ભારતના આ મંદિરનો પડછાયો નથી પડતો જમીન પર, જાણો આ અદભુત મંદિર વિષે વિસ્તારથી

0
2174

આપણા ભારત દેશમાં પ્રાચીન સ્થાપત્યોની કોઈ કમી નથી. આપણે ત્યાં એવા ઘણા શિલ્પ સ્થાપત્યો છે, જે યુગોથી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપી રહ્યા છે. આમા કેટલાંક પ્રસિધ્ધીના શિખર પર બિરાજે છે, તો કેટલાંક કાળની ગર્તામાં વિસરાઈ ચૂક્યાં છે. ભારતની ધરતી પર બનેલા ભવ્ય હિન્દુ સ્થાપત્યો એક સમયે ભારતના ગૌરવ સમા મોજૂદ હતાં, પણ એમાંથી અમુકની જાળવણી ન થવાને કારણે તે હાલના સમયમાં રહ્યા નથી. આપણા દેશમાં અન્ય દેશોના આક્રમણ સમયે ઘણાખરાં સ્થાપત્યોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં.

છતાંપણ દક્ષિણ ભારત આજે પણ અનેક શિખરબદ્ધ હિન્દુ મંદિરો ધરાવે છે, જેના આકાશને આંબતા ગુંબજો આજે પણ આર્ય સંસ્કૃતિની ગુંજ વિશ્વભરમાં પ્રસારે છે. આજે અમે તમને એવા જ એક દક્ષિણભારતના તમિલનાડુના ભવ્ય શિવમંદિર વિષે વાત કરવાના છીએ. તેના પાણે-પાણે હજારવર્ષ જૂનો ઇતિહાસ સંઘરાયેલો છે, વાસ્તુકળાથી લઈને મૂર્તિવિજ્ઞાન કળામાં જેમનો બાંધો જડે તેમ નથી. એ મંદિર છે તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર. આ મંદિર એન્જિનિયરીંગના યુગમાં પણ એક કૌતુક સમાન છે.

આ મંદિર તમિલનાડુના તાંજોર જીલ્લામાં આવેલું છે. બૃહદેશ્વર નામનું આ ભવ્ય શિવમંદિર સમગ્ર ભારતમાં તેમની વિશાળતા, સુંદરતા અને કલાત્મકતા માટે પ્રખ્યાત છે. જણાવી દઈએ કે, યુનેસ્કોએ આ મંદિરને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ’ ની યાદીમાં સ્થાન આપ્યું છે. અને આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. ઇ.સ. ૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું. ચોલ વંશના રાજવી રાજારાજ પ્રથમે તેમનું નિર્માણ કરાવેલું. ચોલવંશ જેવો પરાક્રમી રાજપરિવાર ભારતમાં થયો નથી.

એમની પરાક્રમ ગાથાઓની ટૂંકમાં વાત કરીએ તો, એ વખતમાં ચોલરાજાઓ પાસે પોતાની ‘રોયલ નેવી’ હતી. એ વખતમાં આ રાજાઓના રાજદૂતો ગ્રીકદેશોમાં નિમાયેલા હતા. રાજારાજ ચોલા શિવભક્ત હતા, પણ બૌધ્ધ-જૈન ધર્મ સહિત હિન્દુધર્મના પણ દરેક પંથનું સન્માન કરતા હતા. અને સાચા રાજાનું આ એક લક્ષણ હોય છે. એવું કહેવાય છે કે તેમણે લગભગ છ એક વર્ષના ગાળામાં જ ગગનચૂંબી બૃહદેશ્વર મંદિર બંધાવી દીધું હતું.

બૃહદેશ્વર મંદિરની પૂર્વ-પશ્વિમ દિશામાં લંબાઇ લગભગ 240 મીટર છે, તેમજ ઉત્તર-દક્ષિણની પહોળાઇ 122 મીટર છે, અને એની ઉંચાઇ 66 મીટર જેટલી છે. જણાવી દઈએ કે, આ મંદિર આખેઆખું ગ્રેનાઇટના પથ્થરોથી બનવાયેલું છે. આ મંદિરનું સોનાથી બનેલું શિખર જે પથ્થર પર ઉભું છે, તેનું એકલાનું વજન જ 80 ટન છે.

બીજી એક ખાસ વાત એ છે કે અહીં આજુબાજુમાં ક્યાંક દૂર સુધી પણ ગ્રેનાઇટ નથી મળતો, તેમજ ભૂતકાળમાં મળતો હોવાના કોઈ લક્ષણ પણ મળ્યા નથી. એટલે લોકોને સવાલ એ થાય છે કે, આજથી હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટના આવા મોટા મોટા પથ્થરો કોણ અને કઈ રીતના અહીં સુધી લાવ્યું હશે? વળી, શિખર પર રહેલો પેલો ૮૦ ટન વજનનો ભીમકાય પથ્થર કઈ રીતે ત્યાં મૂકવામાં આવ્યો હશે?

તો જણાવી દઈએ કે, હજી સુધી એનો કોઈ સંતોષકારક ખુલાસો થયો નથી. સંશોધકો પણ આનો જવાબ નથી આપી શક્યા. એટલે એને અત્યારે તો રહસ્ય જ માનીને ચાલો. આ મંદિરની વિશેષતા એ છે કે, જમીન પર મંદિરનો પડછાયો જ નથી પડતો.

એવી કહેવત છે કે, પડછાયો કોઈનો સાથ છોડતો નથી. પણ અહીં તો પડછાયાએ પણ સાથ છોડી દીધો છે. અથવા એમ કહો કે મંદિરને બાંધનારાઓએ એવો કરતબ દેખાડીને સાથ છોડાવરાવ્યો છે. જણાવી દઈએ કે આ મંદિરના શિખરનો પડછાયો જમીનને સ્પર્શ કરતો નથી, એવી અદભુત આની રચના છે. તો આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે, આપણા આર્કિટેક્ચરો કેવા કુશળ હતા.

મિત્રો, આ મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવી છે, અને દેવી-દેવતાઓના મનોહર શિલ્પો બનાવવામાં આવ્યા છે. અહીં ગોપુરમ્ (મુખ્ય પ્રવેશદ્વાર)ની અંદરની તરફ એક ચબૂતરા પર શિવજીના વાહન ગણાતા નંદીની મૂર્તિ સ્થાપિત છે. આખા ભારતમાં વિશાળતાની દ્રષ્ટિએ આ નંદીનો લગભગ બીજો નંબર આવે છે. આ નંદીની મૂર્તિ એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે. આ નંદીની પ્રતિમાનો લંબાઇ-પહોળાઇ-ઉંચાઇનો રેશિયો ૬ : ૨.૬ : ૩.૭ મીટરનો છે.

જણાવી દઈએ કે, આ મંદિરના ગર્ભગૃહમાં વિશાળ શિવલીંગ છે. જેની ઉંચાઇ ૮.૭ મીટર જેટલી છે. શિવલીંગના દર્શન થતા જ તમને ખ્યાલ આવી જશે કે, શા માટે આ મંદિરને ‘બૃહ્દ’ નામ અપાયું છે. આટલા વિશાળ મંદિરની દીવાલોનો એક પણ ભાગ તમને કોરો જોવા નહી મળે. અહીં હરેક ઇંચમાં કોતરેલું છે પથ્થરમાં કાવ્ય, માતા દુર્ગા, વિણાવાદીની દેવી સરસ્વતી, ભગવાન શિવ અને માતા ભવાનીને દર્શાવતું અર્ધનારીશ્વર, વીરભદ્ર કાલાંતક, નટી-નટ-નાયક સહિત અનેક પ્રતિમાઓથી મંદિરનો અંદરનો ભાગ અને બહારનો ભાગ છવાયેલો છે.

આ મંદિરનું નિર્માણ કરાવનાર રાજવી રાજારાજ ચોલાના નામ પરથી આ મંદિરનું બીજું નામ ‘રાજરાજેશ્વર મંદિર’ પણ પડ્યું હતું. ઘણા લોકો એવું જણાવે છે કે, પહેલાં આ મંદિર આ જ નામે ઓળખાતું, પણ પછી મરાઠાઓ દક્ષિણ ભારતમાં ત્રાટક્યા ત્યારે એમણે આ મંદિરને ‘બૃહદેશ્વર મંદિર’ નામ આપ્યું હતું. તો જયારે પણ તમિલનાડુ જવાનું થાય, તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો.