શેભર ગોગ મહારાજના મંદિરની પૌરાણિક કથા છે ઘણી રસપ્રદ, ગોગ મહારાજ પોતે પ્રગટ થયા હતા અને પછી….

0
376

ગુજરાતના ઉત્તર ભાગમાં મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે ચાણસોલ. આ ગામથી 5 કિલોમીટરના અંતરે શેભર ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જણાવી દઈએ કે, આ મંદિર પર્વતોની વચ્ચે આવેલું છે જેની બાજુમાંથી નદી વહે છે. જો તમે એક-બે દિવસની રજામાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય, તો કુદરતી સૌંદર્યથી ભરપુર આ પૌરાણિક જગ્યાની મુલાકાત લઈ શકો છો. અહીં ઉંચા ઉંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. અને તમને પ્રવાસમાં મજા આવી જશે.

જો તમે અમદાવાદથી ખેરાલું થઇને પાલનપુર જશો તો રસ્તામાં શેભર નામનું ગામ આવે છે. તે અમદાવાદથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જગ્યાએ પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર સાથે પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. અહીંના દેવ શેભર ગોગા તરીકે પૂજાય છે.

આ મંદિર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અનુસાર, શેભર ગામમાં એક રાજા રાજ કરતો હતો. એક વાર ત્યાં ચોરી થઈ હતી. તે ચોરીનો આરોપ ત્યાં રહેતા એક વાણીયા પર આવ્યો. રાજાએ તે વાણીયાને હદપારની સજા સંભળાવી. ગુના વગર સજા મળવાથી વાણીયો દુઃખી થયો. તે રાજસ્થાન ગયો ત્યાં શેભરગઢ નામનું ગામ હતું. એક રબારીની દીકરી ત્યાં શેભર ગોગાની પૂજા કરતી હતી. વાણીયો થોડા સમય સુધી ત્યાં જ રહ્યો અને તેમની પૂજા કરી. પછી તે રબારીની દીકરી જે સતી હતી તેણે કહ્યું કે, તમારી સજા માફ થશે અને રાજા તમારું બહુમાન કરશે.

પછી ત્યાંથી વાણીયો ઘરે આવ્યો. અને સાચા ચોર પણ પકડાઈ ગયા. રાજાએ વાણીયાને પોતાનો મુનીમ બનાવ્યો અને કારભાર સોંપ્યો. એ વાણીયાએ ત્યાં શેભર ગોગાની સ્થાપના કરી. પણ કાળે કરીને એકવાર પાલનપૂરના નવાબે ત્યાં ચઢાઈ કરી, અને શેભર ગામનો નાશ થયો. મહારાજની મૂર્તિ નદીમાં તણાઈ ગઈ. એ સમયે બે ચોધરી ત્યાંથી પસાર થતાં હતા. તેમણે તે મૂર્તિ જોઈ અને તેને પોતાના ગાડમાં મુકી દીધી. પછી ગોગ મહારાજ ગાડામાં પ્રગટ થયા અને કહ્યું કે, હું શેભરગઢનો ગોગ છું અને મને અહીં મુકી રાખો.

આ સાંભળી ચૌધરી ભાઈઓએ કહ્યું કે, અમારા ઘરે ચાલો ત્યાં અમે તમારી સેવા પૂજા કરીશું. પછી મહારાજ કહ્યું કે, જ્યાં ગાડુ ઉભુ રહેશે ત્યાં હું મારું સ્થાપન કરીશ. રસ્તામાં ગાડું એક વડલા નીચે આવીને ઉભું રહ્યું. પછી ત્યાં જ મહારાજની મૂર્તિની સ્થાપના થઈ. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, અને વડલાની અંદર શંકર બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે, તે વડલામાં તેમનો સમસ્ત પરિવાર છે. મંદિરમાં શેષનારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેમની પૂજા શિવજીની પૂજા સમાન છે.

તમે આ મંદિરમાં પ્રવેશ કરશો તો તમને ચારે તરફ સર્પાકાર શિલ્પકામ જોવા મળશે. આ મંદિરની અંદર પગ મૂકતા જ તમને તેના સ્તંભો, ગર્ભગૃહ અને પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળશે. તે જોઈને એક સમયે તો તમને એવું થશે કે, તમે નાગલોકમાં જ આવી ગયા છો. અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે.

નદીને લઈને એવી માન્યતા છે કે, નવદંપતિ જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. ભેખડો વચ્ચે વસેલું અને પર્વતોથી ઢંકાયેલું આ મંદિર ગુજરાતમાં ત્રિદેવના સ્થાનક તરીકે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે. માન્યતા છે કે તે જીવિત હોય તેવી રીતે બધાના કામ પણ કરે છે.

જય ગોગા મહારાજ.