આ છે તે 8 રીત,જેની મદદથી તમે પોતાના ઘરમાં સરળતાથી વરસાદના પાણીને સ્ટોર કરી શકો છો

0
901

દેશના મોટાભાગના વિસ્તારમાં લોકો પાણીની કમીની સમસ્યા સામે લડી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દેશના 21 શહેરોમાં વર્ષ 2020 સુધી ગ્રાઉન્ડ વોટર(ભૂગર્ભ જળ) ખલાસ થઇ જશે. એટલે કે આપણો દેશ પોતાના ઇતિહાસના સૌથી મોટા જળ સંકટના કાળચક્રમાંથી પસાર થઇ રહ્યો છે. એનાથી બચવાનો એક માત્ર ઉપાય છે વરસાદના પાણીનું સંરક્ષણ કરવું. આવો જાણીએ અમુક એવા સરળ ઉપાય વિષે જેની મદદથી તમે સરળતાથી પોતાના ઘરમાં પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ કરી શકો છો.

1. રેઇન બેરલ (Rain Barrel) : વરસાદના પાણીને સ્ટોર કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. એના માટે તમારે ધાબા પરથી આવતા પાઇપને એક બેરલ(ડ્રમ) સાથે જોડી દેવાનો છે. જયારે પણ વરસાદ થશે તો આ ડ્રમમાં ધાબા પરનું બધું પાણી ભેગુ થઇ જશે. એને તમે પાછળથી ઉપયોગમાં લઇ શકો છો.

2. રેઈનવોટર સીરીંજ સિસ્ટમ (Rainwater Syringe System) : આ ટેક્નિકની શોધ કેરલના કે.જે. અંતોજી(KJ Antoji) એ કરી હતી. આની મદદથી તમે જમીનમાં બોરવેલ જેવો ઊંડો ખાડો બનાવીને એમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકો છો. પછી જરૂર પડ્યે મોટરની મદદથી એને બહાર ખેંચી ઉપયોગમાં લઇ શકો છો.

3. અપસાયકલેડ બોટલ રેઇન ચેઇન (Upcycled Bottle Rain Chain) : બોટલ રેઇન ચેઇનમાં તમારે પીવીસીના પાઇપનો ઉપયોગ નથી કરવાનો હોતો. વરસાદના પાણીને બચાવવા માટે તમારે બસ અમુક કાચની બોટલ, એક ચેઇન અને એક ડ્રમની જરીર પડશે. આ દેખાવમાં પણ ઘણું સુંદર લાગે છે. એમાં બોટલોને વચ્ચેથી તોડી એની ધારને ઘસીને કોઈને વાગે નહિ એવી કરી દેવાની છે. પછી એમાંથી એક ચેઇન પસાર કરીને બોટલના મોં નીચેની તરફ રહે એ રીતે લટકાવી દેવાનું છે. પાણી એમાંથી પસાર થઈને સીધું ડ્રમમાં આવી જશે.

4. સ્પ્લેસ બ્લોક (Splash Block) : આને ધાબા પરથી આવતા પાઇપની નીચે લગાવવામાં આવે છે. આ મુખ્ય રીતે પ્લાસ્ટિક અથવા કોન્ક્રીટનું બનેલું હોય છે. આ ચોમાસા દરમ્યાન ધાબા પરથી આવતા પાણીના પ્રેશરને ઓછું કરીને જમીનમાં ખાડો થવાથી બચાવે છે. આની મદદથી માટીનું ધોવાણ પણ નથી થતું અને પાણીનો સંગ્રહ કરવામાં પણ સરળતા રહે છે.

5. રેઇન સોસર (Rain Saucer) : ઉંધી છત્રી જેવા દેખાતા આ ડિવાઈઝને તમે પોતાના ઘરે જ બનાવી શકો છો. એના માટે તમારે એક ડ્રમ અને બે પહોળા પ્લાસ્ટિક કન્ટેઈનર્સની જરૂર પડે છે. એની મદદથી તમે આકાશમાંથી આવતા વરસાદના પાણીને સીધું જ સ્ટોર કરી શકો છો.

6. રેઇન વોટર રિસર્વોઇર (Rain Water Reservoir) : આ રીતમાં ધાબા પરથી આવતા વરસાદના પાણીને એક ટેંકમાં ભેગું કરવામાં આવે છે. ત્યારબાદ એને ગાળીને ભૂગર્ભ ટેંકમાં સંગ્રહ કરવા માટે મોકલી દેવામાં આવે છે.

7. રેઇન ગાર્ડન (Rain Garden) : આ રીતની મદદથી તમે પાણીને ફિલ્ટર કરીને જમીનમાં મોકલી શકો છો. સાથે જ તમારા છોડને પણ પાણી મળી જશે. એના માટે તમારે પોતાના ઘરના ધાબા પરથી આવતા પાણીનો ગાર્ડનમાં અમુક અંતર પર સંગ્રહ કરવાનો રહેશે.

8. રિચાર્જ પીટ (Recharge Pit) : એની મદદથી તમે ભૂગર્ભ જળના સ્તરને વધારવામાં મદદ કરી શકો છો. આ મુખ્યત્વે 1 મીટર પહોળો અને લગભગ 6 મીટર ઊંડો ખાડો હોય છે. એમાં વચ્ચે વચ્ચે ઘણા કાણા હોય છે, જેનાથી અલગ અલગ લેવલ પર ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. તો આ વખતે તમે વરસાદના પાણીને એમ જ વહેવા ન દઈ એનો કોઈ એક રીતે સંગ્રહ જરૂર કરજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.