હવે સોફ્ટવેર તમારા ચહેરા પરથી તમારી સ્ટ્રેસ માપી લેશે, ભારતીય વિદ્યાર્થીએ બનાવ્યું આ સોફ્ટવેર.

0
815

મિત્રો, પોતાની જરૂરિયાતો પુરી કરવા અને સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ કામ કરવું જરૂરી છે. પણ ઘણી વાર એવું થાય છે કે, કામનું ભારણ વધી જાય કે પછી અન્ય કોઈ ઘરેલું સમસ્યાને કારણે વ્યક્તિને સ્ટ્રેસ એટલે કે તણાવ થવા લાગે છે. આ સ્ટ્રેસને લીધે વ્યક્તિનું મન કોઈ કામમાં લાગતું નથી અને એનાથી વધુ ભયંકર વાત તો એ છે કે, સ્ટ્રેસને લીધે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને તે ન કરવાનું કામ કરી બેસે છે.

ઘણા કિસ્સામાં સ્ટ્રેસને લીધે વ્યક્તિ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી છે. તમે પોતે જ એવા ઘણા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા હશે કે, કોઈ વ્યક્તિએ વર્કલોડને કારણે કે સ્ટ્રેસને કારણે આત્મહત્યા કરી છે. તો એવા સંજોગમાં જો વ્યક્તિના સ્ટ્રેસ લેવલને માપી લેવામાં આવે તો સમયસર જરૂરી પગલાં લઈને વ્યક્તિને ખોટું પગલું ભરતા અટકાવી શકાય છે.

અને આજે અમે તમને એક એવા સોફ્ટવેર વિષે જણાવવાના છીએ જે વ્યક્તિના ચહેરા પરથી એમની સ્ટ્રેસની માપી શકે છે. અને તમને એ જાણીને ગર્વ થશે કે આ સોફ્ટવેર બનાવવામાં સૌથી વધુ ફાળો આપણા ભારતના વિદ્યાર્થીનો છે. એ વિદ્યાર્થી છે ગણપત યુનિવર્સીટીનો જસ દિયોરા.

જણાવી દઈએ કે, જસ દિયોરા મેકાટ્રોનિક્સ એન્જીનિયરીંગનો વિદ્યાર્થી છે. અને તેનું જાપાનમાં યોજાયેલી એમઆઈટી બુટકેમ્પ કોમ્પિટિશનમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું. આમાં વિશ્વના ટોપ 100 વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે અને એમાંથી એક જસ દિયોરા હતો. અહીંયા પોતાની ટીમ સાથે મળીને 20 કલાકના સમયમાં એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવાના હોય છે.

અને અહીંયા જસ દિયોરાએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને ઓફિસના વર્ક લોડને કારણે સ્ટ્રેસ રેકોગ્નાઈઝ કરતું એક સોફ્ટવેર બનાવ્યું છે એનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. અને આ સોફ્ટવેરને પ્રેઝન્ટ કરતાંની સાથે જ એમને સ્ટેજ પરથી જ આ પ્રોજેક્ટ માટે ઈન્વેસ્ટર મળી ગયા હતા.

જસ દિયોરાએ જયારે જાપાનમાં વર્ક લોડના કારણે એક મહિલાના 19માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરવાના સમાચાર સાંભળ્યા હતા, ત્યારે એને આ બાબતે કંઈક પગલું ભરવાનો વિચાર આવ્યો. આથી એણે વિદેશી ટીમના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને સ્ટ્રેસ ફેસ રીડિંગ નામનું સોફ્ટવેર ડેવલપ કર્યું.

હવે તેઓ પોતાની ટીમ સાથે વધારે સારી રીતે કામ કરીને આ પ્રોજેક્ટને આગળ વધારી રહ્યા છે, અને આ સોફ્ટવેરને જાપાનમાં જ લોન્ચ કરવાનો એમનો વિચાર છે.

આ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે એ બાબતે જસ દિયોરાએ જણાવતા કહ્યું હતું કે, ઓફિસના ગેટની બહાર જ્યાં કર્મચારીઓ પોતાનું આઈકાર્ડ ટેપ કરીને ઓફિસની અંદર પ્રવેશ કરે છે, ત્યાં કેમેરા રાખેલા હશે. અને એમના દ્વારા આઈકાર્ડ ટેપ કરતાંની સાથે જ એ કેમેરા વીડિયો ફીડ લેશે. એનાથી વ્યક્તિના હોઠ, સ્માઈલ, ફેસ મસ્લસ અને આંખોથી ખબર પડી જશે કે વ્યક્તિ સ્ટ્રેસમાં છે કે નહિ. અને આ કેમેરા દ્વારા લેવાયેલો ડેટા કમ્પ્યુટરથી પ્રોગ્રામમાં સ્ટોર થશે.

જસ દિયોરાએ આગળ જણાવ્યું કે, એમણે આ કામ માટે પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર બનાવ્યા છે. અને એમના આ સોફ્ટવેરમાં એવા અલ્ગોરિધમ સેટ કરવામાં આવ્યા છે, જે ચહેરા પરથી એનાલિસીસ કરે છે. અને કર્મચારીઓના આ ડેટા વીકલી અને મંથલી સ્ટોર રહેશે. એના પરથી કર્મચારીની મુશ્કેલી વિશે જાણી શકાશે અને તેને યોગ્ય સલાહ સૂચન મળી રહેશે. અને એને સ્ટ્રેસ ફ્રી રહેવા માટેની તેમજ અન્ય જરૂરી મદદ મળી રહેશે.