ગુજરાત પર ત્રાટકનારા વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આટલા જિલ્લામાં એલર્ટ.

0
182

અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત તરફ પહોંચી શકે છે તેની શક્યતા છે. આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર તે 15 મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી સંભાવના છે. અને આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં થાય તેવી સંભાવના છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવશે તો હાલના અનુમાન મુજબ 140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન ફૂંકાશે. આ વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા ગુજરાત સહિત 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ ડીપ ડિપ્રેશન કેરળથી 310 કિ.મી અને વેરાવળથી 1,060 કિ.મી. દૂર છે. અને તે ઉત્તર-ઉત્તર પૂર્વથી, ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈને 17 મે ની મધ્ય રાત્રીએ ગુજરાતનાં વેરાવળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

આ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેની અસર હેઠળ 16 મે થી ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. તેમજ 17 મે થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો 18 મે ના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 14, 15, 16, 17 તારીખે તામિલનાડુ, કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે.

વેરાવળમાં તૌકતે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, શુક્રવારે સાંજે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના દરિયાકાંઠાના 15 જિલ્લા ઉપરાંત રાજકોટ અને બોટાદ જિલ્લાના કલેક્ટરો, ડીડીઓ, ડીએસપી, મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો હાજર રહ્યા.

આ વીડિયો કોન્ફરન્સમાં તંત્રોને દરિયાથી અંદરના ભાગે 1 કિલોમીટર સુધીના વિસ્તારોમાં આવતા નીચાણવાળા ભાગો તારવી કાઢી ત્યાંથી લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે પૂર્વતૈયારી શરૂ કરવાની, તેમજ કોવિડ ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનોમાં સેનિટાઇઝર્સ-માસ્ક વગેરેની સગવડ કરવાની, પ્રસૂતાઓ તથા વૃદ્ધો માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવાની વિસ્તૃત સૂચનાઓ આપી હતી. સાથે સાથે દરિયો ખેડવા ગયેલા માછીમારોને શનિવાર સુધીમાં પાછા આવવાની સુચના પણ અપાઈ છે.

તૌકતે વાવાઝોડાને કારણે 16 મે ના રોજ ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ 17 મે ના રોજ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ આ દિવસે આણંદ, વલસાડ, અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 મે ના રોજ જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલું નહિ 18 તારીખે વલસાડ, ભરૂચ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, પાટણ, આણંદ, વડોદરા અને ભરૂચમાં હળવા વરસાદની આગાહી છે. 19 મે ના રોજ જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, અમદાવાદ, દમણ, આણંદ, દાદરા નગર હવેલી, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.