જાણી લો સુરતી લાલાની પ્રખ્યાત સુરતી સેવ ખમણી બનાવવાની રીત, એ પણ વિડીયો સાથે.

0
1799

આજના રેસીપી સ્પેશિયલ લેખમાં આપણે શીખીશું એક ગુજરાતી ફરસાણની રેસીપી. અને એ રેસીપી છે સુરતી લાલાની પ્રખ્યાત સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ટેસ્ટમાં ઘણી જોરદાર લાગે છે. આમાં ખાટો, મીઠો અને તીખો ત્રેણય ટેસ્ટનું કોમ્બિનેશન હોય છે. તો ચાલો સેવ ખમણી કેવી રીતે બનાવવી તે શીખીએ.

લેખમાં સૌથી નીચે રહેલા વીડિયોમાં પણ તમે એના વિષે જોઈ શકો છો.

જરૂરી સામગ્રી :

1 કપ ચણાની દાળ (ચણાની દાળને સેવ ખમણી બનાવવાના 4 કલાક પહેલા ધોઈને પલાળીને મુકવી.)

3 લીલા મરચા,

1/2 નાની ચમચી લીંબુના ફૂલ અથવા લીંબુનો રસ,

1/4 નાની ચમચી ખાવાનો સોડા,

1/2 નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર ફેરફાર કરી શકો.).

વધાર કરવા માટે સામગ્રી :

1/2 મોટી ચમચી રાઈ,

2 મોટી ચમચી સાકર,

1/2 મોટી ચમચી તલ,

1 નાની ચમચી હળદળ,

4 મોટી ચમચી તેલ,

લીમડો 15-20 પાંદડા,

કોથમીર,

3-4 લીલા મરચા (નાના કાપી નાખવા),

1/2 મોટી ચમચી લીંબુનો રસ,

1/4 કપ પાણી.

બનાવવાની રીત :

ખમણી બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળ જે આપણે પલાળીને મુકી છે, એમાંથી પાણી નીકાળી લેવાનું. પછી એક મીક્ષરનો જાર લઈને તેમાં ચણાની દાળ, લીંબુના ફૂલ અને લીલા મરચા નાખીને એક વાર ક્રશ કરવાના છે. પછી એમાં 1.5 થી 2 મોટી ચમચી પાણી નાખી એને એક વાર ફરી ક્રશ કરવાનું છે. ક્રશ કર્યા બાદ તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે.

ત્યારબાદ ઈડલી અથવા ઢોકળા બનાવવાનું વાસણ (ન હોય તો કઢાઈ લેવી) આવે તેમાં 1/2 થી 1 ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકી દેવાનું, ગેસ થોડા ધીમા તાપે રાખો.

પછી આપણે જે દાળનું ખીરૂ બનાવ્યું છે એમાં મીઠું અને સોડા મિક્ષ કરી દો. બધું સારી રીતે હલાવીને મિક્ષ કરી દેવું. પછી જે ઢોકળાની થાળી આવે તેમાં થોડા પ્રમાણમાં તેલ નાખી એને આખી થાળીમાં ફેલાવી દો, અને તેમાં આપણે ખીરું નાખી તેને બધી જગ્યાએ ફેલાય તેવી રીતે નાખવાનું છે.

ત્યારબાદ જે વાસણમાં પાણી ગરમ કરવા મૂકેલું છે, તેમાં તે થાળી મૂકી દો અને ઉપરથી તેને બંધ કરી દો અને તેને ફૂલ ગેસે 20 મિનિટ સુધી રાખો. જયારે 20 મિનિટ થઇ જાય પછી 10 મિનિટ તેને ઠંડુ થવા મૂકી દો. 10 મિનિટ બાદ વાસણ ખોલી તેમાંથી થાળીને નીકાળી લેવાની અને તેને 1 કલાક સુધી તેને ઠંડી થવા દઇશુ. 1 કલાક બાદ તેના ટુકડા કરી નાખવા અથવા તો છીણીથી છીણી લેવું.

વઘાર કરવાંની રીત :

હવે તેનો વધાર કરવા માટે તેલને ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખવાની છે. હવે તેમાં હળદળ, લીમડો, લીલા મરચા નાખો. પછી તેને થોડી વાર હલાવીને મિક્ષ કરી દેવું, અને ત્યારબાદ તેમાં પાણી નાખી દઇશુ. હવે તેમાં સાકર નાખી દેવી. ત્યારબાદ તલ નાખી દો. (જો તલ તમે સેકીને લીધા હોય તો તેમાં હમણાં નાખી દેવા, પરંતુ જો કાચા હોય તો રાઈ નાખતા સમયે જ નાખી દેવાના.)

જ્યાં સુધી સાકાર ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે અને તેનો ટેસ્ટ ચાખીને જોઈ લો. જો તમને ગળ્યું ઓછું લાગતું હોય તો તમે તમારા પ્રમાણે સાકર નાખી દો. ત્યારબાદ તેમાં ખમણનો જે ચૂરો કરીને મુક્યો છે તે નાખી દેવાનો છે. ત્યારબાદ તેને થોડા સમય સુધી મિક્ષ કરતા રહેવાનું છે. જયારે એ મિક્ષ થઇ જાય ત્યારબાદ તેમાં કોથમીર નાખી દેવાની છે. પછી ગેસ બંધ કરીને લીંબુનો રસ પણ નાખવાનો છે.

તો હવે તમારી ખમણી બનીને તૈયાર છે, અને તેને એક પ્લેટમાં નાખીને તેની ખાવાની માજા લઇ શકો છો. તેમાં તમે ઉપરથી દાડમ, કોથમીર અને ખુબ ઝીણી સેવ પણ નાખી શકો છો.

વીડિયોમાં શીખવા નીચે વીડિયો જુઓ :