 160 થી વધુ ભરતીઓ કરી રહી છે. અને તે પૈકી હાલ જ જાહેર થયેલી 1200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. એટલા માટે જો તમે પણ જેતે નોકરી માટે યોગ્ય ઉમેદવાર હોવ તો સમય બગાડ્યા વગર અરજી કરી દો.

દિનેશ દાસા જે જીપીએસસીના અધ્યક્ષ છે તેમના જણાવ્યા અનુસાર, આયોગે બહાર પાડેલી આરએફઓ, ડીવાયએસઓ, જીએમડીસી વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. સાથે સાથે આ વર્ષે સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત, વન વિભાગ, નાણાં વિભાગ અને મહેસૂલને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી પણ કરવામાં આ‌વશે. તો ગુજરાતના નાગરિકો આ બાબતની સંપૂર્ણ તૈયારી કરી રાખજો જેથી તમારી લાયકાત પ્રમાણે નોકરી મેળવી શકો.