નવા વર્ષનું પહેલું અઠવાડિયું આ રાશિનો માટે લઈને આવ્યું છે આશાની નવી કિરણ, વાંચો સાપ્તાહિક રાશિફળ

0
713

કર્ક :

અત્યાર સુધી વેપાર-ધંધામાં ધ્યાન આપ્યા બાદ આપને હવે નિરાંતથી બેસવાની ઈચ્છા થશે. પરિવાર સાથે ટૂંકી મુસાફરીનો યોગ છે. અવિવાહિત જાતકોને ગમતી વ્યક્તિ સાથે બહાર જવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે પરંતુ સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસના બદલે પરાવિજ્ઞાનના વિષયોમાં વધુ ઊંડા ઉતરવા માટે ઉત્સુક જણાશો.

સપ્તાહના મધ્યમાં પ્રેમીજનો વચ્‍ચે બોલાચાલી થતાં મનદુ:ખ કે અબોલા થાય પરંતુ શરૂઆત અને અંતિમ ચરણ સારું હોવાથી એકંદરે સંબંધોનું સુખ માણી શકશો. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે માર્ગ મોકળો થતો હોય તેમ લાગે. જો આપ મન લગાવીને કામ કરશો તો સફળતા અચૂક મળશે. નોકરીમાં સાથી કાર્યકરોનો સહકાર મળશે તેમ ઉપરી અધિકારીઓની મીઠી નજર રહેશે.

અત્યારે કામકાજમાં ફેરફાર અથવા સ્થાનફેર થવાની શક્યતા પણ બનશે. ઉત્તરાર્ધનો તબક્કો આપ પરિવાર અને સંતાનો સાથે સારી રીતે વિતાવી શકશો. કામકાજમાં પ્રતિસ્‍પર્ધીઓ તમારી વિરુદ્ધ ફાવી શકશે નહીં. છેલ્લા દિવસે મનની પ્રસન્નતા અને ઉત્સાહ તેમ જ શરીરમાં નવી ઉર્જા સાથે આપ પ્રારંભ કરશો.

વૃષભ :

ગત સપ્તાહે થોડો વિપરિત તબક્કો પસાર કર્યા પછી આ સપ્તાહની શરૂઆત સકારાત્મકતા સાથે થશે. વિવાહિતોને દાંપત્યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થાય. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે ખૂબ જ સારો મનમેળ રહે અને તેમના થકી આપની પ્રગતિનો માર્ગ મોકળો બને. વિદ્યાર્થીઓને એકંદરે રાહત રહેશે પરંતુ ભાવી કારકિર્દીની પસંદગી મામલે આપનું મન અસમંજસમાં રહેશે.

આ મામલે શક્ય હોય તો તજજ્ઞો સાથે ચર્ચા કરી નિર્ણય લેવો. છેલ્લા દિવસે નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. સંપૂર્ણ વાત જાણ્યા વગર કોઈના ઝઘડામાં વચ્ચે પડશો તો ઉપાધિ વહોરી લેશો. મગજ શાંત રાખજો. સરકારી કાર્યોમાં વિઘ્નો આવવાની શક્યતા છે માટે આવા પ્રશ્નોને અત્યારે બહુ છંછેડવા નહીં. છેલ્લા દિવેસ માનસિક તણાવ દૂર કરવા પ્રભુસ્‍મરણ કરવું.

ધાર્મિક કાર્યો, દેવદર્શન અને ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરોપકાર અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી પ્રેરાઈને આ કાર્યો પાછળ આપ ધન ખર્ચ કરશો તેમ જ પોતે પણ સેવા આપશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય.

કન્યા :

સપ્તાહની શરૂઆતમાં આપ તમામ કાર્યો સ્‍વસ્‍થતા અને સરળતાથી પાર પાડી શકશો. આપના પરિવારનો માહોલ શાંતિપૂર્ણ રહેતા થોડી રાહત અનુભવશો. ધાર્મિક વાંચન કે સત્સંગથી આપને અનેરો આનંદ મળશે. પરિવારમાં સ્‍ત્રી પાત્ર સાથે કોઇ બાબતે મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. આ માટે તમે કોઇપણ બાબતે વધુ સ્પષ્ટતા રાખશો તો બહેતર રહેશે.

સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 30ના મધ્યાહનથી 1ની સાંજ સુધી શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાય. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફ થઈ શકે છે. જોકે, તે પછીના સમયમાં તમારામાં સકારાત્મકતાનો સંચાર થશે. વ્યવસાયિક ક્ષેત્રે આપ પ્રગતિની અપેક્ષા રાખી શકો તેમ જ હરીફોને સરળતાથી પછાડી શકશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય.

વ્યવસાય કે વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ સારી રહે અને આર્થિક લાભ સારો મળે, તેમ જ ફસાયેલા નાણાં મળે. સ્થાવર મિલકત મકાન-જમીન વગેરેના કાર્યોમાં સફળતા મળે. છેલ્લા દિવસે સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકોને મોટાભાગે ચડાવઉતારની સ્થિતિ રહેશે.

મેષ :

આ સપ્તાહના પૂર્વાર્ધમાં પ્રિય પાત્રની નજદીકી આપને હર્ષિત કરશે. કોઇની સાથે લાગણીભર્યા સંબંધોથી બંધાશો. નોકરિયાતોને બઢતી જેવા સારા સમાચાર મળે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધે. કામકાજ કે મનોરંજન માટે આપ ટૂંકી મુસાફરીનું આયોજન કરશો. પરિવાર અને વ્‍યવસાયના ક્ષેત્રે સારી રીતે સમય પસાર થશે. બંને સ્‍થળે આપ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશો.

તમે સામાજિક કાર્યોમાં ભાગ લો અથવા જાહેર મિલન કે માંગલિક પ્રસંગમાં જવાનું થાય તેવી પણ શક્યતા છે. શરૂઆતમાં તમે જે કાર્યબોજ ઉપાડશો તેના કારણે ખાસ કરીને ઉત્તરાર્ધમાં થોડોક થાક વર્તાશે પરંતુ કામના કારણે આર્થિક લાભ થતા આપને વધુ ફરિયાદ નહીં રહે. સામાજિક પ્રસંગોમાં ખર્ચ થઇ શકે છે. વેપારીઓને નફાકારક સોદા થાય તેમ જ નવા ઓર્ડર મળે.

વ્યવસાયિક ક્ષેત્રે પરિવારજનોનો સહકાર મળતા આપનું કામ ઘણું હળવું થઈ જશે.લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍નના યોગ છે. સુરુચિપૂર્ણ ઉત્તમ ભોજન અને દાંપત્ય સુખ મળે. છેલ્લા દિવસે તમે પોતાની જાત પર વધુ ધ્યાન આપશો.

વૃશ્ચિક :

આ સપ્તાહમાં શરૂઆતમાં આપ મનોરંજન તેમ જ હરવાફરવામાં સમય પસાર કરશો. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહે. તમે અત્યારે ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્‍ન કરશો. ન્‍યા‍યપ્રિય વલણ રહે જેથી તમે પોતાની સાથે સાથે બીજા લોકોનો પણ વિચાર કરશો. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે હોવ ત્યારે ગુસ્‍સા પર કાબૂ રાખવો. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું.

તમારી ઉતાવળ કદાચ સંબંધોમાં તણાવ લાવી શકે છે. સંતાનો સાથે મનમેળ સારો રહે. નોકરિયાતોને છેલ્લા દિવસે કોઇ સારી તક મળી શકે છે. છેલ્લા ચરણમાં મોસાળથી સારા સમાચાર મળે અને તેમનાથી લાભ થાય. વિરોધીઓ આપની સામે જીતી નહીં શકે. કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને.

વિદ્યાર્થીઓ માટે આમ તો સમય સારો જ છે પરંતુ ઉત્તરાર્ધમાં તમે અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકશો. અત્યારે તમારામાં મોટાભાગે ઉર્જાનું સ્તર જળવાઇ રહેશે એટલે સ્વાસ્થ્યની ચિંતા જેવું નથી પરંતુ, છેલ્લા દિવસે આપે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી પડશે. ખાનપાનમાં બેદરકારીથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન :

સપ્તાહની શરૂઆતમાં તમને થોડી બેચેની વર્તાશે. તન મનથી થોડા અસ્વસ્થ રહેશો. સાથે સાથે પેટ અને સાંધાનો દુઃખાવો પણ આપને પરેશાન કરશે. ઓચિંતો ધનખર્ચ આપના ખિસ્સા પર બોજ વધારશે. પ્રેમીજનો વચ્‍ચે કોઇ વાદવિવાદને કારણે મનદુ:ખ થાય.

પ્રતિકુળતાઓ વચ્‍ચે પણ આપ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. વિદ્યાર્થીઓને પહેલો દિવસ બાદ કરતા બાકીના સમયમાં વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે. તા. 30ના મધ્યાહન પછી આપના દરેક કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો. પ્રિયપાત્રનો મનગમતો સહવાસ મળે. ભાગ્‍યવૃદ્ધિના પ્રસંગો બને. ઓફિસમાં સહકારભર્યો માહોલ રહેવાથી આપને માનસિક હળવાશ રહેશે.

અધૂરા કાર્યો પૂરા કરી શકશો. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે પરંતુ પ્રિયપાત્રને લગતી કોઇ ચિંતા પણ સતાવી શકે છે. આપ મોજશોખ પાછળ ખર્ચ કરશો. છેલ્લા દિવસે કોઇ લાભ મળવાની શક્યતા નકારી શકાય નહીં. વાહન ચલાવતાં સાવચેતી નહીં રાખો તો ટક્કર લાગવાથી અકસ્માત થઈ શકે છે.

કુંભ :

શરૂઆતમાં પરિવારના સભ્‍યો સાથે મનદુ:ખ ટાળવું. આવક કરતાં ખર્ચ વધારે થશે. ખોટી દલીલબાજી અને ગેરસમજ ટાળવી. શિરદર્દ, પેટને લગતી ફરિયાદો રહે. તે પછીના સમયમાં તમે કોઇપણ કામ અંગે આત્‍મવિશ્વાસ સાથે ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા તેમ જ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્‍ઠામાં વધારો થશે. દાંપત્‍યજીવનમાં સુમેળ રહેશે.

દૂર વસતા સ્‍નેહીજનો તેમ જ મિત્રો સાથેના સંપર્ક વ્‍યવહારથી આપને લાભ થાય. પરિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્‍તિ થાય. અત્યારે તમને સ્વાદના ચટાકા લેવાની વારંવાર ઇચ્છા થઇ શકે છે. સપ્તાહના મધ્યમાં આપની વાકચાતુરીથી કોઇના મનને જીતી શકો. તમે પોતાના કાર્યો બીજા પાસેથી કરાવી શકશો. આવકમાં વધારો થવાની આશા રાખી શકો છો.

જોકે, અત્યારે મોજશોખ પાછળ બેફામ ખર્ચ કરવાથી દૂર રહેવું. ભાઇબહેનો સાથે મળીને ઘર અંગેનું કોઇ આયોજન કરી શકશો. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં ખૂબ આયોજન સાથે આગળ વધવું પડશે. સ્વાસ્થ્યમાં શરૂઆતના બે દિવસને બાદ કરતા ખાસ વાંધો નહીં આવે.

તુલા :

આ સમય ઘર અને ઓફિસમાં બંને જગ્‍યાએ તાલ મેળવવાનો કહી શકાય. શરૂઆતમાં તમે પરિવાર પર વધુ ધ્યાન આપશો અને ખાસ કરીને પરિવારની ખુશી માટે ખર્ચ કરવામાં તમે પાછા નહીં પડો. સામાન્‍ય રીતે આપ પોતાનું કામ ચાલુ રાખશો અને બીજાની અંગત વાતોમાં રસ લેવા નહીં ગમે.

સપ્તાહના મધ્યમાં પ્રેમસંબંધોમાં પણ ઘણી અનુકૂળતા રહેશે અને તમારી વચ્ચે મુલાકાતોની સંભાવના પણ બનશે. પરિવારની સાથે સાથે કામકાજમાં તમે ધ્યાન આપી શકશો અને ખાસ કરીને ઉત્તરાર્ધમાં તમે કારકિર્દીમાં પ્રગતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

સપ્તાહના મધ્યમાં થોડા ટેન્‍શન પછી પાછા આપ અંતમાં કામે લાગી જશો. વિદ્યાર્થીઓ માટે આમ તો સમય સારો જ કહી શકાય પરંતુ ખાસ કરીને 30ના મધ્યાહનથી 1ની સાંજ સુધીનો તબક્કો આપની ખૂબ તરફેણમાં હોવાથી તમારી અભ્યાસની પ્રવૃત્તિઓ આ સમયમાં વધશે. સ્વાસ્થ્યની સુખાકારી બાબતે થોડી કાળજી લેવી પડશે. ખાસ કરીને તમારા પેટ માટે માફક ના હોય તેવું ભોજન ટાળશો તો પણ વાંધો નહીં આવે.

મકર :

કાનૂની બાબતોમાં સાચવીને આગળ વધવું. વધારે પડતી ભાવુકતા કોઇ ઉતાવળું પગલું ન ભરાવે તેનું ધ્યાન રાખજો. વાણી અને વર્તનમાં સૌમ્યતા નહીં હોય તો અનર્થો સર્જાવાની શક્યતા છે. ખર્ચમાં વધારો થાય. આપના આત્મ વિશ્વાસમાં વધારો થશે આના કારણે આપ કામ અંગે ઝડપી નિર્ણય લઇને પ્રગતિ સાધશો. આપના માન પ્રતિષ્ઠા વધશે.

એમ છતાં તેજ મિજાજ અને અહંના કારણે આપને કોઇની સાથે મતભેદ થઇ શકે છે. પિતા કે વડીલોની વધુ કાળજી લેવી પડશે. સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહ્યા કરશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. સરકારી કામકાજ અટકી પડ્યાં હશે તો તેનો નિવેડો લાવવા માટે થોડી બાંધછોડ કરવાની નીતિ રાખવી અન્યથા મામલો વધુ ગુંચવાઇ શકે છે.

લાંબાગાળાના આર્થિક આયોજનો પાર પાડવા માટે ઉત્તરાર્ધનો તબક્કો બહેતર છે. કુટુંબમાં માહોલ સુમેળભર્યો રહેશે. દૂર રહેતા મિત્રો અને સંબંધીઓ સાથે સંદેશ વ્યવહારથી લાભ થશે. આપ તન અને મનથી સ્વસ્થતા અનુભવશો. પાડોશીઓ અને સહોદરો સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.

સિંહ :

સપ્તાહની શરૂઆતમાં રૂચિકર ભોજન લેવાનું અને બહાર ફરવા જવાનું આયોજન થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. આનંદદાયક પ્રવાસ થાય. દાંપત્‍યજીવનમાં નિકટતા વધશે. અવિવાહિતો પ્રિયપાત્ર સમક્ષ તેમના દિલની વાત રજૂ કરી શકશે પરંતુ અત્યારે સંબંધોમાં સાચવીને આગળ વધવાની ખાસ સલાહ છે.

ઘરના ફર્નિચરમાં ફેરબદલી અથવા ગૃહ સજાવટ માટે કોઈ રાચરચીલું કે નવા વાહનની ખરીદી કરો તેવી પણ શક્યતા છે.ઉત્તરાર્ધમાં તમને થોડી માનસિક વ્યાકુળતા આવી શકે છે. જોકે, છેલ્લા દિવસે સ્થિતિમાં સુધારો આવવાની આશા રાખી શકો છો. ભાઇ-બહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે અનુકૂળ સમય છે.

કાર્ય સફળતાથી આપ આનંદિત રહેશો તેમ જ આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિ થશે. કામકાજ અર્થે નાની મુસાફરી થાય. આધ્યાત્મિક અને ગૂઢ વિદ્યાઓમાં સિદ્ધિ મેળવવા માટે ‍સમય સારો છે. લાંબાગાળાના આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે માટે મહેનત કરવી પડશે.

મીન :

પ્રોફેશનલ મોરચે શક્ય હોય ત્યાં સુધી કોર્ટ કચેરી કે સરકારી મામલામાં બીજા લોકો પર આંધળો વિશ્વાસ કરવો નહીં. તમને કામકાજમાં ધરમૂળથી ફેરફાર કરવાના વિચારો આવી શકે છે માટે કોઇપણ નિર્ણય સંભાળીને લેવો. શરૂઆતમાં આર્થિક લાભાની આશા રાખી શકો છો. પ્રોફેશનલ મોરચે પણ તમે ધ્યાન આપશો પરંતુ તા. 30ના મધ્યાહનથી 1ની સાંજ સુધી મનમાં ઉદ્વેગ અને ચિંતા સાથે આપનું સ્‍વાસ્‍થ્‍ય પણ બગડશે.

અસંયમિત વાણી અને વર્તન કોઇ સાથે બોલાચાલી કે તકરાર કરાવે તેવો સંભવ છે. આવકના પ્રમાણમાં ઘણામોટા ખર્ચ આપની સામે આવશે પરંતુ ચિંતાની જરૂર નથી કારણ કે ઉત્તરાર્ધમાં નવી આવક થવાના પ્રબળ યોગો પણ છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે પોતાની જાત પાછળ ખર્ચ કરો તેવી શક્યતા છે. આપના જાહેર સંપર્કોમાં વધારો થાય તેમજ કુટુંબીજનો સાથે પણ સારો સમય વિતાવી શકશો.

છેલ્લા દિવેસ આપ વાણીના માધુર્યથી કોઇનું મન જીતી શકશો. વિદ્યાર્થીઓ માટે શરૂઆત અને અંતિમ સમય સારા છે પરંતુ મધ્યમાં અભ્યાસથી મન વિમુખ થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે જેટલી કાળજી લેશો એટલું સારું છે. છતાં પણ શરૂઆતની તુલનાએ ઉત્તરાર્ધ બહેતર કહી શકાય.

ધનુ :

આ સપ્તાહે આપના પ્રણય સંબંધો સારા રહે પરંતુ તેને ટકાવવા માટે ક્યાંક બાંધછોડ કરવી પડશે તો ક્યાંક પારસ્પરિક વિશ્વાસ પણ વધારવો પડશે. આર્થિક લાભ મળશે. નકારાત્‍મક વિચારો આપના મન પર છવાયેલા ના રહે તે માટે મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. શારીરિક સ્ફુર્તિ બાબતે થોડી અસ્‍વસ્‍થતા અનુભવાય. ઘરમાં વિસંવાદિતાનું વાતાવરણ ટાળવા માટે દરેક સાથે વર્તનમાં વિનમ્રતા રાખવી.

જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો ખૂબ સાચવીને કરજો. ઉત્તરાર્ધમાં જળાશયથી દૂર રહેવું. કફ અને શરદીની સમસ્યા પણ પરેશાન કરી શકે છે. છેલ્લા દિવસે સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્‍પી રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનોની તેમના પ્રિયપાત્ર સાથે મિલન મુલાકાત થાય.

પતિ-પત્‍ની બંનેમાંથી કોઇકનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાનો પણ સંભવ છે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં તમારી સક્રીયતા રહેશે પરંતુ તેનાથી યથ મળવાની બહુ આશા રાખવી નહીં. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અત્યારે વધુ ધ્યાન આપવાની સલાહ છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.