સિદસરના શ્રી ઉમિયા માતાજી મંદિરનો ઇતિહાસ, માતાજીએ આપ્યા હતા ભક્તને દિવ્યસ્વરૂપે દર્શન.

0
246

તમારામાંથી ઘણા લોકો સિદસરના શ્રી ઉમિયા માતાજી મંદિરના દર્શન કરી આવ્યા હશો. આ મંદિર ખુબ જ સુંદર મંદિર છે. અને આજે આપણે આ મંદિરના ઈતિહાસ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણીશું. એવું કહેવામાં આવે છે કે, પોરબંદર જિલ્લાનાં દેવડા ગામના એક ખેડૂતને માતાજીએ દિવ્યસ્વરૂપે દર્શન આપ્યા હતા. આવો તેના વિષે થોડું વિગતવાર જાણીએ.

જે ખેડૂતને માતાજીએ દર્શન આપ્યા હતા તે હંમેશા સત્સંગ અને સંતસેવામાં મગ્ન રહેતા હતા. આ પાટીદાર પ્રૌઢને લોકો રતનબાપા કહીને બોલાવતા હતા. એકદમ સરળ જીવ એવા રતનબાપા કણસાગરા ખેતરમાં મજૂરી કામ કરતા હતા. તેમના આંગણે આવેલા અતિથિને તે ભગવાન આવ્યા બરાબર માનતા હતા. અભિયાગતને રોટલો અને સાધુસંતોની સેવા કરતા-કરતા આ ભોળિયા રતનબાપા ભગવાનનું રટણ કર્યા કરતા.

રતનબાપાનાં આવા સ્વભાવ અને ઇશ્વરભક્તિને કારણે આજુબાજુનાં ગામડાનાં લોકો પણ તેમને ‘ભગત’ તરીકે ઓળખતા. અને ભગવાન પણ આવા સહૃદય ભક્ત પાસે કંઈક કામ લેવા ઈચ્છતા હશે. આથી આ બનાવ બન્યો હશે. એક દિવસ આ ભગતને આંગણે એક સાધુ પધાર્યા. અને રતનબાપાએ તે સાધુનો આદરપૂર્વક સત્કાર કરીને, ભાવથી તેમની સેવા કરી. તે સાધુ તેમની ખરા હૃદયની ભાવનાથી સંતુષ્ઠ થયા અને તેમણે રતનબાપાને કહ્યું કે, “હે ભગત, આ શ્રદ્ધા અને અખૂટ ભક્તિથી માં ઉમિયાની સેવા કરો, તમારું જીવન ધન્ય બનશે અને તમે અમર થઇ જશો.”

રતનબાપાએ સંતની વાત માની અને પછી તે માં ઉમિયાની ભક્તિ કરવામાં લિન થઇ ગયા. તેમણે ભક્તિની બાબતમાં ક્યારેય પાછું વળીને જોયું નહિં. માતાની આરાધનાનાં બાહ્મ આડંબરો કે પૂજા-અર્ચનાની વિધિઓથી અજાણ રતનબાપા તો બસ રાતને દિવસ વિશુદ્ધ હૃદય અને અંતરનાં ઉંડાણથી માં ઉમિયાને ભજી રહ્યાં હતા. અને તેમનાં રોમ-રોમથી પ્રગટતાં ચૈતન્ય અને નિષ્કામ ભક્તિનો પ્રતાપ કહેવાય કે વૈશ્વિક શક્તિએ એક અદ્દભુત કાર્યનાં વાહક તરીકે પણ એમની પસંદગી કરી.

એક રાત્રની વાત છે, માતાજીનું સ્મરણ કરતા કરતા રતનબાપા તંદ્રિત અવસ્થામાં પોતાનાં ખાટલા પર આરામ કરી રહ્યા હતા. ભાવ સમાધિ જાગૃત-અજાગૃત અવસ્થાઓ પસાર કરી ગઈ હતી. એવામાં તેમને એક દિવ્ય અનુભૂતિ થાય છે. જાણે કે માં ઉમિયા સાક્ષાત પાસે આવીને ઉભા છે. માતાનું તેજસ્વી મુખારવિંદ, આંખોમાં અમી દરિયા, આવા ભવ્ય દિવ્યસ્વરૂપની ઝાંખી કરતાં ભગત પોતાની જાતને ધન્ય-ધન્ય સમજે છે.

રતનબાપાને થોડીવાર તો શું કરવું, શું બોલવું તેની સમજણ પણ ન પડી. કાલાઘેલી બાલુડાની જેમ તે માતાનાં ચરણોમાં ઢળી પડ્યાં. માતાએ તેમને આશીર્વાદ આપતા કહ્યું કે, “બેટા, સીદસર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે, એને તું બહાર કઢાવ.” બીજા દિવસે સવાર પડે છે, પણ રતનબાપાની ગડમથલ તો ચાલુ રહે છે. તેમણે રાત્રે જોયેલું તે મનોહર દ્રશ્ય તેમના મનમાંથી ખસતું જ નથી. તેમને મન થાય છે કે, આ ફક્ત ભ્રમણા જ છે કે હકીકત! લોકો મારી વાત માનશે કે નહિ માને! આમ વિચારતા-વિચારતા પાછી રાત પડી જાય છે. અને ફરીથી રાતે માતાજી એ જ દિવ્યસ્વરૂપે પ્રગટ થાય છે.

વધુ આવતા અંકે….