રૂ જેવા સોફ્ટ દહીંવડા બનાવવાની સૌથી સરળ રેસિપી, સાથે જાણો દહીંવડાના સિક્રેટ મસાલા વિષે

0
7489

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. અમે તમારા માટે થોડા થોડા સમયે નવી નવી કુકિંગ રેસિપીઓ લઈને આવીએ છીએ. એ કેટેગરીમાં આજે અમે એક નવી વાનગી ઉમેરી તમને એની રેસીપી જણાવવાં જઈ રહ્યા છીએ. આજે અમે તમને રૂ જેવા સોફ્ટ દહીંવડા બનાવવાની રેસીપી જણાવીશું. આ દહીંવડા એટલા સોફ્ટ બનશે કે જેના દાંત નથી તે પણ એને ખાઈ શકશે. આ દહીંવડાનો એક સિક્રેટ મસાલો પણ આજે અમે તમને જણાવીશું. તો ચાલો તમને એની રેસિપી વિષે જણાવીએ.

દહીં વડા માટે જરૂર સામગ્રી :

સફેદ અડદની દાળ : 1 કપ

જીરું : 1 નાની ચમચી

મીઠું સ્વાદ અનુસાર

કોલસો : 2 નાના ટુકડા

તેલ

હિંગ : 1 ચપટી

દહીં વડા બનાવની રીત :

સૌથી પહેલા તો તમે 1 કપ સફેદ અડદ દાળ લઇ લો, ત્યારબાદ તેને ઓછામાં ઓછા 4 કલાક માટે પાણીમાં પલાણીને રાખો. આ દાળ 4 થી 5 કલાક પછી આ ડબલ સાઈઝની થઇ જશે એટલે આ ફૂલી જશે. એ ફૂલી જાય પછી એનું પાણી કાઢી લેવાનું છે અને એ દાળને ક્રશ કરી દેવાની છે. ક્રશ કરતા સમયે જો પાણીની જરૂર પડે તો બિલકુલ ઠંડુ પાણી એડ કરવાનું છે. આને વધારે જાદુ કે પાતળું રાખવાનું નથી મીડીયમ જ રાખવાનું છે.

તમારી દાળ ક્રશ થઈ ગયા પછી એને એક વાસણમાં કાઢીને એક વાર હાથથી હલાવી દેવાની છે. હવે એમાં જીરું અને મીઠું (સ્વાદ અનુસાર) ઉમેરવાનું છે. હવે આને ફેટવાનું (હલાવવું)છે. આને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ફેટવાનું છે. ધ્યાન રાખવાનું છે કે આને એક જ દિશામાં હલાવવાનું છે, બીજી બાજુથી એવું કરવાની જરૂર નથી.

હવે સમય છે દહીંવડા બનાવવાનો. તો એના માટે સૌથી પહેલા એક વાટકીમાં પાણી લઇ હાથમાં લગાવી લેવાનું છે, જેથી દાળનું મિશ્રણ હાથમાં ચીપકે નહિ. થોડી દાળ લઇ લેવાની છે અને એના નાના નાના વડા બનાવવાના છે. અને જો તમારે એનો સ્વાદ વધારવો હોય તો તમે તેની અંદર કાજુ કે કિસમિસ એડ કરીને થોડી વાર માટે ઢાંકી દો. પછી તેને ફ્રાઈ કરવાનું છે. વડાને તળવા માટે તેલને મીડીયમ ગરમ કરવાનું છે.

મિત્રો જો તેલ ઠંડુ રહેશે તો વડા તે તેલ પી લેશે, અને જો વધારે ગરમ હશે તો બહારથી બળી જશે અને અંદરથી કાચું રહી જશે. મીડીયમ તાપમાન હશે એટલે આને ફ્રાઈ થવામાં સમય લાગશે. તમારા વડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને ફ્રાઈ કરવાના છે. ફ્રાઈ થઇ ગયા પછી પ્લેટમાં કાઢીને તેને ઠંડા થવા દો.

હવે વડા ઠંડા થઇ ગયા પછી તેને પાણીથી ધોવાના છે. એના માટે પહેલા એક મોટો વાટકો લઇ તેમાં તમે બનાવેલા બધા વડા નાખો. હવે તેમાં થોડું ગરમ પાણી (લગભગ 1 લીટર) ઉમેરો અને આને ઉપરથી હલકા હાથે દબાવો. અને આને 10 મિનિટ માટે રાખી દો. જેથી આની અંદરનું જે તેલ છે તે નીકળી જશે. તમારે આ પ્રક્રિયા બે વખત કરવાની છે. 10 મિનિટ પછી એને બીજા બાઉલમાં કાઢી તેમાં પાણી એડ કરીને ફરી 10 મિનીટ સુધી રાખવાનું છે.

હવે તમારે લેવાનું છે દહીં (લગભગ 1 લીટર દહીં). એમાં તમારે 100 ગ્રામ સાકર નાખવાની છે. એક વાતનું ધ્યાન રાખો કે તમારે સાકરને ઓગાળવા મીક્ષરનો ઉપયોગ કરવાનો નથી. નહીંતર તે પાણી જેવી થઇ જશે. એટલા માટે તેને થોડું હલાવી ફ્રિજમાં 1 કલાક માટે મૂકી દેવાનું છે જેથી સાકર ઓગળી જાય અને દહીં પણ ઠંડુ રહે.

હવે આગળની પ્રક્રિયા માટે જરા વિશેષ ધ્યાન આપજો. આગળની પ્રોસેસ માટે એક મોટી વાટકી લઈ, તેમાં એક નાની વાટકી લેવાની છે. અને તેમાં કોલસાના નાના 2 ટુકડા એડ કરવાના છે. હવે આમાં થોડી હિંગ એડ કરવાની છે, અને સાથે થોડું ઘી પણ. તેમજ ઘી એડ કરતાજ તમારે તરત એને ઢાંકી દેવાનું છે. ઢાંક્યા પછી લગભગ બે મિનિટ સુધી એમ જ રાખવાનું છે. 2 મિનિટ પછી જે વાટકી છે તે કાઢી લેવાની અને તેમાં પાણી એડ કરવાનું છે.

હવે આપણે એડ કરીશું વડા. વડામાં પહેલાથી પાણી હોવાના કારણે તેને થોડું દબાવ્યા પછી તેમાં ઉમેરવાના છે. તેમાં એક નાની ચમચી જીરું એડ કરવાનું છે અને સાથે જ સ્વાદાનુસાર મીઠું. ત્યારબાદ તેને હલાવી દેવાનું છે અને જો પાણી ઓછું લાગે તો થોડું ગરમ પાણી એડ કરીને ઓછામાં ઓછા 2 થી 3 કલાક ઢાંકીને રાખવાનું છે.

ઢાંકવાના પહેલા એક નાની પ્લેટ/ડીશ તેની ઉપર રાખવાની છે. જેથી તે દબાય અને તેની ઉપર પાણીથી વાટકી મૂકી દેવાની છે જેથી તે દબાઈ જાય. કારણ કે તે હલકા હોવાના કારણે તેમાં પાણી પુરે પૂરું જતું નથી, અને ઉપર વાળા વડાને પણ પૂરું પાણી મળતું નથી.

દહીં વડાનો મસાલો તૈયાર કરવાનો છે.

જરૂરી સામગ્રી :

લાલ મરચું : 3-4 નાની ચમચી

જીરું : 3 નાની ચમચી

ચાટ મસાલા : 2 નાની ચમચી

કાળું કારચુ : 1 નાની ચમચી

કાળું મીઠું : 1 નાની ચમચી

અજમો : 1 નાની ચમચી

પુદીના પાઉડર 1/2 નાની ચમચી

મીઠું સ્વાદાનુસાર

મસાલો બનાવવાની રીત :

આ સ્પેશિયલ મસાલો બનાવવા માટે સૌથી પહેલા તમારે તવો લેવાનો છે. એને મીડીયમ ગેસ પર રાખવાનો છે અને સૌથી પહેલા એમાં જુરુ અને અજમો એડ નાખવાના છે. અને આને હલાવવાનું છે. તેને ધીમાં ગેસ ઉપર જ્યાં સુધી જીરું થોડું સેકાઈ ન જાય ત્યાં સુધી રાખવાનું છે.

આ પ્રક્રિયામાં 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. અને ત્યાં સુધી તમારે એને હલાવતા રહેવાનું છે. હવે ગેસ બંધ કરી તેમાં પુદીના પાઉડર, લાલ મરચું પાઉડર, કાળું મીઠું, કાળું મરચું પાઉડર, સફેદ મીઠું અને ચાટ મસાલા હવે આ બધાને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે.

આ બધી સામગ્રીને 2 થી 3 મિનિટ હલાવ્યા પછી, તેને વેલણથી પીસવાની છે. તે પાઉડર બને ત્યાં સુધી તેને પીસવા રહેવાનું છે. આ કામમાં લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે તૈયાર મસાલા કરતા આ મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો. તેમજ તમે આ મસાલાને ફ્રિઝમાં 2 મહિના સુધી રાખી શકો છો.

હવે તમારે પહેલા જ તૈયાર કરેલું દહીં લેવાનું છે, અને તેને એક વાર ફરી હલાવી દેવાનું છે. તમારું દહીં એકદમ મીઠુ હોવું જોઈએ. જો ઓછુ મીઠુ લાગે તો ફરીથી થોડી સાકર ઉમેરી શકો છો. હવે તમારે વડા લઇ લેવાના છે, અને તેને થોડા દબાવીને પાણી કાઢી લેવાનું છે. હવે આને એક વાટકીમાં 4-5 નંગ લઇને તેની ઉપર દહીં એડ કરવાનું છે.

વડા આખા દહીં વાળા થઈ જાય ત્યાં સુધી દહીં એડ કરવાનું છે, અને તેમાં લીલી ચટણી એડ કરવાની છે. અને તેમાં ખજૂર ચટણી એટલે કે ખાટ્ટી-મીઠ્ઠી ચટણી એડ કરવાની છે. હવે તેના ઉપર જે મસાલો તૈયાર કર્યો છે, તે એડ કરી દેવાનો છે. હવે તમારા દહીં વડા સર્વિંગ માટે તૈયાર છે. આ રીતે ઘરે જ સ્વાદિષ્ટ અને શુદ્ધ દહીં વડા બનાવી એની મજા માણો.

લેખ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેયર જરૂર કરજો.