પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

0
581

રજાના દિવસોમાં ફરવા જવાનું તો દરેકને ગમે છે. એમાં પણ જો ડુંગરવાળા વિસ્તારમાં જવાનું પ્લાનિંગ થાય તો તો મજા પડી જાય છે. પ્રકૃતિના ખોળે પસાર કરેલી થોડી ક્ષણો આખા વર્ષના થાકને દૂર કરીને મનને તાજગીથી ભરી દે છે અને દિલને ખુશ કરી દે છે. અને આજે અમે તમને એક એવા સ્થળ અદ્દભુત સ્થળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અમે જે સ્થળ વિષે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ઓસમ ડુંગર’. ઓસમ ડુંગર સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની નજીક આવેલું છે. અને આ જોવાલાયક સ્થળ છે. આ સ્થળ ઉપલેટા (જિલ્લો – રાજકોટ) થી 13 કિલોમીટર, રાજકોટથી 100 કિલોમીટર, જૂનાગઢથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે.

જણાવી દઈએ કે, ટ્રેકિંગ માટે આ શ્રેષ્ટ સ્થળ છે. અહીં બારેમાસ મોજ જ આવે એવી જગ્યા છે. અને ચોમાસામાં તો ઓર મજા આવે. અહીં પ્રકૃતિ શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઓસમ ડુંગર પર દર વર્ષે માત્રી માતાજીના સાનિધ્યમાં ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો યોજાય છે. આ મેળાનું આયોજન પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકોની માન્યતા અનુસાર, આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારતકાળના અનેક અવશેષો જોવા મળે છે. કહેવામાં આવે છે કે, પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર રોકાયા હતા.

સ્થાનિક લોકોની માન્યતા અનુસાર પાંડવોના વનવાસ દરમિયાન હિડિમ્બા પણ ઓસમ ડુંગર પર જ રહેતી હતી. ભીમ સાથે તેની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.

અહીં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવ મંદિર પણ છે, અને તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ પણ છે, જેમાં ડુંગર પરથી સતત પાણી ટપક્યા કરે છે. એટલું જ નહિ આજે પણ પટાંગણમાં આવેલી ભીમની થાળી જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે. એવું કહેવામાં આવે છે કે, મહાભારતના સમય દરમિયાન આ ઓસમ ડુંગર માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ ઓસમ ડુંગરની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી તે માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો.