નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો આમ તો આપણે ટીવી કે ફિલ્મોમાં સાસુ-વહુના સંબંધોને લડવા-ઝગડવા વાળા સંબંધ તરીકે જ જોયો છે. અને એ બધું જોવાને લીધે અસલ જીવનમાં પણ ઘણા સંબંધો એવા થઈ ગયા છે. પણ આજે અમે જે સ્ટોરી લઈને આવ્યા છીએ, એમાં તમને સાસુ અને વહુના સાચા સંબંધની એક ઝલક દેખાશે. આ સ્ટોરીનું નામ છે ‘સરકાર’ અને એના લેખક છે જયદીપ રામાણી. તો આવો વધુ સમય ન બગાડતા આજની સ્ટોરી શરુ કરીએ.
પ્રેરણા : દરેક સંબંધો થોડો સમય માંગી લે છે, જરૂર છે ખાલી આપણા થોડા આશ્વાસન અને નવીનતા તરફ ડગ માંડવાની.
પૃથ્વી પર આપણાં જન્મને આપણે એક રંગભુમિના કિરદાર(પાત્ર) તરીકે લઈ શકીએ. જયાં દરેક પાત્રો સંબધરૂપી નાટ્ય રજૂ કરે છે. આ સમાજને એક “રંગભુમિ” તરીકે ગણી શકાય. અને જયારે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીનું જીવન હંમેશા વિવાદસ્પદ અને સસ્પેન્સથી ભરપૂર જોવા મળે છે. દરેકના માનસપટમાં સ્ત્રીના જીવન વિશે એક ‘આછી છાપ’ છપાયેલી છે. જેમાં સાસું નામનું પાત્ર હંમેશા “વિલન” તરીકે રજૂ થયું છે. આધુનિકતાની અસર આ સબંધમાં પણ થઇ છે.
આજે આવી જ એક વાત તમને જણાવીશું, જે ગુજરાતના એક વિકસતા અને ધબકતા શહેર એટલે કે સુરતના એક અસમાન્ય પરિવારની છે. પ્રતિભાબહેન પંકજભાઈ ગાંધી, સુરતના એક વિસ્તારનું ગુંજતુું નામ. ‘રાજુલાબહેન બચુભાઈ મોદી’ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલ પ્રતિભાબહેન એમના ઉચ્ચ કાર્યને લીધે શિક્ષણજગતમાં ખૂબ જ પ્રચલિત હતા. હજુ આ જ વર્ષે નિવૃત થઈ જીવનનાં અંતિમ પડાવ તરફ તેમણે પ્રયાણ કર્યુ. પ્રતિભાબહેને “સિંગલ પેરેંટ” ના લેબલ સાથે એક સફળ બિઝનેસમેન ગર્વ ગાંધીના ચરિત્રય સંસ્કાર અને વ્યકિતત્વનું સિચન કયું હતું.
ગર્વ ગાંધીને કવિતા અને શાયરીનો ગજબનો શોખ હતો. અવારનવાર તે મુશાયરાની મુલાકાત લેતો. આવી જ એક સાંજે શહેરના પ્રખ્યાત આયોજકો દ્વારા આયોજન થયેલ મુશાયરાની મુલાકાત એણે લીધી. ગર્વ ગાંધીમાં એક “perfect gentleman” તરીકેના બધા જ લક્ષ્ણો હતા. સાથે કુદરતે એને થોડો શ્યામવર્ણ અને સ્નાયુલ બાંધો આપ્યો હતો.
અને આ “ચોકલેટી હિરો” સાથે કેટલીય યુવતીએ પ્રણયના સપના સેવ્યાં હતા. ખૂબ જ શાનદાર રીતે મુશાયરની રમઝટ ચાલતી હતી. ત્યાં ‘મોહિની સ્વરૂપ’ અપ્સરાની એન્ટ્રી થઇ. આ મોર્ડન મોહિનીને જોઈ શહેરના કેટલાય નામાંકિત ચહેરા છક થઇ ગયા.
આ અપ્સરા બીજું કોઈ નહીં, પણ સાહિત્યજગતનું ગુજતું નામ અને સાથે સાથે જેની ધારદાર વાચા અને સ્પષ્ટ વક્તા તરીકેની ઓળખ હતી એવી પ્રભાવશાળી વ્યક્તિ હતી. અને આ નામ હતું ગાર્ગી મહેતા. પ્રેમ અને પ્રણયના કેટલાય દાવપેચ મુશાયરામાં લાગ્યાં, અને આખરે બરાબર રાત્રે 12 વાગ્યે પૂણાઁહુતિ થઇ. સાહિત્ય રસિક ગર્વ દરેક શાયરીના મર્મને સમજી પોતાનો પ્રતિસાદ આપી મુશાયરામાં પોતાની હાજરી પુરાવતો, પણ આજે એ મૌન રહયો.
ચાર કલાક સુધી તેણે નજરથી માત્ર આ રૂપનું જામ પીધું. પૂણાઁહુતિ બાદ એકબીજાને ગળે મળી સૌ ઘરે રવાના થતાં હતા. અને કોઈ હિંદી ફિલ્મના દ્રશ્યની જેમ આ “made for each other” કહી શકાય એવા બે પાત્રો સામસામે આવી પહોંચ્યા. પહેલી નજરે પ્રેમમાં પડી ગયેલા આ યુવાન હૈયાએ વાચાને વિરામ આપી માત્ર નજરે દિલના સરનામાં પૂછી લીધા. હવે મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. મુશાયરાથી શરૂ થયેલી આ સફર શહેરના પ્રખ્યાત ‘કોફિકેફે’ માં પહોંચીને અટકી.
એક ઢળતી સાંજે ડુમસના દરિયાકિનારે ગર્વની બાહોમાં સમાયેલ ગાર્ગીએ વાતનો દોર શરૂ કર્યો. તે થોડી સ્વસ્થ થઇ વાળની લટ સરખી કરતાં બોલી, “ગર્વ બેબી! મારા ઘરે મારી સગાઈની વાતો ચાલુ થઇ ગઈ છે. પપ્પાએ શહેરના પ્રખ્યાત ચહેરાઓનું લિસ્ટ મારી સમક્ષ ધરી દીધું છે. આપણે હવે આપણાં ઘરે આપણાં આ પ્રેમસબંધ વિશે જણાવી દેવું જોઈએ. આ સાંભળી ગર્વના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા, અને ગાર્ગીને તે અજુગતું લાગ્યું. ગર્વએ વાત બદલી નાખી. ગાર્ગીએ આ વાત નજરઅંદાજ કરી, પણ આવું બે થી ત્રણ વાર થયું.
પછી એક સાંજે બંને બગીચામાં બેઠા હતા, ત્યારે ગાર્ગીએ “કસમ” નામનું શસ્ત્ર વાપરી ગર્વને મનની વાત જ્ણાવવા કહ્યું. પ્રેમ પહેલા ‘બેસ્ટફ્રેન્ડ’ રહેલા આ કપલમાં સમજણ હતી. ગર્વએ મુક્ત બની વાત કરી, “ગાગી ડોલિંગ! હું તને બધી હકીકત જણાવવા માગું છું. આશરે 25 વર્ષ પેહલાની વાત છે, જ્યારે મારી મમ્મી ગર્ભવતી હતી ત્યારે એમની સામે એક કડવું સત્ય સામે આવ્યું. એ સત્ય એ હતું કે, મારા પપ્પા કોઈ પરિણિત સ્ત્રી સાથે સબંધમાં હતા. અને આ વાત સામે આવતા તેમના દિલના દરિયામાં તોફાન ઉપડયું.
પછી ખૂબ જ ઝડપથી છૂટાછેડાની વિધિ પતાવીને તેમણે સ્વતંત્ર જીવન શરૂ કર્યું. તેમણે એકલવાયું જીવન જીવવાનો વિકલ્પ પસંદ કર્યો. સમાજના મહેણાં–ટોણાં સામે નીડરતાથી લડી લઈ તેણો મારા ઉછેરની ફરજ બજાવી. આટલું કહી ગર્વ ગળગળો થઇ ગયો.
હકીકતમાં આ ઘટનાની ઊંડી અસર પ્રતિભાબહેન પર થઈ હતી. તેમના હૈયામાં પ્રેમનું ઝરણું સુકાઈ ગયું. તેમણે સમાજથી સમાધિ લઈ લીધી “એન્ટી સોશિયલ” મોડ ઓન થઈ ગયો. પ્રતિભાબહેનના આ વિચારોથી ગર્વ વાકેફ હતો. તેની પ્રેમરૂપી રેલગાડીને પ્રતિભા બહેન તરફથી ગ્રીન સિગ્નલ નહીં મળે એ ગર્વ સારી રીતે જાણતો હતો.
મૌન સાથે આ મુલાકાત પૂરી થઈ. પણ ગાર્ગીને આખી રાત ઊંઘ ન આવી. નવી આશા સાથે તેણે એક મક્કમ નિર્ણય લીધો. પિતાની સંમતિ લીધી. ગર્વને ઘરે બોલાવી મુલાકાત કરાવી અને દરેક પ્રેમીઓ જે વિકલ્પ પસંદ કરે એ જ કર્યો. તેણે ગર્વને કોર્ટ મેરેજ કરવા કહ્યું. ગર્વએ થોડી આનાકાની કરી પણ દરેક પુરુષ જેમ “સ્ત્રીહઠ” સામે હારી જાય છે, તેમ ગર્વએ પણ માનવું પડયું. બે મિત્રોની સાક્ષિમાં સાથે ગાર્ગીના પિતાની હાજરીમાં કોર્ટ મેરેજની ઓફિસિઅલ વિધિ પૂરી થઈ.
આ નવપરિણીત યુગલ હવે ઘરે આવ્યું. પોતાના આલિશાન ડ્રોઈંગરૂમમાં પ્રતિભાબહેન ટીવી જોતાં હતા, ત્યાં આચનક ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. કોઈપણ જાતના આવકાર કે પ્રતિસાદ વગર એમણે બારણું ખોલ્યું, અને એક તીખી નજરથી ગર્વ સામે જોયું અને પછી પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. ખાવાનું ઓનલાઇન ઓર્ડર કરીને જમી લીધું. લગભગ આ મુજબ છ મહિના સુધી ચાલ્યું. ગર્વ સાથે પણ પ્રતિભાબહેને કામ પરંતુ બોલવાનું કરી દીધું.
પરંતુ ગાર્ગી સંસ્કારી ખાનદાન માંથી આવી હતી. તેણે માં-દિકરાના સબંધમાં પડેલી આ તિરાડ પૂરવાના પ્રયત્ન શરૂ કરી દીધા. પ્રેમને પાનખર સમજતા પ્રતિભાબહેનને વસંતનો અનુભવ કરાવવાની ટેક ગાર્ગીએ લીધી. અને એડિસનની જેમ આશરે હજાર નિષ્ફળ પ્રયોગ બાદ પ્રતિભાબહેન પીગળ્યા. એક સમજદાર, શિક્ષિત અને સેન્સ ઓફ હુમર ધરાવતી આ યુવતી પોતાના ઘરની વહુ બની એનો આનંદ એમને થયો. હવે આ સાસુ વહુનો સબંધ દોસ્તીમાં પરિણમવા માંડ્યો. પોતાની વસ્તુઓ, કિચન અને સાથે સાથે મનમાં ગુપ્ત રહેલી વાતોનું શેયરીંગ થવા માંડ્યું.
કહેવાય છે ને કે, ઉપર વાલા જબ ભી દેતા હે, દેતા છપ્પર ફાડકે દેતા હે. અને ઘરમાં ખુશીના સમાચાર આવ્યા કે, ગાર્ગી માં બનવાની છે. ગાર્ગી અને ગર્વનું દાંપત્ય જીવન સુખમય ચાલી રહયું હતું. પ્રતિભાબહેન પણ ગાર્ગીને ખૂબ જ સાચવતાં. આખરે એ એમની બેસ્ટફ્રેન્ડ હતી.
આ બધા વચ્ચે ગાર્ગીને એક વાત હંમેશા ખુંચતી અને એ હતી પ્રતિભાબહેનની એકલતા. એક દિવસ સાંજે બંને બેસ્ટફ્રેન્ડ એટલે કે સાસુ-વહુ ઘરની બાલ્કનીમાં આથમતાં સુરજની સુંદરતા નિહાળતા ગરમ ચાની ચૂસકી લઈ રહતા હતા. મોકાનો લાભ ઉઠાવી ગાર્ગીએ આજે પોતાની ખુંચતી વાત કહેવાનું નક્કી કર્યુ.
ગાર્ગી પ્રતિભાબહેનને “સરકાર” કહીને સંબોધતી હતી. તેણે કહ્યું ,”સરકાર મને તમારી એકલતા બહુ જ ખટકે છે. મને લાગે છે કે તમારે પ્રેમના વસંતનો વૈેભવ માણી તેનો અનુભવ કરવો જોઈએ. તમારે ફરી પ્રભુતામાં પગલાં માંડવા જોઈએ. આ આથમતી ઉંમરે કોઈકનો સાથ અને કોઈકની હૂંફ આખી જિંદગીની કસર ટાળી દે છે. કોઈ સાથીદાર હોય તો જીવનની આ “સફર” “સફળ” થઈ કહેવાય.
પ્રતિભાબહેનેે મૌનને મોકો આપ્યો અને કોઈપણ જાતના પ્રતિસાદ વગર પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. ગાર્ગીને ચિંતા થઈ. તેણે રાત્રે ગર્વને આવતાની સાથે સઘળી હકીકત કહી. ગર્વને પણ ગાર્ગીની વાત સાચી લાગી. ગર્વ પ્રતિભાબહેનના રૂમમાં ગયો, અને કશું જ બોલ્યાં વગર એણે પ્રતિભાબહેનના ખોળામાં માથું મૂકયું ને વર્ષોથી મરુભૂમિ થઈ ગયેલ પ્રતિભાબહેનની આખમાં આજે ચોમાસું આવ્યું.
વરસોની દબાયેલી લાગણી આજે ચોધાર આંસુએ વહેવા લાગી. એટલામાં ગાર્ગી પણ આવી ને ક્ષણભર ત્રણેયે એકબીજાને બાથ ભીડીને આ લાગણીને વહેવા દીધી. દીકરા અને વહુના વિચારોનો મર્મ પ્રતિભાબહેને સમજયો, અને આ નિર્ણયમાં હા કહી. કારણ કે જિંદગીના આ પડાવ પર ખરેખર એમને એક હમસફરની જરૂર હતી.
શહેરના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી. પ્રતિભાબહેનને લાયક એક સારો અને સુશિલ મુરતિયો મળી ગયો. તેઓ શહેરના અને વિશ્વભરમાં પ્રખ્યાત એવા ચિત્રકાર હતા જેનું નામ હતુ રાજેન્દ્ર ચોકસી. એમ તો એ પ્રતિભાબહેનના કોલેજકાળના મિત્ર હતા. શહેરમાં પહેલીવાર આ ઘટના હતી જ્યાં વહુએ તેની બેસ્ટફ્રેન્ડ કહેતા કે તેના ‘સરકાર’ ના લગ્ન અને સાસુએ વહૂનું સીમંત એક જ દિવસે, એક જ માંડવે ઉજવ્યું.
કદાચ કુદરતને પણ ઇર્ષા આવી જાય, એવો ચાર જાન અને આવનારા પાંચમાં સભ્ય સહિત પાંચ સભ્યોનો આ સુખી પરિવાર હતો.
આધુનિકતાની અસર આ સબંધ પર થઈ છે. હંમેશા માનસપટ પર ખડડૂસ દર્શાવાયેલી આ સાસુ નવી પેઢીના વિચાર સ્વીકારતી થઈ છે, અને વહુ પણ સાસુને નવી દુનિયાના દર્શન કરાવતી થઈ છે.
– જયદીપ રામાણી.
વાચક મિત્રો, તમને આ સ્ટોરી સારી લાગી હોય તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.