સોમનાથ મંદિર : સતયુગથી કળિયુગ સુધી ઘણા હુમલા થયા છતાં આજે પણ અડીખમ છે

0
2560

ગુજરાતમાં આવેલું છે ભોલેનાથનું પવિત્ર સોમનાથ મંદિર. આજે અમે તમને એના વિષે થોડી માહિતી જણાવીશું. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજીનું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ. આ મંદિરની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર – પ્રભાસ પાટણ :

ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના તીર્થ સ્થાનોમાં સોમનાથ મહાદેવનું મંદિર અગ્રીમ સ્થાન છે. સોમનાથ ગુજરાત રાજ્યના દક્ષિણ કાંઠે વેરાવળથી પાંચ કિલોમીટરના અંતરે પ્રભાસ પાટણના દરિયકાંઠે આવેલું છે. ભગવાન શંકર અનંત કાળથી આ તીર્થમાં વસીને રહ્યા છે. આ મંદિર ખુબજ મોટો ઇતિહાસ ધરાવે છે. ભારતમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સોમનાથ મહાદેવના આ લિંગનો સમાવેશ થાય છે. શિવ પુરાણ અનુસાર આ ભગવાન શિવનુ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથનો ઉલ્લેખ ૠગ્વેદમાં પણ થયેલો છે. આ તીર્થસ્થાનનો ઉલ્લેખ સ્કંદપુરાણ, શ્રીમદભગવતગીતા, શિવપુરાણ જેવા પ્રાચીનગ્રન્થોમાં પણ છે.

પૌરાણિક કથા :

સોમનાથ મહાદેવના મંદિર અને તેના નામ પાછળ એક પૌરાણિક કથા છે. હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવિસ કન્યાઓને સોમદેવ(ચંદ્રદેવ) સાથે પરણાવી હતી, જેમાં રોહિણી સૌથી વધારે સ્વરૂપવાન હતી, જેથી સોમદેવ રોહિણીને ખુબજ વધારે ચાહતા હતા.

આ વાત બીજી બહેનોને ખૂંચતી હતી જેથી બધી બહેનોએ ભેગા મળીને પોતાના પિતા દક્ષ પાસે ફરિયાદ કરી. જેથી દક્ષ પ્રજાપતિએ સોમદેવને બોલાવી ઠપકો આપ્યો અને દરેક સાથે સમભાવે રહેવા સૂચના આપી છતાં તે સમભાવે વર્ત્યા નહિ. આથી દક્ષે સોમદેવને શ્રાપ આપ્યો કે “જા તારો ક્ષય થશે” આથી ચંદ્રદેવ દિવસેને દિવસે ક્ષય પામતો ગયો, શ્રાપની મુક્તિ માટે સોમદેવે અનેક ઉપાચરો કર્યા, યજ્ઞો કાર્ય છતાં પણ રોગ મુક્તના થયો. આથી દેવો પણ ત્રાસી ઉઠયા અને સોમના શ્રાપ નિવારવા તેઓ દક્ષને સમજાવા લાગ્યા, છેવટે દેવોની લાગણીને વશ થઇને દક્ષે ક્ષય નિવારવા માટે જણાવ્યું કે, પ્રભાસ તીર્થ આગળ જ્યાં સરસ્વતી નદી મળે છે ત્યા સોમે સ્નાન કરવું અને ભાગવાન શિવની સ્તુતી કરવી. જો તે આ પ્રમાણે કરશે તો મહિનામાં પંદર દિવસ ચંદ્ર ક્ષય પામતો જશે અને બીજા પંદર દિવસ ચંદ્ર વૃદ્ધિ પામતો જશે.

સોમ રોહિણી સહીત પ્રભાસ તીર્થમાં પૂજા કરવા ઉતરી આવ્યો અને ભગવાન શિવજી સોમદેવ ઉપર પ્રસન્ન થયા અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને પ્રકાશવાનું સામર્થ્ય આપ્યું. પ્ર-(પુનઃ) ભાસ-(પ્રકાશ) આ ઉપરથી આ સ્થાન પ્રભાસ નામે પ્રસિદ્ધ પામ્યું. અને સોમે જે લિંગની પૂજા કરી હતી તે ઉપરથી સોમ+નાથ = સોમનાથ મહાદેવ નામ પડ્યું. સોમનાથ મહાદેવમાં આવેલું લિંગ સ્વયંભૂ લિંગ છે. જે અત્યંત ક્રાંતિમાન અને તેજસ્વી છે.

ઇતિહાસ :

આપણા પ્રાચીન ગ્રંથો કહે છે કે સોમનાથ મંદિર સૌ પ્રથમ સતયુગમાં સોમરાજ દ્વારા સોનામાં, ત્રેતાયુગમાં રાવણ દ્વારા ચાંદીમાં, દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડામાં બાંધવામાં આવ્યું હતું. સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યુ.

પણ ત્યાર બાદ ઇ.સ 1025 માં મહંમદ ગઝનીએ પોતાના સૈનિકો સાથે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો, અને મંદિર ઉપર લૂંટ ચલાવી અને મંદિરને નષ્ટ કર્યુ. તેમજ મંદિરમાં રહેલ લોકોનુ પણ કતલ કરી નાખ્યું હતું. તેમણે મંદિરમાં રહેલી આદિ શિવલિંગને પણ ખંડિત કરી હતી. કહેવાય છે કે આગ્રાના કીલ્લામાં રહેલા દેવદ્વાર સોમનાથના છે. આ લૂંટ દરમ્યાન મહંમદ ગજની તેને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારબાદ ગુજરાતના રાજા ભીમદેવ અને મળવાના રાજા ભોજે આ મંદિર ફરીથી બંધાવ્યું હતું. પછી ગુજરાતના રાજા કુમારપાળે આ મંદિરને વિસ્તાર્યુ હતું.

ત્યારબાદ 1196ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદી્ન ખીલજીના સેનાપતિ અફઞલખાંએ આ મંદિરનો વિનાશ કર્યો હતો. તે પછી થોડા જ સમયમાં ચૂડાસામા વંશના રાજા માહિપાલે આ મંદિર ફરીથી ચણાવ્યું હતું. ત્યારબાદ મુઞરશાહ પહેલાએ ઈ.સ.1394 માં, મહંમદ બેગડાએ ઈ.સ 1469 માં, મુઝરશાહ બીજાએ ઈ.સ 1530 માં અને ઇ.સ 1701 માં મોગલ શાસક ઔરંગઝેબે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો, અને મંદિરનો અનુક્રમે નાશ કર્યો હતો.

મંદિરનું પુન:નિર્માણ :

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ 8 મે 1950 માં સૌરાષ્ટ્રના પૂર્વ રાજા દિગ્વિજયસિંહે મંદિરની આધાર શીલા રાખી તથા 11 મે 1951 વૈશાખ સુદ -5 ના રોજ સવારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથના જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી. ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે.” આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિરને સ્થાને મસ્જીદ હતી, જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે.

જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખના સ્તંભ અને તેના પર તિર રાખીને કરવામાં આવેલા સંકેત પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

અન્ય સ્થળો-

સોમનાથ મંદિરની નજીક હિરણ્યા, સરસ્વતી અને કપિલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટની પાસે મહાપ્રભુજીની બેઠક છે. અને નજીકમાં જ બ્રહ્મકુંડ નામની વાવ છે. તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.અહીં રસ્તામાં જલ પ્રભાસ નામના કુંડો આવેલા છે. સોમનાથથી 4 કિલોમીટર દુર એક મોક્ષ પીપળો છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણુંએ દેહત્યાગ કર્યો હતો અને આ સ્થળ ભલકાતીર્થ તરીકે ઓળખાય છે. અને હિરણ્યા નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો એમ કહેવાય છે.