આ 7 વાનગીઓ દ્વારા સ્ત્રીઓના પ્રેગ્નેન્સી પછી સામાન્ય રીતે વધી ગયેલા વજનને ઘટાડો.

0
1958

તમે બધા એ વાત સારી રીતે જાણો જ છો કે, આજના સમયમાં પ્રેગનેન્સી પછી મોટાભાગની મહિલાઓનું વજન વધી જતું હોય છે. અને એમના માટે આ રીતે વધેલું વજન ઉતારવું ઘણું જ મુશ્કેલ હોય છે. પણ આજની મહિલાઓ પોતાની ફિટનેસ પ્રત્યે ઘણી જાગૃત જોવા મળે છે. અને તેમને પોતાના શરીર પર એક સેમી. જેટલી પણ ચરબી વધી ગયેલી જણાય, તો તેઓ એને ઉતારવા માટે પરસેવો પાડવાનું શરુ કરી દે છે.

બાળક થયા પછી મહિલાઓ એક તો કસરતનો સમય કાઢી શકતી નથી, અને બીજુ કે તે ડાયટિંગ નથી કરી શકતી. અને તે પોતાના બાળકના સ્વાસ્થ્યનો પણ વિચાર કરે છે. તો તેવા સમયે અમે ખાસ કરીને વજન ઉતારવા માંગતી મહિલાઓ માટે હેલ્ધી અને વજન ઉતારવામાં સહાયક બને તેવી થોડી રેસિપિ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ એના વિષે.

૧. મિક્સ વેજિટેબલ ખીચડી :

જરૂરી સામગ્રી :

એક ચમચી લાલ મરચું પાઉડર,

અડધો કપ સમારેલા રીંગણ,

અડધી ચમચી ગરમ મસાલો,

અડધી ચમચી જીરું,

અડધો કપ પીળી મગદાળ,

મીઠું સ્વાદ મુજબ,

અડધો કપ કોબી ફ્લાવરના ટુકડા,

અડધો કપ ચોખા,

અડધો કપ સમારેલી ડુંગળી,

અડધી ચમચી હળદર,

બે લવિંગ,

અડધો કપ સમારેલા બટેટા,

એક ઈંચ તજનો ટુકડો,

પા કપ લીલા વટાણા,

અડધો કપ સમારેલી ફણસી,

એક તમાલપત્ર,

એક ચમચી ઘી.

બનાવવાની રીત :

મિક્સ વેજિટેબલ ખીચડી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળ અને ચોખાને સારી રીતે ધોઈને, એને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો. ત્યારબાદ કુકરમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, લવિંગ, તજ અને તમાલપત્રનો વઘાર કરો. પછી બધા શાકભાજી, ગરમ મસાલો હળદર, લાલ મરચુ પાઉડર ઉમેરો અને મધ્યમ તાપે ૩-૪ મિનિટ પકાવો.

ત્યારબાદ તેમાં પલાળેલા દાળ અને ચોખા ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી પકાવો. ત્યારબાદ તેમાં ૪ કપ પાણી ઉમેરો અને કુકરનું ઢાંકણ બંધ કરી દો. ૩-૪ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો, અને કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય પછી જ ઢાંકણ ખોલો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજિટેબલ ખીચડી.

૨. રાજમા ભાજી :

જરૂરી સામગ્રી :

અડધો કપ બાફેલા રાજમા,

એક ચમચી આદુંનું છીણ,

દોઢ ચમચો તેલ,

ત્રણ ચમચા લો-ફેટ મિલ્ક,

ત્રણ કપ સમારેલી તાંદળજાની ભાજી,

અડધી ચમચી જીરું,

મીઠું સ્વાદ મુજબ,

એક ચમચી સમારેલા લીલા મરચાં,

પા ચમચી હળદર,

એક ચમચી સમારેલુ લસણ,

અડધો કપ સમારેલી ડુંગળી,

પા ચમચી ખાંડ (ઈચ્છો તો).

બનાવવાની રીત :

રાજમા ભાજી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. પછી એમાં જીરુંનો વઘાર કરો. ત્યાબાદ તેમાં લીલા મરચાં, આદું, લસણ અને ડુંગળી ઉમેરો, અને ધીમા તાપે ડુંગળી પીળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં તાંદળજાની ભાજી, રાજમા, હળદર, મીઠું અને ખાંડ ઉમેરો અને સામાન્ય તાપે દસ મિનિટ પકાવો. વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. છેલ્લે તેમાં ઓછી ફેટ વાળું દૂધ ઉમેરો અને બે મિનિટ માટે ઉકળવા દો. હવે તેને ગેસ પરથી ઉતારીને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

૩. પાઈનેપલ સ્ટરફ્રાય :

જરૂરી સામગ્રી :

અડધો કપ પાઈનેપલ ક્યુબ્સ,

અડધો કપ ફ્રેશ પાઈનેપલ જ્યુસ,

બે ચમચી તેલ,

અડધો કપ ફણગાવેલા કઠોણ,

એક ચમચી ચીલી ફ્લેક્સ,

અડધો કપ કેપ્સિકમના ક્યુબ્સ,

એક ચમચી ખાંડ,

અડધો કપ કાકડીના ક્યુબ્સ,

બે ચમચી સોયા સોસ,

અડધો કપ કોબીજનું છીણ,

મીઠું સ્વાદ મુજબ,

અડધો કપ સમારેલી ડુંગળી,

અડધો કપ બેબી કોર્ન સમારેલા,

અડધો કપ ગાજરના ક્યુબ્સ.

બનાવવાની રીત :

પાઈનેપલ સ્ટરફ્રાય બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલને વધુ તાપે ગરમ કરો. પછી તેમાં કાકડી, ચિલી ફ્લેક્સ, પાઈનેપલ, કેપ્સિકમ, બેબી કોર્ન, ગાજર, ફણગાવેલા કઠોળ, કોબીજ, ડુંગળી અને મીઠું મિક્સ કરીને 3-4 મિનિટ તેજ તાપે સ્ટરફ્રાય કરો. પછી તેમાં સોયા સોસ, ખાંડ અને પાઈનેપલ જ્યુસ મિક્સ કરો અને એને ૩ થી ૪ મિનિટ સુધી પકાવો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારીને ગરમગરમ જ સર્વ કરો.

૪. મગનું સૂપ :

જરૂરી સામગ્રી :

પા ચમચી હિંગ,

એક ચમચી તેલ,

અડધો કપ મગ,

બે ચમચી સમારેલી કોથમીર,

પા ચમચી જીરું,

ચારથી પાંચ મીઠા લીમડાના પાન,

મીઠું સ્વાદ મુજબ,

બે ચમચી લીંબુનો રસ,

બનાવવાની રીત :

મગનું સૂપ બનાવવા માટે સૌથી પહેલા મગને ધોઈને કુકરમાં પાંચ કપ પાણીમાં ચાર થી પાંચ સીટી વગાડીને બાફી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો, અને કુકરમાંથી એની જાતે જ બધી વરાળ નીકળી જાય પછી એનું ઢાંકણ ખોલો. ત્યારબાદ એક કડાઈ લઈને એમાં તેલ ગરમ કરવા મુકો. અને એમાં જીરુંનો વઘાર કરો. પછી તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખો. તેમાં પાણી સાથે જ બાફેલા મગ ઉમેરીને ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો, અને લીંબુનો રસ તેમજ કોથમીર મિક્સ કરીને એનું ગરમાગરમ સેવન કરો.

૫. રોઝ બરફી :

જરૂરી સામગ્રી :

ત્રણ ચમચા લો ફેટ માવો,

પોણો ચમચો સુગર સબસ્ટીટ્યૂટ,

બે-ત્રણ ટીપા લાલ ફૂડ કલર,

પોણો કપ લો ફેટ પનીરનો ભૂકો,

થોડા ટીપાં રોઝ એસેન્સ,

પા ચમચી ઘી.

બનાવવાની રીત :

રોઝ બરફી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં લો ફેટ માવો, લો ફેટ પનીર, સુગર સબસ્ટીટ્યુટ, રોઝ એસેન્સ લઈને એ બધાને સારી રીતે મિક્સ કરી લો. તેમાં બે ચમચા પાણી ઉમેરો અને લોટ બાંધતા હોય તે રીતે મિક્સ કરો. જરૂર જણાય તો એકાદ ચમચો વધારે પાણી ઉમેરો અને સોફ્ટ લોટ બાંધ્યો હોય એવું મિશ્રણ તૈયાર કરી લો. હવે તેના બે ભાગ કરી લો. એક થાળીને ઘી લગાવી લો. તેમાં એક ભાગને સરખી રીતે પાથરી દો.

બીજા ભાગમાં લાલ ફૂડ કલર મિક્સ કરીને સારી રીતે મસળી લો. હવે આ ભાગને સફેદ ભાગ પર પાથરી દો અને ફ્રિજમાં એક કલાક માટે સેટ થવા દો. તૈયાર છે રોઝ બરફી.

૬. સોયા ઉપમા :

જરૂરી સામગ્રી :

એક ચમચો લીંબુનો રસ,

અડધો કપ ગાજરનું છીણ,

એક ચમચો સમારેલી કોથમીર,

પોણી ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ,

પોણો કપ સોયા ગ્રેન્યુઅલ્સ,

મીઠું સ્વાદ મુજબ,

એક ચમચો તેલ,

અડધો કપ સમારેલી ડુંગળી,

એક ચમચી જીરું,

એક ચમચો અડદ દાળ.

બનાવવાની રીત :

સોયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલા તો સોયા ગ્રેન્યુઅલ્સને ગરમ પાણીમાં ૧૫ મિનિટ માટે પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો. પછી એક પેનમાં તેલ ગરમ કરો. અને તેમાં જીરું અને અડદદાળનો વઘાર કરો. અડદની દાળને લાઈટ બ્રાઉન થવા દો. પછી લસણની પેસ્ટ અને ડુંગળી, આદું-મરચાં- ઉમેરો અને મધ્યમ તાપે ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

આટલું કર્યા પછી તેમાં ગાજરનું છીણ ઉમેરીને ૨-૩ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં પલાળેલા સોયા ગ્રેન્યુઅલ્સ, મીઠું અને લીંબુનો રસ ભેળવીને ૨-૩ મિનિટ પકાવો. એને વચ્ચે વચ્ચે હલાવતા રહો. તો આ રીતે તૈયાર છે તમારા સોયા ઉપમા. તેને કોથમીરથી ગાર્નિશ કરી લો.

૭. બટેટા ડુંગળીનું સૂપ :

જરૂરી સામગ્રી :

એક ચમચી બટર,

પા કપ ડુંગળીની સ્લાઈસ,

એક કપ સમારેલા બટેટા,

બે ચમચા છીણેલુ ગાજર,

અડધો કપ ડ્રાઈ મિક્સ્ડ હર્બ્સ,

મરી પાઉડર સ્વાદ મુજબ,

મીઠું સ્વાદ મુજબ.

બનાવવાની રીત :

બટેટા ડુંગળીનું સૂપ બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં બટર નાખીને એને ગરમ કરો. પછી તેમાં ડુંગળીની સ્લાઈસ ઉમેરીને મધ્યમ તાપે ૧ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં બટેટા ઉમેરો અને ૧ થી ૨ મિનિટ સાંતળો. હવે તેમાં દોઢ કપ પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરી દો. પછી એની કુકરમાં ૩ સીટી વગાડી લો ગેસ બંધ કરી દો.

કુકરમાં જાતે વરાળ નીકળી જાય પછી એનું ઢાંકણ ખોલો, અને તેમાં બ્લેન્ડર ફેરવીને સ્મૂધ પ્યુરી બનાવી લો. પછી તેમાં મીઠું, મરી અને અડધો કપ પાણી ઉમેરીને મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ ઉકાળો. છેલ્લે તેને ગાજરના છીણથી ગાર્નિશ કરીને ગેસ પરથી ઉતારી લો.