સુરતની નજીક કામરેજમાં આવેલા ગળતેશ્વર મહાદેવમાં કુદરતને ખોળે વોટરપાર્કથી પણ વધુ મજા માણો.

0
4942

મિત્રો તમે બધાએ ગળતેશ્વર મહાદેવનું નામ તો સાંભળ્યું જ હશે. આમ તો આપણા ગુજરાતમાં બે સ્થળ ઉપર વિરાજેલા ગળતેશ્વર મહાદેવ ઘણા જાણીતાં છે. એમાંથી એક પ્રાંતિજ પાસે વિરાજેલ ગળતેશ્વર મહાદેવ, અને બીજું ઠાસરા પાસેનું ગળતેશ્વર મહાદેવ છે.

પણ જણાવી દઈએ કે, આ સિવાય પણ એક ગળતેશ્વર મહાદેવ છે ડાયમંડ સિટી સૂરતથી 39 કી.મી. અને ભરૂચથી 76 કી.મી. દૂર આવેલું છે. આ સ્થળ સૂરત જીલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું છે. આ ગળતેશ્વર મહાદેવ બોધાન ગામની નજીક આવેલુ છે. જો કે આ એટલું વધારે પ્રસિદ્ધ નથી. પણ ધીરે ધીરે એની પણ પ્રસિદ્ધિ વધી રહી છે. તો આવો, આજે આપણે આ ગળતેશ્વર મહાદેવ વિષે જણાવીએ.

મિત્રો સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, આ સ્થળે પહોંચવા માટે ભરૂચથી સૂરત હાઈવે પર આશરે 60 કી.મી. દુર ડાબા હાથ તરફ એક નાનો એવો રસ્તો જાય છે. તે સ્થળે ‘ગળતેશ્વર મહાદેવ’, બોધાનનું બોર્ડ લગાવવામાં આવેલું છે. આ રસ્તા ઉપર 15 કી.મી. આગળ જતા સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે બોધાન ગામ આવેલું છે. ત્યાંથી તાપી નદી પરનો પૂલ ઓળંગીને સામે કિનારે જઈએ એટલે તરત જ જમણી તરફ ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ગળતેશ્વર મહાદેવમાં શિવજીની 62 ફૂટ ઉંચી મૂર્તિ છે, અને આ મૂર્તિ રોડ ઉપરથી જોઈ શકાય છે. ટીંબા ગામ અહીંથી થોડું જ દુર છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગળતેશ્વર મહાદેવના મંદિરના પ્રવેશદ્વારની કમાન અતિ ભવ્ય છે. તેની ઉપર મોટા અક્ષરે ‘ઓમ નમઃ શિવાય’ લખવામાં આવેલ છે. પ્રવેશ મેળવ્યા પછી અંદર વિશાળ પ્રાંગણ આવેલ છે તેની ડાબી તરફ સુંદર ભોજનાલય આવેલ છે, તેની ઉપર ‘માતાપિતા સ્મૃતિભવન ભોજનાલય’ લખવામાં આવેલ છે. જમણી તરફ વિશ્રામ કરવા માટે, લાઈનબંધ મંડપો બાંધવામાં આવેલ છે, એ ઘણું આલ્હાદક કહેવાય છે.

તેમજ અહીં બેસવા માટે સુંદર બાંકડા અને બાળકો માટે હીંચકા પણ છે. આગળ જતાં, એકદમ સામે જ શિવજીની 62 ફૂટ ઉંચી વિશાળ મૂર્તિ છે. આટલી ભવ્ય મૂર્તિ જોઇને આપણું મન પણ આનંદમય બની જાય છે. મનમાં એવું થાય કે મૂર્તિ સામે ઉભા રહીને સતત જોયા જ કરીએ. મૂર્તિની સામે મોટો નંદી છે. મૂર્તિની નીચે એક ગુફા આવેલી છે, જેમાં તમને બાર જ્યોતિર્લીંગનાં દર્શન થશે. કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાબલેશ્વર આમ આખા ભારતની જ્યોર્તિલિંગની આબેહુબ નકલ અહીં તૈયાર કરવામાં આવી છે. એ ઉપરાંત, અહીં એક સ્ફટિકનું લીંગ પણ આવેલું છે. શિવજીની આ મૂર્તિની સામે ચોગાનમાં ઉભા રહેવાથી ઘણો આનંદ થાય છે.

આ શિવજીની મૂર્તિની બરોબર સામે જમણી તરફ ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ત્યાં આશરે 15 જેટલા પગથિયાં ચડીને જઈએ એટલે શિવજીનાં દર્શન થઇ શકે છે. ડાબી તરફ શ્રી રામ, માતા સીતા અને લક્ષમણનું મંદિર આવેલ છે. અહીં શંભુભોળાની મૂર્તિની જમણી તરફ તાપી નદી વહે છે. જે મંદિરની આગળની તરફથી જોઈ શકાય છે. આટલી ઉંચી જગ્યાએથી દૂર દૂર સુધી દેખાતી આ નદીનું દ્રશ્ય નિહાળવું એ એક જુદા જ પ્રકારનો આનંદ છે.

મંદિરની પાછળ આવેલ નારદીગંગા નદી વહે છે, અને તેનું તાપીમાં મિલન થાય છે. અને ત્રીજી ગુપ્તગંગા નદીનું પણ અહીં તાપીમાં મિલન થાય છે. આ પ્રકારે મંદિરની પાછળ ત્રિવેણી સંગમ થાય છે. આ સંગમમાં સ્નાન કરવું પવિત્ર ગણવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે, તેમાં સ્નાન કરવાથી શરીરમાં થયેલ કોઢ પણ મટી જાય છે.

અહિયાં ઘણા મોટા પ્રમાણમાં લોકો સ્નાન કરવા આવે છે. અહિયાં મહિલા અને પુરુષો માટે સ્નાન કરવા માટે જુદા જુદા કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને અહિયાં સ્નાન કરવામાં ઘણો આનંદ થાય તેવા પ્રકારનું કુદરતી સોંદર્ય છે.

ભોળા શિવજીની મૂર્તિની બાજુમાં ‘ગંગોત્રી ત્રિવેણી સંગમ સ્નાનાગાર’ નું બોર્ડ લગાવવામાં આવેલ છે, અહીંયાથી પ્રવેશ ટીકીટ મેળવીને, ૧૧૧ પગથિયાં નીચે ઉતરવાથી નીચેની ત્રિવેણી સંગમ પાસે જઈ શકાય છે. નારદીગંગા તાપીને મિલન પહેલાં તેમાં ચેકડેમ જેવું બનાવી એક પછી એક એમ બે મોટા કુંડ બનાવવામાં આવેલ છે. અને નદીનું પાણી પહેલાં એક કુંડમાં જઈ પછી બીજામાં કુંડમાં પડે છે. આ પાણી ધોધરૂપે, કાણાંમાંથી પસાર થઈને અથવા પગથિયાં પર વહીને આમ વિવિધ રીતે પડતું હોય છે. તેમાં ઉભા ઉભા નહાવાથી ખુબ જ આનંદ આવે છે. કુંડ, ધોધ તથા વહેતા પાણીનો દેખાવ ઘણો જ અલ્હાદ્ક હોય છે.

ભક્તો આ સ્થળે સ્નાનનો ભરપુર આણંદ માણે છે, અને અંદર ઉત્પન્ન થતા આનંદની ચિચિયારીઓ પણ પાડતા જોવા મળે છે. કુંડની આસપાસમાં સ્વચ્છતા પણ ખુબ જ સારી રાખવામાં આવે છે, કોઈએ પણ ડૂબવાનો જવાનો કે તાપી નદીમાં તણાઈ જવાનો ભય રહેતો નથી. મહિલાઓ માટે પણ કપડાં બદલવા માટે રૂમની સરસ સગવડ રાખવામાં આવેલ છે. તેમજ અહિયાં આરામ કરવાની પણ સારી વ્યવસ્થા છે. અને રાત્રી રોકાણ માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રવેશદ્વારની સામે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, બોધાનનું ગૌતમેશ્વર મહાદેવ પણ જાણીતું સ્થળ છે. અહીયા દર બાર વર્ષે આવતા કુંભમેળાના સમયે મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. અને મંદિર સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. તમે પણ ક્યારેક સમય કાઢીને આવા અનેરા સ્થળ ઉપર જરૂર મુલાકાત લેશો એવી અમે આશા રાખીએ. જય ભોલે, હર હર મહાદેવ, જય ગળતેશ્વર મહાદેવ.