સુરત શહેરના વિશિષ્ટ આકારમાં બનેલા આ મહાલક્ષ્મી મંદિરમાં વિરાજે છે 3 દેવીઓ, કરે છે ભકતોની મનોકામના પુરી.

0
406

એ વાત તો તમે બધા જાણો છો કે, લક્ષ્મી માતા હિંદુ ધર્મના એક મુખ્ય દેવી છે. લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુની પત્ની છે. હિંદુ ધર્મમાં તેમને ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ધનતેરસના દિવસે શ્રીગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે પણ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.

જેના પર લક્ષ્મી માતા મહેરબાન થાય છે, તે દરિદ્રતા, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતા નથી. લક્ષ્મી માતા તેમને સુખ, સૌભાગ્ય અને ધન આપે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ ‘શ્રી’ કહેવાય છે. અને જ્યાં આ સદગુણો હોય છે ત્યાં દરિદ્રતા રહેતી નથી. એટલે તો આપણા વડીલો કહે છે કે, જે ઘરમાં સ્વચ્છતા હોય અને લોકો હળીમળીને પ્રેમથી રહેતા હોય ત્યાં લક્ષ્મી વાસ કરે છે. માં લક્ષ્મી પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા.

અને આજે અમે તમને સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ લક્ષ્મી માતાના મંદિર વિષે જણાવીશું. તે મંદિરને મહેરુ મહાલક્ષ્મી માતાના ધામ તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે, આ મંદિરની આકર્ષક અને અનોખી બનાવટ આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે. એક પર્વતના આકારમાં બનેલું આ મંદિર ભકતો માટે આસ્થાનું પ્રતિક છે.

મહેરુ એટલે પર્વત અને આ મંદિરની બનાવટ પણ પર્વત આકાર જેવી જ છે, આથી તેને મહેરુ લક્ષ્મી મંદિર કહેવામાં આવે છે. આ મંદિરને રાજરાજેવારી માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર જમીનથી 130 ફૂટ ઊંચું છે. આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં સૌથી ઉપર શિખર અને વચ્ચે લક્ષ્મી માતાને વિરાજમાન કરવામાં આવ્યા છે. અને સૌથી નીચે શેષનાગ છે. તે એ વાત દર્શાવે છે કે દરેકનો ભાર શેષનાગ ઉપર છે.

આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે આવેલા ભક્તો પોતાની પ્રદક્ષિણા સહેલાઇથી કરી શકે તેના માટે 3 માળની ગોળાકાર પ્રદક્ષિણા પણ બનાવવામાં આવી છે. ભક્તો પ્રદક્ષિણા કરતા કરતા મંત્ર જાપ કરે છે. જણાવી દઈએ કે આ મંદિર 40 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં 108 કમળના પાંદડા ઉપર 3 માતાજીની મૂર્તિ વિરાજમાન છે. આ મૂર્તિઓ જયપુરથી લાવવામાં આવી હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલું આ શ્રીયંત્ર પર આધારિત મંદિર રાજરાજેવારી માતાનું મંદિર છે. આ મંદિરમાં ત્રણ માતાઓ વિરાજમાન છે. મહાકાળી માતા જે સત્યની દેવી છે, મહાલક્ષ્મી માતા જે ધનની દેવી છે અને સરસ્વતી માતા જે વિદ્યાની દેવી છે. આ ત્રણેય દેવીઓ એક જ મંદિરમાં કમળના સિંહાસન પર વિરાજમાન છે. વિદ્યા, બુદ્ધિ, યશ, કીર્તિ અને ધન આપનાર આ દેવી મંદિરમાં આવતા ભક્તોની મનોકામનાઓ પુરી કરે છે.

સોનાના રંગવાળું મહેરુ યંત્ર આ મંદિરની શોભા વધારે છે. જે કમળની ઉપર માતાજીની પ્રતિમા સાથે મુકવામાં આવ્યું છે. આ યંત્રના આધાર ઉપર જ આ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરમાં વિરાજમાન ત્રણ દેવીઓનું સ્વરૂપ એકરૂપમાં થાય છે, જેને ત્રિપુરા સુંદરી દેવીઓ કહેવામાં આવે છે. જેના રૂપ વિષે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જાણતા નથી એવા ભગવતી મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી એકરૂપ થઈને વિરાજમાન છે. વિશેષ આકારમાં બનેલા આ મંદિરના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. તેમને વિશ્વાસ હોય છે કે માં મહાલક્ષ્મી તેમની મનોકામના પુરી કરશે.