આ સુરતી લાલાએ ઘરની આજુબાજુ વૃક્ષો વાવીને બનાવી દીધું જંગલ, પાણી, વીજળી વગેરે માટેની વ્યવસ્થા જાણી ને આંખો પહોળી થઇ જશે

0
1090

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણે શહેરોમાં આપણા રહેવા માટે સિમેન્ટનું જંગલ બનાવી દીધું છે. અને આપણા ઉપયોગ માટે આપણે માનવીઓ કુદરતે આપેલા ઝાડના જંગલો પણ બરબાદ કરી રહ્યા છીએ. એના લીધે એક તો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે, અને પક્ષીઓ તથા પ્રાણીઓના ઘર પણ નષ્ટ થઇ રહ્યા છે.

પણ આપણા બધામાંથી અમુક માણસો એવા હોય છે જેમને આવા પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ પર્યાવરણની ફિકર હોય છે. અને આવા લોકો એના માટે કોઈ ને કોઈ પગલું જરૂર ભરતા હોય છે. અને આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાના છીએ. એ વ્યક્તિનું નામ છે સ્નેહલ પટેલ, અને તે સુરતના રહેવાસી છે. અને તે નેચર ક્લબના મુખ્ય વ્યક્તિ છે.

એમણે અંદાજે 20 વર્ષ પહેલા પોતાની જમીનમાં છોડ વાવ્યા હતા, જે હવે મોટા થઈને ઘટાદાર વૃક્ષોનું એક જંગલ બની ગયા છે. એમાં જ એમનું ઘર છે અને ત્યાં એમની સાથે પક્ષીઓ અને પ્રાણીઓ રહે છે. ઘાયલ થયેલા જાનવરોને પણ અહીં રાખવામાં આવે છે. એમનું આ સસ્ટેનેબલ હાઉસ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે એક યુનિવર્સીટી જેવું કામ કરે છે. અને શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીઓ એમના ઘરની મુલાકાત લઈને પર્યાવરણ અને પ્રકૃતિને કેવી રીતે જાળવી રાખવી અને તેનો ઉપયોગ કેવી રીતે એ બધું શીખે છે.

તેઓ જણાવે છે કે, પર્યાવરણ પત્યેનો આ પ્રેમ એમને વારસામાં જ મળ્યો છે. બાળપણથી જ એમના માતા-પિતા દર વેકેશનમાં એમને જંગલ ટુર કરાવતા હતા. તેઓ નદી કે તળાવના કિનારે જાતે જ રસોઈ બનાવવીને જમતા હતા. આ રીતે પ્રકૃતિના ખોળે રહેવાથી તેઓ વિવિધ જાતના પક્ષીઓ અને વનસ્પતિઓ વિષે જાણતા હતા. પોતાનો મિકેનિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી એમને આ પ્રકૃતિ અને પર્યાવરણ ઉભું કરવાનો ખ્યાલ આવ્યો હતો, અને 20 વર્ષ પહેલાં પોતાનું ખેતર ખરીદ્યું હતું.

એમણે પોતે બનાવેલા જંગલની વચ્ચે જ પોતાનું ઘર બનાવ્યું છે. એમના આ જંગલમાં જુદા જુદા 70 પ્રકારના વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, લીમડો, ઉમરો અને મહિડા જેવા વૃક્ષો છે. એમની બીજી ખાસ વાત એ છે કે તે પોતાના ઘરમાં પવનચક્કી અને સોલાર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વિજળીનો વપરાશ કરે છે. તેમજ એમણે વરસાદના પાણીનો સંગ્રહ કરવા તેમજ પાણીના રિસાકલિંગ માટે અલગ જ આયોજન કર્યું છે. એ આયોજનથી ચોમાસામાં પડતા વરસાદનું 10 હજારથી વધારે ડોલ પાણી ભેગું કરવામાં આવે છે, અને પછી એને જ ફિલ્ટર કરીને આખું વર્ષ ઉપયોગમાં લેવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સુરતમાં વેસુમાં આવેલા એમના આ ઘરમાં એમણે રેઇન હર્વેસ્ટીંગ સિસ્ટમ ફિટ કરી છે. અને એમના ઘરના ગાર્ડનમાં એક કૂવો પણ બનાવેલો છે. એમને પોતાના ઘરના ફર્સ્ટ ફ્લોર પર નાનકડું તળાવ બનાવ્યું છે, જેમાં પણ પાણી સ્ટોર કરવામાં આવે છે. અને આખા ઘરમાં થ્રિ-લેયર પધ્ધતિથી પાણીનું ફિલ્ટરેશન થાય છે, અને બાકી બચેલું પાણી પાઇપ મારફતે જમીનની અંદર પણ પહોંચાડવામાં આવે છે.

એમને વીસ વર્ષ પહેલા જંગલ બનાવવાનો વિચાર આવ્યો હતો. અને એમણે એ વખતે છોડ વાવી દીધેલાં તે આજે જંગલ બની ગયા છે. એમનું પોતાનું આ જંગલ કુલ 16 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. અને ત્યાં તમામ પ્રાણીઓ-પક્ષીઓને પાણી મળી રહે એટલા માટે એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. અને એ તળાવમાં માછલીઓ અને કાચબાઓ પણ મુકવામાં આવ્યા છે. અન્ય એક ખાસ વાત એ છે કે, ત્યાં નેચર ક્લબ દ્વારા સારવાર માટે લાવવામાં આવતા ઘાયલ પશુ અને પક્ષીઓને કુદરતી વાતાવરણ મળી રહે એટલા માટે એમના જંગલમાં લાવવામાં આવે છે, અને તેની સારવાર કર્યા બાદ તેને છુટા મુકી દેવામાં આવે છે.

એમના આ જંગલમાં અંદાજે 40 જાતના પક્ષીઓ અને 30 જાતના પતંગિયાઓ જોવા મળે છે. અને જ્યારે જયારે સિઝન બદલાય છે ત્યારે ત્યારે એમના જંગલમાં પક્ષીઓ અને પતંગિયાઓ પણ બદલાય છે. એમને ત્યાં કિંગ ફિશર, કોરમોરન્ટ, જલ કુકડી પોપટ, શાહુડી અને ઘુવડ જેવા પક્ષીઓ જોવા મળે છે. એમણે પોતાને આંગણે આવતા પક્ષીઓ અને પ્રાણીઓને ખાવા અને રહેવાની સગવડ અને છાંયડો મળી રહે એવી દરેક વ્યવસ્થા કરી છે. એમના ખાવા માટે રાયણ, ફાલસા, ચોર આંબલો જેવા વૃક્ષો પણ ઉગાડયા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, એમના આ ઘરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નળ અને ગટરનું જોડાણ નથી. તેઓ પોતાના ઘરમાં વેસ્ટ વૉટરનો પણ ઉપયોગ કરે છે. એમના કપડાં ધોવા માટે વૉશિંગ મશીનમાં વપરાતું પાણી સીધું એમના મકાનના પાંચ ટોઇલેટના ફ્લશ ટેન્કમાં જાય છે. એટલું જ નહિ બાથરૂમમાં ન્હાવા માટે ઉપયોગમાં લેવાયેલું પાણી તેમજ ટોઇલેટમાં વપરાયેલું પાણી બંને એક પાઇપ દ્વારા સેટલિંગ ટેન્કમાં જાય છે, ત્યાં સોલિડ કચરો સેટ થાય છે અને પાણી અલગ થઈને રેતીની ઓપન ઍર ટેન્કમાંથી ગળાઈને કિચન ગાર્ડનમાં ઉપયોગમાં કરવા માટે જાય છે.

ખરેખર એમનું ઘર એક ઉત્તમ ઘર ગણાય છે. અને લોકોએ એમની પાસેથી કઈંક ને કઈંક શીખવું જોઈએ. એમની વિચારસરણી અને એમની યોજનાઓ પ્રશંસનીય અને સમ્માન પાત્ર છે. તો મિત્રો, અહીં આપણે વિરામ લઈએ છીએ, અને આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.