સુરતના ફેમસ “કુંભણિયા” બનાવવાની રેસિપી જાણી લો, અને એને ઘરે બનાવી એના સ્વાદની મજા માણો.

0
2179

જો ખાવાની વાનગીઓની વાત કરીએ, તો દરેક પ્રાંતની કોઈ એક વાનગી ખુબ પ્રખ્યાત હોય છે. જેમ કે પીઝા ઇટલીની ફેમસ વાનગી છે, અને પાઇ અમેરિકાની ફેમસ વાનગી છે. પણ ભારતીય પ્રાંતોમાં તો ઘણા બધા વ્યંજનો જોવા મળે છે, જે પ્રખ્યાત હોય છે.

ભારત દેશની વાત કરીએ તો આપણા દેશમાં કુલ 29 રાજ્યો છે. અને આપણે ત્યાં ભાષાની સાથે સાથે વ્યંજનો પણ અલગ અલગ જોવા મળે છે. અને દરેક વ્યંજનમાં ઘણો ફરક જોવા મળે છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ થાળી અને વાનગી જોવા મળે છે, જે ફેમસ ખુબ ફેમસ હોય છે. આપણે ભોજનને જેટલું મહત્વ આપીએ છીએ, એટલું ફરસાણને પણ મહત્વ આપીએ છીએ. આ ફરસાણ આપણને એટલા પ્રિય હોય છે કે, આપણે કોઈક વાર ભોજન કરવાના બદલે એ જ ખાઈ લઈએ છીએ.

અને ફરસાણની વાત કરીએ તો એમાં સૌથી વધારે પ્રખ્યાત હોય છે ભજીયા. ફરસાણ સાથે આપણને ભજીયા શબ્દ આવે તો આપણા મગજમાં ભજીયાનો ફોટો આવી જાય છે, અને તેને ખાવાની ઈચ્છા જાગી જાય છે. અમદાવાદીઓની વાત કરીએ, તો રાયપુરના ભજીયા અને સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનારની વાત કરીએ, તો ત્યાં પ્રખ્યાત છે કુંભણિયા ભજીયા. એટલે ભજીયા સાથે જે નાની નાની મમરી હોય છે, એ ટાઈપનાં ભજીયાને કુંભણીયા કહે છે, જે કાઠીયાવાડનું ફેમશ ફરસાણ છે, અને સુરતીઓ પણ તેના ચાહક બની ગયા છે.

ભજીયા ઘણા બધા સ્વરૂપમાં હોય છે. આપણે ગુજરાતમાં એને ભજીયા કહીએ છીએ, તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંદ્ર પ્રદેશમાં આને ભજ્જી કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને પકોડા તરીકે ઓળખવામાં આવે છે, અને વિદેશમાં પણ આના અલગ અલગ નામ છે. જેમ કે અમેરિકામાં ભજિયાને ફ્રિટર બોલવામાં આવે છે. બધી જગ્યાએ આપણને ભજીયા જોવા મળે છે, પણ તેના નામ અલગ હોવાની સાથે તેના સ્વાદ અલગ હોય છે. પણ તેને બનાવવાની રીત એક જ હોય છે.

ઇતિહાસ કુંભણિયા ભજીયાનો :

મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના ફેમસ કુંભાણીયા ભજીયાની. કુંભણ એ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું ગામ છે, જેના નામ પરથી આ નામ પાડવામાં આવ્યું છે કુંભાણીયા ભજીયા. અને આ જે કુંભણ ગામ છે ત્યાંથી જ કુંભણિયા ભજીયાની શરૂઆત થઇ હતી. અને કુંભણ ગામનું પારંપરિક વ્યંજન કુંભાણીયા ભજીયા જ છે.

પહેલા આ ભજીયા કુંભણ ગામમાં વેચાતા હતા, પરંતુ આ ભજીયા સામાન્ય ભજીયા કરતા સ્વાદમાં અલગ હોવાના કારણે તે ધીરે ધીરે લોકપ્રિય થવા લાગ્યા અને લોકો કુંભણ ગામ માંથી આની રેસિપી શીખીને અથવા ગામના લોકો બીજા ગામ જઈને આ વેચવા લાગ્યા. અને આ ભજીયા લોકપ્રિય થઇ ગયા. આ હમણાં સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનગરનો ફેમસ ફરસાણ તરીકે ઓળખાય છે.

જણાવી દઈએ કે, આ ભજીયાની મુખ્ય વિશેષતા એ છે કે, આમાં કોઈ પણ પ્રકારના ખાવાનો સોડા કે લીંબુના ફૂલ નાખવામાં આવતા નથી. એટલે આ બીજા ભજીયા કરતા અલગ પડે છે. સાથે તે વધુ સ્વાસ્થ્યપ્રદ પણ કહી શકાય. આ ભજિયાંમાં લીલું લસણ, લીલા મરચા અને લીલા ઘાણા ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે, તેને કારણે તેનો સ્વાદ વધી જાય છે અને એક હેલ્ધી વિકલ્પ પણ છે.

આમ તો બજારમાં બે પ્રકારના કુંભણિયા ભજીયા જોવા મળે છે, તેમાં એક એ આવે છે જેમાં લાલ-લીલા મરચાના પટ્ટી ભજીયા હોય છે. અને બીજા આવે છે શાકભાજીને ઝીણી સંભારીને બનાવામાં આવતા ભજીયા હોય છે. તો ચાલો જાણીએ કુંભણિયા ભજીયા બનાવવાની રીત.

જરૂરી સામગ્રી :

500 ગ્રામ બેસન (ચણાનો ઝીણો લોટ),

500 ગ્રામ મરચા તમારા સ્વાદ અનુસાર (તીખા કે મોળા તમારા ઘર સભ્યોનાં ટેસ્ટ પ્રમાણે),

250 ગ્રામ આદુ,

250 ગ્રામ લીલા લસણ,

250 ગ્રામ લીલા ઘાણા,

1 લીંબુ (રસ નીકળી લેવાનું),

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

એના માટે સૌથી પહેલા તમારે કોથમીર, મરચા, લીલા લસણ અને આદુને ઝીણા સમારી લેવાના છે. તેમજ જો તમે પટ્ટી ભજીયા બનાવો છો, તો લીલા મરચાને ઉભા કાપી નાખવાના છે, અને તેના અંદરના બીજ કાઢી લેવાના છે, જેથી તેની તીખાશ ઓછી થઇ જાય. બધી શાકભાજી ઝીણી સમારી લીધા પછી, તમારે ફક્ત ખીરું બનાવવાનું છે.

ખીરું બનાવવાની રીત :

જણાવી દઈએ કે, આ ભજીયા બનાવતી વખતે તમારે ખાસ કરીને તેનું ખીરું બનાવતા સમયે ધ્યાન રાખવાનું હોય છે. તેના માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં ચણાનો લોટ લઇ લો. તેમાં આપણે જે સમારેલા લીલા લસણ, કોથમીર, મરચા, આદુ, મીઠું અને લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો છે, અને તેમાં પાણી ઉમેરીને જેમ ભજીયાંનું ખીરું બનવાનું હોય તેમ બનવાનું છે, પણ તેને થોડું જાડુ રાખવાનું છે.

ખીરું તૈયાર થઇ ગયા બાદ તમને તેને તેલમાં તળતી વખતે પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. તેને જો તમે એક સાથે તળશો અને તેના મોટા ભજીયા કરવા જાસો તો તે અંદરથી કાચા રહી જશે, અને જો તમે નાના કરવા જશો તો તે બળવાની સંભાવના રહેશે, એટલે તળતી વખતે તેનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

કુંભણીયા ભજીયા જે કારીગરો બનાવે છે, તે કારીગરો ખરીઉ કળા દ્વારા આ ભજીયા પાડે છે. તેઓ તેમની આ કળા દ્વારા ખુબ શાંતિથી અને પોતાની આંગળીઓ અને અગુંઠાનો પ્રયોગ કરીને આ ભજીયા પાડે છે. તેના કારણે તે ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે, આ રીતે થઇ ગયા તમારા કુંભણિયા ભજીયા તૈયાર.

પટ્ટી વાળા કુંભણિયા ભજીયા બનાવની રીત : (વિડીયો નીચે છે.)

વિડિઓ જુઓ :

મિત્રો પટ્ટી ભજીયા માટે પણ તમે ઉપર જણાવેલ ખીરાનો ઉપયોગ કરી શકો છો. પણ તમારે એમાં મરચાનો ઉપયોગ કરવાનો નથી. આના માટે તમારે બેસન, લીલા લસણ, મીઠું, આદુ, કોથમીર, લીંબુ નાખી એને તૈયાર કરવાનું છે. તમે ઉપરના કુંભરીયા ભજીયા બનાવો તેનું ખીરું થોડું જાડુ રાખવાનું છે. જ્યારે પટ્ટી ભજીયા બનાવો તો તેનું ખીરું પાતળું રાખવાનું છે, જેથી મરચા દરેક બાજુથી કવર થઇ શકે. હવે તેને ફ્રાઈ કરી લેવાનું છે. ફ્રાઈ થઇ ગયા પછી તૈયાર છે તમારા પટ્ટી કુંભણિયા ભજીયા.

આ રેસિપી જાણી તમે પણ તમારા ઘરે જ એક વાર આ વાનગી બનાવીને જુઓ અને તેનો સ્વાદ માણો, શરૂઆતમાં તમારે ભજીયા બનાવવામાં તકલીફ પડશે પણ થોડા સમય પછી બહાર માર્કેટમાં મળતા ભજીયાની જેમ બનાવી શકશો.