બજાર કરતા સારું અને એકદમ ટેસ્ટી સોફ્ટ પનીર બનાવવાની સરળ રીત જાણવા ક્લિક કરો.

0
1210

પનીર તો દરેકને ગમતું હોય છે. એટલે જ દરેકના ઘરે પનીરની વાનગી બનતી હોય છે. અને આજે અમે તમારા માટે હોમ મેડ પનીર બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે ઘરે પનીર બનાવવું કોઈ અઘરું કામ નથી. તમે પનીર બનાવવા સમયે અમુક નાની વસ્તુઓનું ધ્યાન રાખશો, તો બહાર કરતા એકદમ ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે જ બનાવી શકો છો.

અને જો પનીર સારું બન્યું હોય, તો એમાંથી તમે કોઈ પણ રેસિપી બનાવો અને એ ખાવાની ખુબજ મજા આવે છે. જે લોકો જૈન કે સ્વામિનારાયણ છે તેઓ બહારની કોઈ પણ વસ્તુ ખાતા નથી. તો એમના માટે તો આ રેસિપી ખુબ મદદરૂપ સાબિત થશે. અને બંગાળી મીઠાઈ બનાવવા માટે તો ફરજીયાત ઘરના પનીરનો ઉપયોગ કરવો પડે છે. તો ચાલો ઘરે એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ જાણી લઈએ.

જરૂરી સામગ્રી :

1 લિટર ફૂલ ફેટ દૂધ,

2 મોટી ચમચી લીંબુનો રસ,

બનાવવાની રીત :

પનીર બનાવવા માટે સૌથી પહેલા તો એક સ્ટીલના મોટા વાસણમાં થોડું પાણી એડ કરી દેવાનું છે. જણાવી દઈએ કે પાણી એડ કરવાની દૂધ નીચે ચોંટશે નહિ. પછી તેમાં દૂધ એડ કરી, તેને ગરમ કરવા મૂકી દો. જયારે દૂધમાં ઉભરો આવી જાય ત્યારે ગેસ ને ધીમો કરી તેને એક વાર હલાવી દેવાનું છે. અને જ્યાં સુધી ઉભરો બેસી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે.

હવે ઉભરો બેસી ગયા બાદ તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે, અને ગેસને ધીમો જ રાખવાનો છે. તેને 20 સેકેંડ એમજ રહેવા દેવાનું છે, અને 20 સેકન્ડ પછી તેને એકદમ ધીરે ધીરે હલાવવાનું છે. (આપણે ખટાશ નાખી એવું તરત જ દૂધ ફાટી ન જાય, એટલે બીજી કોઈ ખટાશ ઉમેરવાની ઉતાવળ ન કરવી, નહિ તો પનીર સારું નહિ બને.) 1 મિનિટ બાદ દૂધમાંથી પાણી છૂટું પાડવા લાગશે. પનીર અને પાણી છુટું પડે ત્યારે ગેસ ચાલુ નહિ રાખવાનો. હવે તેને એક સ્ટેનરમાં લઇ લેવું.

નીચે એક વાસણ મૂકી સ્ટેનર ઉપર કોટનનું કપડું પાથરવું અને તેમાં પાણી અને પનીરનું મિક્ષચર નાખી દેવું. ત્યારબાદ નીચેનું વાસણ હટાવીને બીજું વાસણ તેની નીચે લઇ લો, અને જે પનીર છે તેને ઠંડા પાણીથી ચમચા વડે ધોઈ નાખીશું, જેથી લીંબુની ખટાશ પણ જતી રહે અને પનીર રૂમ ટેમ્પરેચર પર આવી જાય. હવે કપડું ભેગું કરી લો. અને તેને ધીરે ધીરે દબાવીને જેટલું પાણી નીકળે તેટલું કાઢી લેવું. અને હાથથી પણ થોડું દબાવીને જેટલું પાણી નીકળે તેટલું પાણી કાઢી લેવાનું છે.

ત્યારબાદ તેને સ્ટેનરમાં જ થોડું કપડાંની સાથે દબાવી તેને આકાર આપી દો, જેથી તે ઠંડુ થઇને પ્રોપર આકરમાં આવી જાય. એની ઉપર સ્ટીલની ડીસ મૂકી દેવી, અને એની ઉપર થોડું વજન મુકવાનું છે જેથી જે થોડું ઘણું પાણી વધેલું છે તે નીચે નીકળી જશે. આને એક કલાક એમજ રહેવા દેવાનું છે. એક કલાક બાદ પનીરને ચેક કરી લેવાનું છે.

હવે તમારું પનીર તૈયાર છે. અને તેને એક પ્લેટમાં લઇ લેવું. આ રીતથી એકદમ નરમ પનીર તૈયાર થશે. અને તેને કાપીને તમે કોઈપણ રેસિપીમાં ઉપયોગમાં લઇ શકો છો. ઘરનું બનાવેલું પનીર એકદમ ફ્રેશ હોય છે, અને તે ટેસ્ટમાં પણ ખુબજ સરસ લાગે છે. આ પનીરને ફ્રિઝરમાં સ્ટોર કરીને 10 થી 12 દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

નોંધ : જે પનીરનું પાણી નીકળ્યું છે તેને લોટ બાંધવામાં, કોઈ શાકભાજીની ગ્રેવી બનાવવા, સૂપ બનાવવામાં બધામાં ઉપયોગ કરી શકાય છે. અને આ પાણીને 2 થી 3 દિવસ સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે.

જુઓ વિડીયો :