સુરત ની આ યુવતીને છેલ્લા સ્ટેજનું બ્રેઈન ટ્યુમર છે, છતાં બે વર્ષમા શહેર માટે કર્યું મહાન કામ વાંચો એમનો પત્ર

0
1463

સુરત શહેરની એક યુવતીના સમાચાર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યાં છે. એને છેલ્લા સ્ટેજનું બ્રેઈન ટ્યુમર છે, છતાં પણ તેમણે પર્યાવરણ માટે એવું કામ કર્યું છે, જે આજકાલ સ્વસ્થ વ્યક્તિ પણ નથી કરી રહ્યાં. પર્યાવરણ માટે ચિંતા નહિ પણ પર્યાવરણ માટે કામ કરવું જોઈએ. જે શ્રુચી વડાલીયા એ કરી બતાવ્યું છે. મળેલી જાણકારી અનુસાર એ યુવતીની ઉંમર માત્ર 27 વર્ષ છે અને એને બ્રેઈન ટ્યુમર છે એ પણ છેલ્લા સ્ટેજનું. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં પણ તે કોઈ પણ જાતના ડર વગર શાનથી જીવી રહી છે.

જણાવી દઈએ કે યુવતીનું નમા શ્રુચિ વડાલીયા છે. એને પર્યાવરણ પ્રત્યે ઘણો પ્રેમ છે. કેન્સરની બીમારીથી પીડિત આ યુવતી એક ગજબનું કામ કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર તે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી બીજા લોકોને કેન્સર ન થાય એટલા માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. અને પર્યાવરણને બચાવવા માટે શ્રુચિ 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી ચૂકી છે.

આ બાબતે શ્રુચિનું કહેવું છે કે, ‘મારી અંતિમ ઈચ્છા એ છે કે, હું અસંખ્ય વૃક્ષો ઉગાડું. હું શારીરિક રીતે તો મૃત્યુ પામીશ પરંતુ, વૃક્ષોના કારણે હું લોકોના શ્વાસમાં જીવીશ.’ એટલું જ નહિ શ્રુચીએ સુરતીઓ માટે એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેણે પોતાના મનની વાત જણાવી છે. એ પત્રમાં લખેલા શબ્દો કંઈક આ રીતે છે.

પ્રિય શહેરીજનો, મારા જીવનનો કેટલો સમય બચ્યો છે એ મને નથી ખબર. મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ત્યારે મને અચાનક જ દેખાતું બંધ થઈ ગયું અને હું બેભાન થઈ ગઈ, તેઓ મને હોસ્પિટલ પર લઈ ગયા. અને ડોક્ટરે જ્યારે કહ્યુ કે, ‘બ્રેઈન ટ્યુમર છે’ ત્યારે મને એમ લાગ્યું કે, ડોક્ટર મારી સાથે મજાક કરી રહ્યાં છે. મને તેમની વાત પર ભરોસો જ ન હતો. ત્યારબાદ અમે 25 ડોકટર્સ પાસે રિપોર્ટ કરાવ્યા, અને તમામ ડોક્ટરે મને એક જ વાત કહી ‘બ્રેઈન ટ્યુમર છે.’

તમને કોઈ કહેશે કે તમને કેન્સર છે, તો તમને શું થાય? હું પણ આ વાતને સ્વીકારી શકતી ન હતી. બીજા દિવસે જયારે મને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવી ત્યારે હું સજાગ થઈ ગઈ હતી. કારણ કે, ‘મે મારા જીવનમાં અનેક સપના જોયા હતાં. મારા સપના અને મારી ઈચ્છાઓ હજી તો હું કોઈની સામે વ્યક્ત કરું તે પહેલાં જ જીવન મારી નજર સામે જ સમેટાઈ જતી હોય તેવું મને લાગી રહ્યું હતું. મારા દિલ અને દિમાગમાં અસહ્ય પીડા થઈ રહી હતી.

તે આગળ જણાવે છે કે, જીવનનું રહસ્ય ઉકેલી શકું તે પહેલાં મારી નજર સામે મારૂ જીવન સમેટાઈ રહ્યું હતું, સંકેલાઈ રહ્યું હતું. ત્યારે મને એમ પણ થયું કે, આવી અસાધ્ય બીમારી મને જ શા માટે થઈ? ધીમે ધીમે દિવસો વીતી રહ્યા હતા, બધું જ નોર્મલ થઈ રહ્યું હતું. તમને સૂંઘવી ન ગમે એવી વસ્તુ તમારી પાસે મૂકવામાં આવે તો તમારી કેવી હાલત થાય? પરંતુ મારે તો સૂંઘવી પણ ન ગમે તેવી દવાઓના ડોઝ રોજ લેવો પડતો.

કિમો થેરાપી, રેડિયેશન થેરાપી અને રોજ હોસ્પિટલના રોજ ધક્કા. આ તમામ ઘટનાઓના કારણે મારા જીવનમાં અચાનક જ ભૂકંપ આવ્યો હોય તેવું મને લાગી રહ્યું હતું. કોલેજની જગ્યાએ રોજ મારે હોસ્પિટલ પર જવું પડતું હતું. હું અત્યાર સુધીમાં 36 વખત કિમો થેરાપી અને 36 વખત રેડિયેશન સારવાર લઈ ચુકી છું. અને કિમો થેરાપીને કારણે મારા વાળ પણ ખરી ગયા છે. જયારે મને કેન્સરની જાણ થઈ એટલે મેં નક્કી કર્યુ કે, હું હવે લગ્ન નહીં કરું.

તે આગળ લખે છે કે, જ્યારે હું ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, ત્યારે સારંગ ઓઝા મારા સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ અમે સારા ફ્રેન્ડ બની ગયા હતાં. અને મને કેન્સર છે, એની ખબર હોવા છતાં પણ સારંગે મારી સાથે લગ્ન કર્યા. તેણે દરેક સમયે મને સપોર્ટ કર્યો.

સાહેબ આ તો મારી જિંદગીની વાતો છે, પરંતુ જ્યારે તમે કેન્સરની હોસ્પિટલમાં જઈને જોશો તો તમારા શરીરમાંથી કંપારી છૂટી જશે. જ્યારે હું સારવાર લેવા માટે જતી હતી, ત્યારે કેન્સરની સારવાર લેવા માટે આવેલા ફૂલ જેવા નાના ભૂલકાઓને જોઈને હું રીતસર રડી પડતી હતી. દુનિયામાં આવું શા માટે થઈ રહ્યું છે?

એ દરમ્યાન મનમાં વિચાર આવતો કે, શું કેન્સરને અટકાવી ન શકાય? ત્યારે મને એક રસ્તો દેખાયો, કેન્સરને અટકાવવા માટે વૃક્ષો ઉગાડી શકાય. મારી જિંદગી તો ખરાબ થઈ હતી, પરંતુ હવે આવનારી પેઢીની જિંદગી ખરાબ ન થાય તે માટે મેં વૃક્ષો ઉગાડવાની શરૂઆત કરી. મને બ્રેઈન ટ્યુમર છે એની જાણ થઈ ત્યારથી જ મને ખબર પડી કે, પર્યાવરણને આપણે બચાવવું પડશે, પર્યાવરણ પ્રદૂષણના કારણે કેન્સર જેવી ભયાનક બીમારીઓ થઈ રહી છે.

મને તો કેન્સર થઈ ગયુ છે. પણ ખરાબ પર્યાવરણને કારણે બીજા લોકોને કેન્સર ન થાય, એટલા માટે હું છેલ્લાં 2 વર્ષથી વૃક્ષારોપણ કરી રહી છું. અત્યાર સુધીમાં મેં 1100 વૃક્ષો ઉગાડ્યાં છે. તમે પણ એક વૃક્ષ ઉગાડીને અનેક લોકોની જિંદગી બચાવી શકો છો.

મિત્રો, આટલી ગંભીર બીમારી હોવા છતાં પણ જો શ્રુચી આ કામ કરી શકે છે, તો આપણે કેમ નહિ? આપણી પણ ફરજ બને છે કે, આપણે પર્યાવરણના રક્ષણ માટે અને આપણી આવનારી પેઢી માટે જરૂરી પગલાં ભરીએ. શ્રુચીના કહેવાનો ભાવાર્થ સમજીને તમે પણ તમારી શક્તિ અનુસાર વૃક્ષારોપણ કરો એવી આશા સાથે જય હિન્દ.