સાળીએ સગાઇ પછી પણ રાખ્યો અન્ય યુવક સાથે સંબંધ, જે બનેવીને પડ્યો ભારે, જાણો એવું તે શું થયું.

0
317

અત્યાર સુધીમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રેમ પ્રસંગમાં ઝગડા, મારામારી અને હત્યાના ઘણા બનાવો સામે આવી ચુક્યા છે. પણ સુરત શહેરના પુણા વિસ્તારમાંથી જે બનાવો સામે આવ્યો છે, તે થોડો વિચિત્ર છે. આ કિસ્સામાં એક સાળીના પ્રેમીએ બનેવીના મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો, જેના માટે તેણે જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલને આગ ચાંપીને તેના મકાન પર ફેંકી હતી. જોકે સદ્નસીબે મકાન તો બચી ગયું, પણ તેની બાઇક આગમાં બળી ગઇ. પછી આ કેસ પોલીસ સુધી પહોંચ્યો.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા નારણભાઇ રણછોડભાઇ બલદાણિયાના પુત્ર સાથે આ ઘટના બની છે. આમ તો તેઓ મુળ રાજુલા, અમરેલીના રહેવાસી છે પણ અહીં રહીને તે જમીન-મકાન લે-વેચનું કામ કરે છે. તેમના દીકરાનું રવિ છે અને એક વર્ષ પહેલા તેની સગાઇ આશા નામની યુવતી સાથે થઇ હતી.

આ આશાની મોટી બહેન કિરણની સગાઇ વિપુલ નામના યુવક સાથે થઇ હતી, અને આવતા મહિને એટલે કે ડિસેમ્બર 2020 માં તેમના લગ્ન પણ નક્કી થયા હતા. પણ રવિની સાળી કિરણની સંજીવ ઉર્ફે સંજય બાંભણિયા (રહેવાસી – અંબિકાનગર, સુદામા ચોક, મોટાવરાછા) નામના એક યુવક સાથે મિત્રતા હતી, અને સગાઇ થયા પછી પણ તેઓ સંબંધમાં રહ્યા.

આ અંગે રવિને જાણ થતા તેણે વિપુલને આ બાબતની માહિતી આપી હતી. ત્યારબાદ લોકડાઉન પહેલાં વિપુલ સુરત આવ્યો હતો અને તેણે સંજીવને સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પણ તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારપીટ પણ થઇ હતી.

ત્યારબાદ સંજીવ જે રવિની સાળીનો પ્રેમી છે તેણે પોતાના બે માણસો સાથે રવિની વરાછા વિસ્તારમાં આવેલી દુકાનમાં ઘૂસીને ધાક-ધમકી આપી હતી. પછી તારીખ 10 માર્ચના રોજ વહેલી સવારે સંજીવે તેના ઘરે આવી જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલને આગ ચાંપી ઘર પર ફેંકી હતી, જેમાં ઘરને નુકશાન ન થયું પણ તેની બાઇક સળગી ગઈ હતી. તે પછી પણ સંજીવ વારંવાર રવિ અને તેમના પરિવારજનોને મનફાવે તેમ બોલીને ધાક-ધમકી આપતો હતો.

હાલમાં જ લગભગ વીસેક દિવસ પહેલાં સંજીવે રવિના પિતા નારણભાઇને ધમકી આપી હતી. અને હાલમાં જ બે દિવસ પહેલાં તે પોતાની પ્રેમિકા એટલે કે રવિની સાળીને લઇને ભાગી ગયો હતો. ત્યારબાદ નારણ બલદાણિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પુણા પોલીસે સંજીવ ઉર્ફે સંજય ત્રિકમભાઇ બાંભણિયા અને અન્ય બે યુવકો સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).