દરેકને ભાવતા ટેસ્ટી બટાટાવડા બનાવવાની સરળ રીત જાણી લો, વિડીયો સાથે વડા બનાવતા શીખો.

0
2259

મિત્રો, અમે તમારા માટે અલગ અલગ વાનગી બનાવવાની રેસીપી લઈને આવતા રહીએ છીએ. આજે એ શ્રેણીમાં આજે અમે બટાટાવડા બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, બટાટાવડા બનાવવા ખુબજ સરળ છે, અને એનું અંદરનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ હોય છે. અને તેનું આઉટર લેયર એકદમ સરસ અને ક્રિસ્પી બને તો તેને ખાવામાં ખુબ જ મજા પડે છે. ચાલો બહાર જેવા એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફૂલ બટાટાવડા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ.

(1) બટાટાવડા બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ બેસન,

8 થી 10 લીલા મરચા,

25 ગ્રામ કોથમીર,

1 નાનો ટુકડો આદુ,

1/4 નાની ચમચી ખાવાના સોડા,

મીઠું સ્વાદ અનુસાર.

(2) બટાટાવાડાનું સ્ટફિંગ બનાવવાની સામગ્રી :

500 ગ્રામ બટાકા (બાફીને સાફ કરી લેવા),

2.5 મોટી ચમચી બૂરું સાકર,

1/4 નાની ચમચી ગરમ મસાલો,

1 મોટી ચમચી તેલ,

1 નાની ચમચી ધાણા જીરું,

કોથમીર,

2 થી 3 નાની ચમચી લીંબુનો રસ,

થોડા દાડમના દાણા,

મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

સૌથી પહેલા તો આપણે બટાટાવાડાના સ્ટફિંગ માટેની લીલી પેસ્ટ તૈયાર કરી લઈશું. એના માટે કોથમીર અને મરચાને સાફ કરી નાખો, અને તેને પાણી વગર જ ગ્રાઈન્ડ કરી દો. (જો તમે લસણ ખાતા હોવ તો અત્યારે લીલું લસણ નાખી શકો છો. તે પણ સરસ સ્વાદ આપતું હોય છે. જો લીલું લસણ ના હોય તો જે આપણે આ બધી વસ્તુ લીધી છે તેમાં 5 થી 6 કળી સૂકું લસણ લઇ શકો છો.)

ખીરું બનાવવાની રીત :

હવે આપણે વડા માટે ખીરું તૈયાર કરવાનું છે. એના માટે સૌથી પહેલા બેસનને ચાળી લેવાનું છે, અને તેને એક બાઉલમાં લઇને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા રહી તેનું ખીરું બનાવવાનું છે. પાણીને થોડું થોડું એડ કરતા રહેવું જેથી ખીરું પાતળું ના થઇ જાય. ખીરું ઘટ્ટ રાખવાનું છે.

બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ક્યાંય પણ કોરો લોટ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. લગભગ 300 ml જેટલું પાણી ઉપયોગમાં લેવાય છે. તેમાં થોડું મીઠું અને ખાવાના સોડા એડ કરી દો. અને ફરીથી તેને મિક્ષ કરી નાખવાનો છે. મિક્ષ થઇ ગયા બાદ તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે.

બટાટાવાડાના સ્ટફિંગ બનાવવાની રીત :

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં બટાકાને નાખી તેને મેષ કરી લેવાના છે. ત્યારબાદ એમાં પહેલા મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં સાકર એડ કરવાની છે, અને તેમાં વધારો-ઘટાડો કરી શકો છો. તેમાં ધાણાજીરું, ગરમ મસાલો એડ કરી લો અને આ બધી વસ્તુને મિક્ષ કરતા પહેલા તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ તે બધી વસ્તુને એક વાર મિક્ષ કરી લો.

અને બીજી બાજુ તેલ ગરમ થાય તો તેમાં થોડી રાઈ એડ કરી લેવાની છે અને રાઈ થઇ ગયા બાદ ગેસ બંધ કરી તેલમાં થોડી હળદળ અને હિંગ એડ કરી દેવાની છે. જે લીલી પેસ્ટ બનાવેલી છે તે પેસ્ટ પણ આમાં એડ કરી દેવાની છે. હવે બંધ ગેસ ઉપર તેને હલાવવાનું છે.

સારી રીતે મિક્ષ થયા બાદ બટાકાના મિશ્રણમાં તેને એડ કરી દેવાનું છે. ત્યાર બાદ તેમાં થોડા દાડમના દાણા, સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરવાનો છે. હવે આ બધાને મિક્ષ કરવાનું છે. તમે દાડમના દાણાને પણ ઓછા વધતા કરી શકો. એ ન ભાવતા હોય તો એના વગર પણ બનાવી શકો છો.

ત્યારબાદ હાથને ધોઈને હાથમાં તેલ લગાવીને તેના ગોળા બનાવી લેવાના છે. મીડીયમ સાઈઝના ગોળા બનાવવાના છે. બધા ગોળા બની ગયા બાદ જે ખીરું બનાવેલું છે તેને એક વાર હલાવી નાખવાનું છે, અને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઇ ગયા બાદ જે ખીરું છે, તેમાં તે ગોળા નાખીને તેની બધી બાજુ ખીરું લાગવી દેવાનું છે, અને આ પ્રક્રિયા હાથથી કરવા માંગો છો, તો હાથની નહિ તો ચમચી દ્વારા પણ કરી શકો છો.

ત્યારબાદ વડાને તેલમાં નાખી દેવાના છે અને ગેસને ધીમો કરી દેવાનો છે. વડા એક સાઈડ તળાય જાય ત્યારે તેને ફેરવવાના છે, અને તેને બધી બાજુથી સારી રીતે તળવાના છે. તે ગોલ્ડન બ્રાઉન તળાય ત્યારે તેને બહાર કાઢી લેવાના છે. હવે તૈયાર છે તમારા ટેસ્ટી બટાટાવડા. અને બટાટાવડા હંમેશા ગરમ હોય ત્યારે ખુબજ ટેસ્ટી લાગતા હોય છે. તેને તળેલા મરચાં અને કોઈ ચટણી સાથે ખાઈ શકો છો. અને બટાટાવડાને કેચપ અને દહીં સાથે પણ ખાઈ શકાય છે.

જુઓ વીડિઓ :