અચાનક ચક્કર આવવા એક ગંભીર બાબત હોય છે, વાંચો આ આર્ટીકલ અને જાણો ડોક્ટર શું કહે છે એના વિષે.

0
3974

મિત્રો, ચક્કર આવવાની સમસ્યા પણ આજકાલ સામાન્ય થઈ ગઈ છે. અને આ બાબતે ભાવનગરના ડોક્ટર પ્રદીપ જોશી અમુક અગત્યની વાતો જણાવે છે, જે આજે અમે તમારી સાથે શેયર કરવાં જઈ રહ્યા છીએ. અને તમને એ વિનંતી કરીએ છીએ કે, તમે આને તમારા મિત્રો અને સંબંધીઓને શેયર કરો જેથી અન્ય લોકોને પણ આ માહિતી મળી શકે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ચક્કર આવવાના મુખ્ય 2 કારણો હોય છે. અને એ કારણો વિષે નીચે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી છે.

૧) આપણા કાનમાં આવેલા વેસ્ટીબ્યુલર નામના નાજુક અવયવ પર કોઈ વાયરસનો ચેપ કે અન્ય કારણથી સોજો આવી જવો. કદાચ તમને આ વેસ્ટીબ્યુલર અવયવ વિષે જાણકારી નહિ હોય, તો જણાવી દઈએ કે આ અવયવ ઘડિયાળની સ્પ્રિંગ જેવું ગૂંચળા વાળું હોય છે. તેમાં પ્રવાહી ભરેલું હોય અને તે પ્રવાહીમાં કોષના છેડે રહેલા ખૂબ બારીક તંતુઓ અવલંબિત હોય છે. આપણા કાનના બે કાર્યો છે. એક તો સાંભળવાનું અને બીજું શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરવાનું.

આ વેસ્ટીબ્યુલર અવયવમાં રહેલા પ્રવાહીમાં શરીરની હલનચનથી જે સ્પંદન પેદા થાય છે, તે અનુસાર કોષોના છેડે રહેલા બારીક તાંતણા પણ આંદોલિત થાય છે. અને તે આંદોલનની ઉર્જાનો ચેતાતંતુમાં સંચાર કરી મગજને સંદેશો પહોંચે છે કે શરીરની કઈ મુવમેન્ટ થાય છે. અને તે અનુસાર મગજ શરીરના જુદા જુદા સ્નાયુઓને ઉત્તેજિત કે અનુત્તેજીત કરે છે, અને શરીર નું સંતુલન જળવાય છે.

એવામાં જયારે કોઈ વાયરસના ચેપને કારણે, કે પછી મોટી ઉંમરે આ અવયવના પ્રવાહીમાં કેલ્શ્યમની નાની નાની પથરીઓ બને છે. આ પથરીઓ એ પ્રવાહીમાં તીવ્ર આંદોલન પેદા કરે છે, જેને કારણે મગજને સમજાતું જ નથી કે શરીર કઈ અવસ્થામાં છે. અને તેને આપણે સાદી ભાષામાં ચક્કર કહીએ છીએ.

તો મિત્રો, જયારે આપણે ચગડોળમાં બેઠા પછી નીચે ઉતરીએ છીએ, ત્યારે શરીર સ્થિર થાય છે પરંતુ પ્રવાહી થોડો સમય સુધી આંદોલિત રહે છે, જેને કારણે ચક્કર આવે. આ ચક્કર શરીરના હલન ચલન, સુઈને બેઠા થતા કે બેઠા થઈને પછી સુતા કે પડખું ફેરવતા સમયે વધુ આવે, તો ક્યારેક ઉલટી પણ થઈ જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ચક્કરની તીવ્રતા સામાન્ય કે ક્યારેક અતિશય પણ હોઈ શકે છે. સ્થિર અવસ્થામાં મોટેભાગે આ ચક્કર મટી જાય છે. આને લીધે વ્યક્તિને બોલવામાં લોચા ન પડે, કે તેની ચાલવાની શૈલી (ગેટ) માં ખાસ ફેર ન પડે. ફક્ત દર્દીની ફરિયાદ અને સામાન્ય પરીક્ષણથી પણ આનું નિદાન થયી શકે છે. એના માટે સીટી સ્કેન કે એમઆરઆઈની જરૂર પડતી નથી.

મિત્રો જણાવી દઈએ કે, મોટી ઉંમરે થતી કેલ્શ્યમની પથરીઓને આ વેસ્ટીબ્યુલરની ત્રી પરિમાણ વાળી રચના માંથી બહાર કાઢવા માટે, ડોકટર કેટલીક કસરત કરાવે કે માથાની અમુક ખાસ ઢબે હલનચલન કરાવે તો ક્ષણમાં જ ચકકર મટી જાય છે. એ સિવાય કેટલીક દવાઓ અને સોજો ઉતારવા થોડા દિવસો સ્ટીરોઇડની દવા આપીને પણ ચક્કર મટાડી શકાય છે. આ ચક્કરને બીપીપીવી પણ કહે છે. (BPPV – benign paroxysmal positional vertigo)

૨) નાના મગજ અને મેરુદંડને લગતી તકલીફોથી આવતા ચક્કર :

મિત્રો, પહેલો મામલો તો સરળ હતો પણ આ મામલો જરા ગંભીર છે. આમાં નાનું મગજ, સેરીબેલમ કે મેરુદંડમાં રહેલા મેડયૂલા મિડબ્રેન કે પોન્સ નામના ભાગમાં કોઈ હેમરેજ થતા, કે અન્ય કારણોસર લોહી ઓછું મળતા કે સોજો આવતા ચક્કર આવે છે. અહીં બોલવામાં પણ તકલીફ પડે છે. દર્દી મોઢામાં ગરમ કોળિયો આવી ગયો હોય તેમ બોલે, અને સાથે શરીરમાં એક બાજુ લકવાની અસર પણ થઈ શકે, દર્દીને ખૂબ ઊલટીઓ થાય અને ઘણી વાર તંદ્રા કે બેભાનાવસ્થા પણ આવી જાય.

ડોકટર દર્દીની તપાસ કરી જ્યારે આ તકલીફ વિશે ધારણા કરે, ત્યારે સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવી ચોક્કસ નિદાન કરે છે. આ સિવાય પણ ઘણી વાર હૃદયના ધબકારાઓની અનિયમિતતા, કે સુઈને ઉભા થતી વખતે બીપીમાં થતો ઘટાડો કે લો સ્યુગર વગેરે કારણસર પણ ચક્કર આવી શકે છે. ઘણી વાર અતિશય માનસિક તણાવ અને ચિંતાથી પણ ચક્કર આવી શકે.

– ડો પ્રદીપ જોશી. (એમ.ડી. ભાવનગર)