100 વર્ષ પહેલા વારાણસીમાંથી ચોરાઈ ગયેલ માં અન્નપૂર્ણાની મૂર્તિ, હવે કેનેડાથી આવશે પાછી.

0
172

જય માં અન્નપૂર્ણા : 100 વર્ષ પહેલા ચોરી થયેલી દેવી અન્નપૂર્ણાની અતિ પ્રાચીન મૂર્તિ કેનેડાથી પાછી ભારત આવશે.  દેવ દિવાળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશીના લોકોને એક મોટી ભેટ આપશે. પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે દરેક ભારતીયને એ વાત જાણીને ગર્વનો અનુભવ થશે કે, દેવી અન્નપૂર્ણાની એક પ્રાચીન મૂર્તિને કેનેડાથી ભારત પાછી લાવવામાં આવી રહી છે.

લગભગ 100 વર્ષ પહેલા 1913 માં, આ મૂર્તિ વારાણસીના એક મંદિરમાંથી ચોરી થઈ હતી અને તેની દેશની બહાર તસ્કરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, માતા અન્નપૂર્ણાનો કાશી સાથે ઘણો વિશેષ સંબંધ છે. હવે તેમની મૂર્તિ પાછી આવવી આપણા દરેક માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની મૂર્તિની જેમ જ આપણા વારસાની અનમોલ ધરોહરો આંતરરાષ્ટ્રીય ગેંગનો શિકાર થતી રહી છે. તેમાંથી ઘણા ફોટા અને મૂર્તિઓ પાછી લાવવામાં આવી છે.

હકીકતમાં આ મહિને 5 થી 25 નવેમ્બર સુધી કેનેડામાં યોજાયેલા વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત દરમિયાન ભારતીય મૂળની એક આર્ટિસ્ટ દિવ્યા મેહરાની નજર તે મૂર્તિ પર પડી અને તેમણે આ પ્રકરણને ઉઠાવ્યું, તો કેનેડા આ પૌરાણિક મહત્વની મૂર્તિ ભારતને સોંપવા માટે સહર્ષ તૈયાર થઇ ગયું.

તેને દેશમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કાશીમાંથી ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિને આ મહિને મેકેંજી આર્ટ ગેલેરીમાં રેજિના વિશ્વવિદ્યાલયના સંગ્રહમાંથી અંતરિમ રાષ્ટ્રપતિ અને વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ થૉમસ ચેસે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાને 19 નવેમ્બરે એક સાદા સમારોહમાં સોંપી પણ દીધી હતી.

સાથે સાથે જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સોમવારે કાશીમાં થનારી દેવ દિવાળીની ઉજવણીમાં શામેલ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ પર અયોધ્યાની જેમ જ કાશીમાં જન કાર્યક્રમના રૂપમાં દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દેવ દિવાળી પર કાશીના ઘાટો પર 15 લાખથી વધારે દીવા પ્રગટાવવામાં આવશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.